મહારાષ્ટ્રના પરભણીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાનું અપમાન થતાં હિંસા

બાબાસાહેબની પ્રતિમા સાથે રાખવામાં આવેલા બંધારણની કોપીને કોઈએ નુકસાન પહોંચાડ્યું હતું. ભીમયોદ્ધાઓ શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા ત્યાં કોઈએ છમકલું કર્યું અને હિંસા ફાટી નીકળી.

મહારાષ્ટ્રના પરભણીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાનું અપમાન થતાં હિંસા
image credit - Google images

મહારાષ્ટ્રના પરભણીમાં ડો.આંબેડકરની પ્રતિમાનું અપમાન થયા બાદ આજે અપાયેલા શાંતિપૂર્ણ બંધમાં તોફાની તત્વોએ છમકલું કરતા સમગ્ર મામલો હિંસક બની ગયો હતો. તોફાની તત્વોએ ડો.આંબેડકરના અનુયાયીઓને ઉશ્કેર્યા હતા. જેના કારણે સંયમ જાળવીને બેઠેલા વિફરેલા ભીમયોદ્ધાઓ આખરે વિફર્યા હતા. પ્રદર્શનકારીઓએ કાબૂમાં કરવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. અમુક જગ્યાએ ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને તણાવપૂર્ણ શાંતિ છે. જિલ્લાધિકારીએ કોઈ પણ અફવા પર વિશ્વાસ નહીં કરવાની અપીલ કરી છે.

મામલો શું હતો?

પરભણી શહેરમાં કલેક્ટર કાર્યાલય સામે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભારતીય બંધારણની એક કોપી રાખવામાં આવી છે. મંગળવારે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે કોઈ અજાણ્યા શખ્સે સંવિધાનની કોપી ખરાબ કરી નાખી હતી. તેની જાણકારી મળતા જ પરભણી શહેરમાં તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. ગુસ્સે થયેલા ભીમયોદ્ધાઓએ મંગળવારે શાંતિપૂર્ણ રીતે બંધનું એલાન આપ્યું હતું. એ દરમિયાન કોઈ તોફાની તત્વોએ ફરીથી છમકલું કરતા મામલો બિચક્યો હતો અને રસ્તો રોકો, રેલ રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા. આજે પણ પરભણી બંધ છે. ભીમયોદ્ધાઓની માંગ છે કે આ મામલાના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવે.

આજના બંધ દરમ્યાન ભીડ અચાનક આક્રમક થઈ ગઈ હતી. અમુક જગ્યા પર રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા, તો વળી રસ્તા પર ઊભેલી ગાડીઓમાં તોડફોડ કરી હતી. અમુક દુકાનોના બોર્ડ પણ તોડી નાખ્યા હતા. અમુક જગ્યાએ ભીડને કાબૂમાં કરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, તો વળી અમુક જગ્યાએ હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પરભણીમાં હાલ કર્ફ્‌યૂની સ્થિતિ છે. જ્યાં સુધી આગળનો આદેશ ન આવે ત્યાં સુધી લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

આજે પરભણી બંધને લોકોનો મોટી સંખ્યામાં પ્રતિસાદ મળ્યો હતો. અહીં હિંસા બાદ કલમ 144 લાગુ કરવામાં આવી છે. શહેરના કેટલાય વિસ્તારો સવારથી જ બંધ રહ્યા હતા. કોઈ અપ્રિય ઘટના ન થાય, તે માટે જિલ્લામાં કેટલીય જગ્યાએ ભારે પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી છે.

આ પણ વાંચો: બોરસદના નાપા તળપદમાં ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરાતા હોબાળો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.