સુરતમાં અમિત શાહના વિરોધમાં BSP નું શક્તિ પ્રદર્શન

સુરતમાં અમિત શાહના આંબેડકરવાદી નિવેદનના વિરોધમાં બીએસપી દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શને ભારે ચર્ચા જગાવી છે.

સુરતમાં અમિત શાહના વિરોધમાં BSP નું શક્તિ પ્રદર્શન
image credit - ભરત જાદવ, સુરત

દેશની સંસદમાં બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર વિશે અભદ્ર ભાષાપ્રયોગ કરવા બદલ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ચોતરફ વિરોધ થઈ રહ્યો છે. માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં વસતા બહુજન સમાજના લોકો અને આંબેડકરવાદીઓએ શાહની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી તેઓ માફી માંગે અને રાજીનામું આપે તેવી માંગ તીવ્ર બની રહી છે.

24મી ડિસેમ્બરે બહુજન સમાજ પાર્ટી દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શને લઈને સુરતમાં પણ મોટી સંખ્યામાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોએ ભેગાં થઈને સુરત કલેક્ટર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરી અમિત શાહના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો હતો.

સુરત બીએસપીના કાર્યકરોએ શાંતિપૂર્ણ રીતે પોતાના બંધારણીય અધિકાર મુજબ અમિત શાહનો વિરોધ કર્યો હોવા છતાં સુરત પોલીસ દ્વારા બીએસપીના કાર્યકરો, પદાધિકારીઓને ડિટેઈન કરાયા હતા. જો કે, તેનાથી કાર્યકરોના જુસ્સામાં કોઈ ફરક નહોતો પડ્યો.

ધરણામાં ઉપસ્થિત રહેલા એક કાર્યકર ભરત જાદવે ખબરઅંત.કોમને જણાવ્યું હતું કે, બીએસપી સુપ્રીમ બહેન કુમારી માયાવતીજી દ્વારા અમિત શાહના નિવેદનને લઈને રાષ્ટ્રવ્યાપી ધરણાંની જાહેરાત કરાઈ હતી. એ પછી સુરત બીએસપીએ પણ તૈયારીઓ કરીને 24મી ડિસેમ્બરના રોજ ધરણાંનો કાર્યક્રમ કર્યો હતો. કલેક્ટર કચેરીઓ સૌ કાર્યકરોએ અમિત શાહના નિવેદન સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા વિરોધ છતાં પોલીસે કાર્યકરોને ડિટેઈન કર્યા હતા. જો કે તેમ છતાં પણ કાર્યકરોના જુસ્સામાં કોઈ ફરક પડ્યો નહોતો.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે, "આજકાલ એક ફેશન થઈ ગઈ છે, આંબેડકર..આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર આટલું નામ જો ભગવાનનું લીધું હોત તો સાત જનમ સુધી સ્વર્ગ મળી જાત." તેમના આ નિવેદનનો દેશભરના આંબેડકરવાદીઓમાં ઘેરો પ્રત્યાઘાત પડ્યો હતો. પહેલા વિપક્ષે અને બહુજન સંગઠનોએ સમગ્ર મામલે શાહનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. જેના પડઘા હજુ પણ પડી રહ્યાં છે.

આ પણ વાંચોઃ ડૉ.આંબેડકર ફેશન નહીં અમારું પૅશન છે, આણંદમાં BSP કાર્યકરોનો હુંકાર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.