પોરબંદરના વીંઝરાણા ગામના પૂર્વ દલિત ઉપ સરપંચ પર જાતિવાદી તત્વોનો હિચકારો હુમલો, પીડિતની હિજરત

પોરબંદરના વીંઝરાણા ગામના પૂર્વ દલિત ઉપ સરપંચ પર જાતિવાદી તત્વોનો હિચકારો હુમલો, પીડિતની હિજરત
તસવીરઃ કાંતિલાલ પરમાર

પોરબંદરમાં વિકલાંગ દલિત અગ્રણીને માર મારીને એમને ખૂનની ધમકી આપવામાં આવી હોવાની ઘટના સામે આવી આવી છે. ગંભીર હુમલામાં પોરબંદર પોલીસ ફરિયાદ નોંધતી નથી એવો ઇજાગ્રસ્ત અગ્રણીએ આક્ષેપ કર્યો છે. અગ્રણી હાલ સિવિલ હોસ્પિટલ પોરબંદર ખાતે સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.

આ બનાવની મળતી વિગતો પ્રમાણે પોરબંદર અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ સુમન બેચરભાઈ ચાવડા ઉપર તા.11/11/2023ના રોજ સવાર 10 વાગ્યાના અરસામાં હુમલો કરવામાં આવ્યો હતો.

આ વિશે સુમનભાઈએ જણાવ્યું કે, "આરોપી શખ્સે પોતે દેગામ ગામ રહેતો ગોગન છગનભાઈ ઓડેદરા મેર જાતિનો છું અને હું આઇપીસી 302(ખૂન) કરવા આવ્યો છું એમ કહી મને અપમાનિત કરી ભૂંડી ગાળો કાઢી હતી. હું અપંગ હોવાથી લાકડીના ટેકે ચાલું છું. આરોપીએ મારો ટેકો ઝૂંટવી લઈને મારા બંને પગ અને ડાબા હાથ પર ગંભીર ઈજા પહોંચાડી હતી. સાથે જ મારા પેન્ટના પાછળના ખિસ્સામાં રાખેલ રૂ. 22000 વાળું પાકીટ અને મારો અપંગતાનો સહારો એવો લાકડાનો ગેડીયો ઝૂંટવી ભાગી ગયો હતો. પોરબંદર હોસ્પિટલમાં MLC થયા બાદ ત્રણ વખત પોલીસ ફરિયાદ લેવા આવી પણ મારા લખાવ્યા મુજબની ફરિયાદ લખવા તૈયાર નથી."

હજુ સુધી પોરબંદર પોલીસ દ્વારા આ બનાવની ફરિયાદ નોંધવામાં ન આવી હોવાથી સુમનભાઈએ આ મામલે ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના આગેવાનો અને કાર્યકરોને આગળ આવવા હાકલ કરી છે.

પીડિત સુમનભાઈએ હિજરત કરવી પડી છે

પોરબંદરના વીંઝરાણા ગામના વતની પીડિત સુમનભાઈ ચાવડા ગામના પૂર્વ ઉપ સરપંચ રહી ચૂક્યાં છે. છતાં આજે તેઓ હિજરતી તરીકે જિંદગી જીવવા મજબૂર છે. હાલ તેઓ પોરબંદર એરોડ્રામ પાસે સીતારામ નગરની એક ઝૂંપડીમાં રહે છે. વીંઝરાણા ગામના ઉપ સરપંચ તરીકે તેમની કામગીરી અદ્દભૂત રહી છે. ગામના વિકાસ માટે તેમણે જરુરી તમામ પ્રયત્નો કર્યા હતા. જે જાતિવાદી તત્વોને ખૂંચતા હોવાથી તેમને પદ પરથી હટાવવા માટે તમામ કાવાદાવા અજમાવવામાં આવ્યા હતા.

સુમનભાઈએ જે તે સમયે ગામની શાળામાં તત્કાલિન સરપંચ તથા સભ્ય દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાથી આરટીઆઈ કરીને માહિતી માંગવામાં આવી હતી. જેનો ખાર રાખીને જાતિવાદી સરપંચ અને સભ્યે તેમના પર હુમલો કર્યો હતો અને તેમના પગ ભાંગી નાખ્યા હતા. ત્યારથી તેઓ અપંગ તરીકે જિંદગી જીવવા મજબૂર છે.

આ ઘટના પછી આજે ફરીવાર સુમનભાઈ ચાવડા પર પહેલા જેવો જ હિચકારો હુમલો થયો છે અને આ મામલે પોરબંદર પોલીસ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધતી ન હોવાનું અને જાણીજોઈને ફરજમાં બેદરકારી દાખવતી હોવાનો સુમનભાઈનો આક્ષેપ છે. હાલ તેઓ પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને MLC કરાવેલ છે.

સામાજિક કાર્યકરોનું શું કહેવું છે?

સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારનું કહેવું છે કે, "પોરબંદર પોલીસ સુપ્રીમ કોર્ટે લલિતાકુમારી વર્સીસ ઉત્તરપ્રદેશના કેસમાં આપેલ ચુકાદા મુજબ, સી. આર. પી. સી. ની કલમ-154 મુજબ પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ નીવડી છે અને આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ."

કાંતિભાઈના મતે, "એક સમયે માત્ર અનુ.જાતિ વિભાગના નિયામક દ્વારા કોઈ વ્યક્તિને હિજરતી જાહેર કરવી કે નહીં તે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય કરવામાં આવતો હતો. પણ હવે તેમના આ અધિકાર પર તરાપ મારવામાં આવી છે અને તેમાં કલેક્ટર અને સ્થાનિક એસપીનો અભિપ્રાય લેવો પડે છે. કોઈપણ કલેક્ટર કે એસપી તેમના વિસ્તારમાં કોઈને હિજરતી જાહેર કરે તો તે તેમની નિષ્ફળતા લેખાય. આથી તેઓ જાતિવાદી તત્વોના કારણે દલિતોએ હિજરત કરવી પડતી હોવાનું નજર સામે દેખાતું હોવા છતાં કોઈ પીડિતને હિજરતી જાહેર કરતી નથી. જેના કારણે સુમનભાઈ ચાવડા જેવા અનેક હિજરતીઓને પીડા ભોગવવાનો વારો આવે છે."

આગળ વાંચોઃ એટ્રોસિટીના કેસોની ન્યાયિક પ્રક્રિયામાં પોલીસ-વહીવટીતંત્ર-ન્યાયતંત્રની નકારાત્મક ભૂમિકા અને તેના ઉપાયો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.