ખેતરમાં ઘાસ કાપવા બદલ દલિત માં-દીકરીને જાતિવાદીએ માર માર્યો
મહિલા વિધવા છે તેની પણ આરોપીએ પરવા ન કરી. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી છે.
ખેતરમાં ઘાસ કાપવા ગયેલી દલિત માં-દીકરીને જાતિવાદી વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હોય તેવી ઘટનાની ગુજરાત સહિત દેશભરમાં જાણે કશી નવાઈ નથી રહી. ગુજરાતમાં ભાગ્યે જ એવું કોઈ ગામ હશે જ્યાં માથાભારે જાતિવાદી તત્વો તેમના ખેતરોના શેઢે ઉગતા ઘાસને પણ જો દલિતો હાથ લગાડે તો તેમની સાથે મારામારી કરવા ઉતરી આવ્યા હોય.
આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશના બુલંદ શહેરના અહમદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવી છે. જ્યાં ઘાસ કાપવાને લઈને એક જાતિવાદી તત્વ દ્વારા દલિત વિધવા અને તેમની દીકરીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેને લઈને હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
ઘટના અહમદનગર પોલીસ સ્ટેશનના જગદીશપુર ગામની છે. જ્યાં એક દલિત વિધવા એક સીમમાં ઘાસ કાપવા માટે નીકળી હતી. એક ખેતરના શેઢે તે ઘાસ કાપી રહી, જેને લઈને એક જાતિવાદી તત્વ દ્વારા મહિલાને માર મારવામાં આવ્યો હતો. મહિલાની ઉંમર ઘણી વધારે છે, જો કે જાતિવાદી તત્વે તેમની ઉંમરની પણ પરવા કર્યા વિના માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો કોઈએ ઉતારી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વીડિયોમાં જાતિવાદી તત્વ દલિત મહિલા અને તેમની દીકરીને માર મારતો દેખાય છે. અહમદનગર પોલીસ ગુનાઓ રોકવામાં નિષ્ફળ નીવડી હોય તેમ લોકોને લાગી રહ્યું છે. કેમ કે, જાતિવાદી ખેતરમાલિક કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના એક વૃદ્ધ મહિલા અને તેમની દીકરીને માર માર્યો હતો.
બુલંદ શહેરના કપ્તાન શ્લોક કુમારે ક્રાઈમની કોઈપણ ઘટનામાં તરત એક્શન લેવાના આદેશો આપેલા હોવા છતાં આ મામલે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. પીડિત દલિત મહિલા વિધવા છે અને કોઈ સહારો ન હોવા છતાં તે દીકરી સાથે મળીને મહેનત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.
જો કે માથાભારે શખ્સે તેની પરવા કર્યા વિના માં-દીકરીને માર માર્યો હતો. બીજી તરફ મહિલાનો આરોપ છે કે, તેણે આ મામલે પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ તેમણે કોઈ ધ્યાન આપ્યું નહોતું.
આ મામલે શિકારપુરના સીઓ વિકાસ ચૌહાણનું કહેવું છે કે, મહિલા મારા કાર્યાલય પર આવી હતી. તેની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. એફઆઈઆર નોંધવામાં આવી છે અને જલદી આરોપીની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ટોળાંએ દલિત આંગણવાડી કાર્યકર મહિલાને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો