દલિત યુવકે પોલીસ સ્ટેશન સામે ફેસબૂક લાઈવ કરી અગ્નિસ્નાન કરી લીધું

એક ગામમાં પોલીસે પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી દલિત યુવકની મોકાની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. પોલીસ તે પરત નહોતી કરતી, યુવકે જાતને આગ ચાંપી દીધી.

દલિત યુવકે પોલીસ સ્ટેશન સામે ફેસબૂક લાઈવ કરી અગ્નિસ્નાન કરી લીધું
image credit - Google images

જેના પર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રહેલી છે તે પોલીસ જ જ્યારે રક્ષક મટીને ભક્ષક બની જાય ત્યારે સામાન્ય માણસ માટે ન્યાય મેળવવો મુશ્કેલ બની જતો હોય છે. બધી લડત આપ્યા પછી પણ જ્યારે ન્યાય ન મળે ત્યારે માણસ જીવ કાઢી નાખતા પણ અચકાતો નથી. સૌ જાણે છે કે, આજના સમયમાં જમીનનું કેટલું મહત્વ રહેલું છે. એમાં પણ એક દલિત વ્યક્તિ પાસે જ્યારે મોકાની જમીન હોય ત્યારે માથાભારે તત્વો તેને પડાવી લેવા માટે સતત પેંતરાઓ રચતા રહેતા હોય છે. કંઈક આવું જ એક ગામમાં બન્યું હતું. જ્યાં પોલીસ સ્ટેશનની નજીક આવેલી એક દલિત યુવકની મોકાની જમીન પર ખુદ પોલીસ અધિકારીઓએ જ મળીને ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. આ મામલે દલિત યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પણ કોઈ તેનું સાંભળનાર નહોતું. આખરે કંટાળીને યુવકે પોલીસ સ્ટેશનની સામે જ ફેસબૂક લાઈવ કરીને પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. યુવકના આવા પગલાથી હોબાળો મચી ગયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં થોડા દિવસની સારવાર બાદ તેનું મોત થઈ ગયું હતું. આ મામલે તેની પત્ની છેલ્લાં એક વર્ષથી ન્યાય માટે સંઘર્ષ કરી રહી છે.

યુવકની પત્ની ન્યાય માટે લડી રહી છે

મામલો જાતિવાદ અને ગુંડાગીરી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં બલરામપુર જિલ્લાના ગૈડાસ બુઝુર્ગ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર દલિત યુવકની જમીન બળજબરીથી પડાવી લેવાનો આરોપ લાગ્યો છે. પીડિત યુવકે આ મામલે ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. આથી કંટાળીને તેણે પોલીસ સ્ટેશનની સામે જ પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. જેના કારણે તે શરીરે ગંભીર રીતે દાઝી જતા તેનું મોત થયું હતું. આ મામલે યુવકની પત્નીએ કોર્ટમાં ધા નાખી છે. કોર્ટે આ કેસમાં SITની રચના કરવાનો આદેશ આપ્યો છે. જે બાદ સરકારે કડક વલણ અપનાવ્યું છે અને રેલવેના એડીજીના નેતૃત્વમાં બે સભ્યોની એસઆઈટી નીમી તપાસ કરી રહી છે. તેમની સાથે ત્રણ સભ્યોની નવી કમિટી પણ સમગ્ર મામલાની તપાસ કરશે. હાઈકોર્ટે આ મામલે સમિતિ પાસેથી ઓગસ્ટમાં બંધ કવરમાં રિપોર્ટ માંગ્યો છે. એવું માનવામાં આવે છે કે જૂન અને જુલાઈમાં તપાસ પૂર્ણ થઈ જશે.

આ પણ વાંચો: "સામે રેલવે ટ્રેક પર ભૂંડ કપાઈને મરી ગયું છે, ઉપાડી લો ને...."

અધિક મુખ્ય સચિવ ગૃહ વતી હવે પોલીસ મહાનિરીક્ષક, વિજિલન્સ એસ્ટાબ્લિશમેન્ટ મંઝિલ સૈનીની અધ્યક્ષતામાં ગોંડાના પોલીસ અધિક્ષક રાધેશ્યામ રાય અને બહરાઈચના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ રંજન શ્રીવાસ્તવની એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા ખાનગી કોમર્શિયલ જમીન પર કબ્જો કરવાના આરોપોની નિષ્પક્ષ તપાસ કરવાની રહેશે.

વહીવટીતંત્ર અને પોલીસની અગાઉની તપાસ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે પોલીસે જમીન પર કબ્જો કર્યો હતો. તેથી જ દલિત યુવક રામ બુઝારતે આત્મહત્યા કરી હતી. એ પછી પણ યોગ્ય કાર્યવાહીના અભાવે મૃતકની પત્ની કુસુમા ન્યાય માટે સંઘર્ષ કરી રહી છે. તેની અરજી પર હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે.

એક વર્ષ પહેલાની ઘટના

આખી ઘટના એક વર્ષ પહેલાની છે. 23 ઓક્ટોબર 2023ના રોજ ગૈડાસ બુઝુર્ગ પોલીસ સ્ટેશનનું બાંધકામ પૂર્ણ થયા બાદ તેની હદની બહાર આવેલી ખાનગી કોમર્શિયલ જમીન પર થાંભલા ખોડીને દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીન દલિત યુવક રામ બુઝારતની હતી. તેણે આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી પણ તેનું કોઈએ સાંભળ્યું નહોતું. જેનાથી વ્યથિત થઈને રામ બુઝારતે 24 ઓક્ટોબર 2023ના રોજ ફેસબૂક પર લાઈવ આત્મહત્યા કરી લીધી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં 30 ઓક્ટોબરે સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. એ દરિયાન વહીવટી તંત્ર અને પોલીસની તપાસમાં પોલીસ સ્ટેશનના તત્કાલિન વડાની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી. એટલું જ નહીં કલેક્ટરે સમગ્ર મામલાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જમીન અંગેનો સિવિલ દાવો પેન્ડિંગ હતો અને કોર્ટમાંથી કમિશન પણ લેવામાં આવ્યું છે. તેમ છતાં પોલીસે રામ બુઝારતની જમીન પર કબજો કરી લીધો હતો.

પોલીસને બચાવવા અનેક રમતો રમાઈ

રામ બુઝારતની આત્મહત્યાના આ કેસમાં જવાબદાર પોલીસકર્મીઓને બચાવવા માટે અનેક પેંતરાઓ રચવામાં આવ્યા હતા. તપાસમાં આખો મામલો સ્પષ્ટ થઈ ગયા પછી પણ સમગ્ર તપાસ બહરાઈચમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પીડિતા કુસુમાને ફસાવવા માટે ચૂંટણીના એક દિવસ પહેલા કલેક્ટરને એક રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. જેના પર તેમણે તપાસ હાથ ધરીને એસપીને પત્ર લખીને કડક જવાબ આપ્યો હતો. હવે એસઆઈટીની તપાસના આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, રામ બુઝારિયાની કોમર્શિયલ જમીન પર પોલીસે ગેરકાયદે દબાણ કરીને કબ્જો જમાવી લીધો હતો, એટલે જ તે અગ્નિસ્નાન કરવા માટે મજબૂર થયો હતો.

આ પણ વાંચો: ભાવનગરમાં આધેડે કુળદેવી સમક્ષ અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.