રાહુલ ગાંધી સાથે ફોટો જોઈ EDએ કાર્યવાહી કરતા દલિત દંપતીની આત્મહત્યા?
મૃતકે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેના ઘરમાં રાહુલ ગાંધી સાથે ફોટો હોવાથી ED એ તેમને ફસાવ્યા છે. ઈડીની ધમકીથી દલિત દંપતિએ આત્મહત્યા કરી લીધી.
મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના પાટનગર ભોપાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની કાર્યવાહીનો સામનો કરી રહેલા દલિત ઉદ્યોગપતિ મનોજ પરમાર (Manoj Parmar) અને તેમની પત્ની નેહા શુક્રવારે સવારે મધ્ય પ્રદેશના સિહોર (Sihor) જિલ્લામાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમનો મોટો પુત્ર સવારે તેમને જગાડવા ગયો ત્યારે બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે દંપતીએ આત્મહત્યા કરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ પરમારે પાંચ પાનાની સુસાઈડ નોટ છોડી છે, જેમાં તેણે EDના અધિકારીઓ પર દરોડા દરમિયાન તેમના પર હુમલો કરવાનો અને માનસિક દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.
મનોજ પરમારે લખ્યું કે તેમના ઘરે રાહુલ ગાંધીનો ફોટો જોયા બાદ ED ના અધિકારીઓએ તેમને જણાવ્યું કે આ ફોટાના કારણે જ તમારે ત્યાં દરોડા પડ્યા છે. સ્યુસાઈડ નોટમાં મનોજ પરમારે લખ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ફોટો પડાવી પોતાના ઘરમાં રાખ્યો હતો, જેના કારણે ઈડીના અધિકારીઓ તેને પરેશાન કરી રહ્યાં છે.
નકલી દસ્તાવેજો પર લોનનો આરોપ મૂક્યો
મીડિયા રિપોર્ટ મુજબ મનોજ પરમાર પર રોજગાર યોજના અને મુખ્યમંત્રી યુવા ઉદ્યોગ સાહસિક યોજના હેઠળ લીધેલી લોનનો દુરુપયોગ કરવાનો આરોપ છે. તેમના પર નકલી દસ્તાવેજો દ્વારા કરોડો રૂપિયાની લોનની સુવિધા મેળવવાનો આરોપ હતો. સીબીઆઈએ ડિસેમ્બર 2017માં પરમાર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી, તેને રદ કરવાની તેમની અરજી સપ્ટેમ્બર 2022માં હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
ઈડીએ મનોજ પરમારના અનેક ઠેકાણા પર દરોડા પાડ્યાં
સમાચાર એ પણ છે કે તાજેતરમાં, 5 ડિસેમ્બરે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મનોજ પરમાર અને અન્ય લોકોની તપાસ કરતી વખતે સિહોર અને ઇન્દોરમાં ચાર જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. EDએ જણાવ્યું હતું કે બેંક ફ્રોડ સ્કીમમાં સામેલ લોકોના સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું હતું.
ઈડીએ પ્રેસ નોટ જારી કરીને શું કહ્યું?
7 ડિસેમ્બરે, EDએ એક પ્રેસનોટ જારી કરીને જણાવ્યું હતું કે દરોડામાં ઘણા દસ્તાવેજો અને મિલકતોની વિગતો જપ્ત કરવામાં આવી છે. ઈડીએ રૂ. 3.5 લાખનું બેંક બેલેન્સ ફ્રીઝ કર્યું અને ચાર સ્થાવર મિલકતોની ઓળખ કરી હતી.
રાહુલ ગાંધી સાથેના ફોટાને લીધે કાર્યવાહી થઈ?
મનોજ પરમારના પુત્ર અને તેમના ભાઈનો આરોપ છે કે EDએ તેમના પર માનસિક દબાણ કર્યું હતું. પરમારના પરિવારે એજન્સી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમના ઘરમાં રાહુલ ગાંધી સાથે પાડેલો ફોટો જોયા બાદ ઈડીના અધિકારીઓએ કહ્યું હતું કે, આ ફોટાના કારણે જ આ બધું થઈ રહ્યું છે. એ પછી તેમણે મનોજ અને તેમની પત્ની પર દબાણ વધારી દીધું હતું. જેનાથી કંટાળીને તેમણે આત્મહત્યા કરી લીધી. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?