કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?

કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?
Photo By Google Images

બિરસા મુંડાએ લોકોના જીવન પર એવી છાપ છોડી હતી કે આદિવાસી સમાજે તેમને ભગવાનનો દરજ્જો આપ્યો હતો. બિરસા મુંડાએ પણ એક દિવસ જાહેરાત કરી હતી કે તેઓ પૃથ્વીના પિતા એટલે કે 'ધરતી આબા' છે. ચાલો આજે એમની જન્મ જયંતિ નિમિત્તે એમના જીવન વિશે વિગતવાર જાણીએ.

ધરતી આબા બિરસા મુંડા 1857 પછી બે દાયકામાં ઉભરી આવ્યા હતા. તેમનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઉલિહાટુ, ખુંટીમાં થયો હતો. બિરસાનું પ્રારંભિક શિક્ષણ ચાઈબાસાની જર્મન મિશન સ્કૂલમાં થયું હતું. અભ્યાસ દરમિયાન જ તેમનું ક્રાંતિકારી વલણ સ્પષ્ટ થઈ ગયું હતું. અહીં સરદાર ચળવળ પણ ચાલી રહી હતી જે સરકાર અને મિશનરીઓ વિરુદ્ધ હતી. સરદારોના કહેવા પર જ બિરસા મુંડાને મિશન સ્કૂલમાંથી હટાવવામાં આવ્યા હતા. 1890માં બિરસા અને તેમના પરિવારે ચાઈબાસા અને જર્મન ક્રિશ્ચિયન મિશનનું તેમનું સભ્યપદ પણ છોડી દીધું હતું.

રોમન કેથોલિક ધર્મ સ્વીકાર્યો

તેમણે જર્મન મિશન છોડી દીધું અને રોમન કૅથલિક ધર્મ સ્વીકાર્યો હતો. પણ પાછળથી તેમનો આ ધર્મમાંથી પણ રસ ઊડી ગયો હતો. 1891માં તેઓ બંડગાંવના આનંદ પંડના સંપર્કમાં આવ્યા. આનંદ સ્વાંસી જાતિના હતા અને ગરમુંડાના જમીનદાર જગમોહન સિંઘ માટે હિસાબનીશ તરીકે કામ કરતા હતા. બિરસાએ તેમનો મોટાભાગનો સમય આનંદ પંડ અથવા તેમના ભાઈ સુખનાથ પંડ સાથે વિતાવ્યો હતો. અહીં સરકારે પોડાહાટને સંરક્ષિત જંગલ જાહેર કર્યું હતું, જેના કારણે આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું.

જ્યારે ખુદને 'ધરતી આબા' કહ્યા

આંદોલનની ગતિ ધીમી હતી અને બિરસા પણ આ આંદોલનમાં ભાગ લેવા લાગ્યા. આનંદ પંડે સરદાર ચળવળમાં ભાગ લેવા વિશે સમજાવ્યું પણ બિરસાએ આનંદની વાત સાંભળી નહીં. બાદમાં બિરસા પણ આ આંદોલનમાં કૂદી પડ્યા. એક દિવસ બિરસાએ જાહેરાત કરી કે તેઓ પૃથ્વીપિતા એટલે કે 'ધરતી આબા' છે. તેમના અનુયાયીઓ પણ આ સ્વરૂપને માનતા હતા. એક દિવસ તેમની માતા ઉપદેશ સાંભળી રહી હતી. માતા તેને બિરસા બેટા કહેતા. બિરસાએ કહ્યું, તેઓ 'ધરતી આબા' છે અને હવે તેમને આ રીતે સંબોધવા જોઈએ. 1895માં જ્યારે બ્રિટિશ સરકારે પહેલીવાર બિરસા મુંડાની ધરપકડ કરી ત્યારે મુંડા એક ક્રાંતિકારી નેતા તરીકે સમાજમાં સ્થાપિત થઈ ચૂક્યા હતા. જ્યારે તેઓ બે વર્ષ પછી મુક્ત થયા, ત્યારે તેમણે મુંડાઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાનું શરૂ કર્યું.

પાછળથી આ ચળવળ જમીન સંબંધિત રાજકીય ચળવળમાં ફેરવાઈ ગઈ. 6 ઓગસ્ટ, 1895ના રોજ ચોકીદારે તામર પોલીસ સ્ટેશનને જાણ કરી કે 'બિરસા નામના મુંડાએ જાહેરાત કરી છે કે સરકારનું શાસન સમાપ્ત થઈ ગયું છે.' બ્રિટિશ સરકારે આ જાહેરાતને હળવાશથી લીધી ન હતી અને તે બિરસા પ્રત્યે ગંભીર બની ગઈ.

જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે બલિદાન

બિરસા મુંડાએ મુંડા આદિવાસી સમાજને જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે બલિદાન આપવા માટે પ્રેરિત કર્યા. બિરસા મુંડાનું સમગ્ર આંદોલન 1895થી 1900 સુધી ચાલ્યું હતું. આમાં પણ 1899 ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જાન્યુઆરીના અંત સુધી ખૂબ તીવ્ર હતું. પહેલી ધરપકડ ઓગસ્ટ 1895માં બંધગાંવથી થઈ હતી. આ ધરપકડ પાછળ કોઈ હિલચાલ નહોતી, પરંતુ ઉપદેશ દરમિયાન એકઠી થયેલી ભીડ હતી. અંગ્રેજો ઇચ્છતા ન હતા કે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ભીડ એકઠી થાય, પછી ભલે તે ઉપદેશના નામે હોય. બ્રિટિશ સરકારે ખૂબ જ ચતુરાઈથી બિરસાને રાત્રે પકડ્યા, જ્યારે તે સૂતા હતા. બિરસાને જેલમાં મોકલવામાં આવ્યા હતા. બિરસા અને તેમના સહયોગીઓને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

જેલમાંથી છૂટ્યા ત્યારે

બિરસાને રાંચીની જેલમાંથી હજારીબાગ જેલમાં મોકલવામાં આવ્યા હતા. 30 નવેમ્બર 1897ના રોજ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસ તેમને સુરક્ષા હેઠળ લાવી હતી અને તેમને તેમના જૂના વર્તનનું પુનરાવર્તન ન કરવા ચેતવણી આપી હતી. બિરસાએ પણ વચન આપ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારનું આંદોલન શરૂ નહીં કરે, પરંતુ અનુયાયીઓ અને મુંડાઓની હાલત જોઈને બિરસાથી ચૂપ રહી શકાયું નહીં.

નવા આંદોલનની તૈયારીઓ શરૂ થઈ. સરદાર ચળવળ હવે ધીમી પડી ગઈ હતી, તેના આંદોલનકારીઓ પણ બિરસા સાથે જોડાયા. બિરસાએ ચુટિયા મંદિર અને જગન્નાથ મંદિર સહિત પૈતૃક સ્થળોની મુલાકાત લીધી હતી. ગુપ્ત બેઠકોનો દોર પણ શરૂ થયો. વ્યૂહરચના બનવા લાગી. સિંહભૂમના બસિયા, કોલેબીરા, લોહરદગા, બાનો, કારા, ખુંટી, તમદ, બંદુ, સોનાહાટુ અને પોદાહાટ વિસ્તાર પ્રભાવિત થવા લાગ્યા. બિરસાની અસર તેમના સમુદાય પર પડી રહી હતી અને આ પરિવર્તન તેમને એક કરી રહ્યું હતું. આ બધું કરતી વખતે 1898નું વરસ વીતી ગયું. અંદરથી જંગલો સળગી રહ્યા હતા.

પોલીસ બિરસા અને તેમના અનુયાયીઓ પર પણ નજર રાખી રહી હતી. તેણે દરેક ક્ષણના સમાચાર પર નજર રાખવા માટે ઘણા જાસૂસો ગોઠવી દીધા હતા. ચોકીદારનું પણ આ કામ હતું. તેમ છતાં બિરસા હાથ તાળી આપી દેતા. ક્યારે, ક્યાં અને કઈ ટેકરી પર બેઠક યોજાવાની છે તે અત્યંત ગુપ્ત રાખવામાં આવતું હતું.

અબુઆ દિશુમ, અબુઆ રાજ

જમીનમાલિકો અને પોલીસનો અત્યાચાર પણ વધી રહ્યો હતો. મુંડાઓનું માનવું હતું કે આદર્શ જમીન વ્યવસ્થા ત્યારે જ શક્ય છે જ્યારે યુરોપિયન અધિકારીઓને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે. તેથી, એક નવું સૂત્ર પ્રચલિત થયું - 'અબુઆ દિશુમ, અબુઆ રાજ' જેનો અર્થ થાય છે આપણો દેશ - આપણું રાજ.

બિરસા મુંડા અને તેમના અનુયાયીઓ માટે સૌથી મોટા દુશ્મનો જમીનદારો હતા. જમીનદારોની પણ કંપની દ્વારા જ નિમણૂંક કરવામાં આવી હતી. તેથી જ્યારે અંતિમ યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ, ત્યારે પહેલો ટાર્ગેટ તેમને જ કરવામાં આવ્યા. 24 ડિસેમ્બર 1899થી બિરસાની ધરપકડ સુધી રાંચી, ખુંટી અને સિંહભૂમનો આખો વિસ્તાર વિદ્રોહથી સળગી રહ્યો હતો. તેનું કેન્દ્ર ખુંટી હતું. આ બળવાનો હેતુ આદિવાસીઓને તેમના જળ, જંગલ અને જમીનના હકો અપાવવાનો હતો. સૌથી પહેલા ગુમલાના ચક્રધરપુર, ખુંટી, કરરા, તોરપા, તામાડ અને બસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચર્ચો પર હુમલો કરવામાં આવ્યો હતો. તીર છોડવામાં આવ્યા હતા. બિરસા મુંડાના ઉલિહાતુ ગામમાં પણ તીર છોડવામાં આવ્યા હતા. 24મી ડિસેમ્બરની આ ઘટનાથી બ્રિટિશ સરકાર ચોંકી ગઈ હતી. તેથી ધરપકડો શરૂ કરી છે.

પોલીસ અને બળવાખોરો વચ્ચે યુદ્ધ

પોલીસને સમાચાર મળ્યા કે 9 જાન્યુઆરીએ સઇલ રકબ ખાતે મુંડાઓની એક મોટી સભા યોજાવાની છે. પોલીસ મોટા કાફલા સાથે અહીં પહોંચી હતી. ટેકરી લગભગ ત્રણસો ફૂટ ઉંચી હતી. તેના પર એક બેઠક ચાલી રહી હતી. પોલીસ અને વિદ્રોહીઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું, પરંતુ બિરસા મુંડા અહીં મળ્યા નહીં. તેઓ પહેલેથી જ અહીંથી નીકળીને અયુબહાતુ પહોંચ્યા હતા.

જ્યારે પોલીસ અહીં પહોંચી તો તેઓ વેશપલટો કરીને ચાલ્યા ગયા હતા. બિરસા પકડાયા ન હોવાથી પોલીસ ગભરાટમાં હતી. હવે પોલીસે લાલચની યુક્તિ અપનાવી અને બિરસાનું સરનામું આપનારને ઈનામની જાહેરાત કરી. આ જાહેરાત કામ કરી ગઈ. પોડાહાટના જંગલોમાં તેઓ પોતાની જગ્યાઓ બદલતા રહ્યા.

મનમારુ અને જરિકેલના સાત માણસો ઈનામની લાલચે બિરસાને શોધી રહ્યા હતા. 3 ફેબ્રુઆરીના રોજ, તેમણે સેન્ત્રાના પશ્ચિમી જંગલની અંદરથી થોડે દૂર ધુમાડો ઊઠતો જોયો. તેઓ છુપાઈને સરકતા સરકતા અહીં પહોંચ્યા અને બિરસાને અહીં જોઈને ખૂબ જ આનંદિત થઈ ગયા. જ્યારે બધા જમ્યા પછી સૂઈ ગયા ત્યારે આ લોકોએ તકનો ફાયદો ઉઠાવ્યો અને બધાને પકડીને બંડગાંવમાં ડેપ્યુટી કમિશનરને સોંપી દીધા.

આદિવાસી સમાજે ભગવાનનો દરજ્જો આપ્યો

આ લોકોને પાંચસો રૂપિયાનું રોકડ ઈનામ મળ્યું. બિરસાને ત્યાંથી રાંચીની જેલમાં મોકલવામાં આવ્યા હતા. અહીં રાંચીની જેલમાં જ બિરસાએ 9 જૂન, 1900ના રોજ કોલેરાને કારણે અંતિમ શ્વાસ લીધા હતા અને કોકર પાસ ડિસ્ટિલરી બ્રિજ પાસે ઉતાવળે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ રીતે એક યુગનો અંત આવ્યો. બિરસા મુંડાએ લોકોના જીવન પર એવી છાપ છોડી કે પછીના સમયમાં આદિવાસીઓએ તેમને ભગવાનનો દરજ્જો આપ્યો. આજે 15મી નવેમ્બરે તેમની જન્મજયંતિની ઉવજણી થઈ રહી છે ત્યારે આ મહામાનવને શત શત નમન. જય આદિવાસી, જય બિરસા મુંડા.

આગળ વાંચોઃ દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ SC, ST, OBC વર્ગના - NCRB


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.