ભાવનગરમાં આધેડે કુળદેવી સમક્ષ અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી
ભાવનગરના ઘોઘા તાલુકાના આલાપર ગામમાં ઓબીસી સમાજના એક આધેડે કુળદેવીના મંદિરમાં અગમ્ય કારણોસર પોતાની જાતને દિવાસળી ચાંપી દીધી હતી.
ગુજરાતમાં ઓબીસી સમાજમાં આજે પણ અંધશ્રદ્ધાનું પ્રમાણ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. કુળદેવીને નૈવેધના નામે પશુબલિ, મંત્રતંત્ર, દોરાધાગા સહિતની અંધશ્રદ્ધામાં સમાજના અનેક લોકોએ જીવ ખોયાના દાખલા છે. આવો જ વધુ એક કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે, જ્યાં એક આધેડે કુળદેવીના મંદિરમાં જ પોતાની જાતને દિવાસળી ચાંપીને આગ લગાવી દીધી હતી. તેઓ ગંભીર રીતે દાઝી જતાં મોતને ભેટ્યા હતા.
મામલો ઘોઘા તાલુકાના આલાપર ગામનો છે. અહીં ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ ભાવનગરના આધેડે આર્થિક સંકડામણના કારણે માતાજી સમક્ષ પોતાની જાતને દિવાસળી ચાંપીને અગ્નિસ્નાન કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ઘોઘા પોલીસના અધિકારી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
અરેરાટી વ્યાપી જાય તેવી આ ઘટના શહેરના ઘોઘા રોડ પર શ્રમજીવી સોસાયટીની છે. અહીં રહેતા અને મકાન લે-વેચનો વ્યવસાય કરતા ગોવિંદભાઈ ધનજીભાઈ ધાપા (ઉં.વ.૪૬) શુક્રવારે ભાવનગરથી ઘોઘાના આલાપર ગામે આવેલા તેમના કુળદેવી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે ગયા હતા અને માતાજીના દર્શન કરીને મંદિર પરિસરની અંદર જ શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને દિવાસળી ચાંપી દઈ અગ્નિસ્નાન કરી લીધું હતું. ભડભડ સળગી ઉઠેલા ગોવિંદભાઈ ધાપા આખા શરીરમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. બીજી તરફ તેમણે માતાજી સમક્ષ પોતાની જાતને જલાવી લીધાની જાણ થતાં સ્થાનિકો મંદિરે દોડી આવ્યા હતા અને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગંભીર રીતે દાઝી જવાથી તેમનું કરૂણ મોત થયું હતું.
આ પણ વાંચો: રામોદ ખાતે સ્મશાનમાં બંધારણના સોગંધ સાથે બૌદ્ધિવિધિથી લગ્ન યોજાયા
આ ઘટનાની જાણ થતા ઘોઘા પી.એસ.આઇ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે મૃતકના ભાઈએ આપેલી માહિતી આધારે પોલીસે અકસ્માતે મોતની એન્ટ્રી કરી આગળની તપાસ હાથ ધરી છે.
આર્થિક સંકડામણને કારણે અંતિમ પગલું ભર્યું
મૃતક ગોવિંદભાઈ ધાપાના ભાઈ ઓમપ્રકાશ ધાપાએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યા પ્રમાણે, મકાન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા તેમના ભાઈ ગોવિંદભાઈ ધાપાને છેલ્લા કેટલાક સમયથી ધંધો સરખો ચાલતો ન હોવાથી તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા હતા અને ઘરની જવાબદારી સામે આર્થિક સ્થિતિ ડામાડોળ હોવાથી તેઓ આર્થિક સંકટમાં મુકાયા હતા. તેમાંથી છુટકારો મેળવવા માટે તેઓ આત્મહત્યા કરવાના વિચાર સાથે આલાપરા ગામે પહોંચ્યા હતા અને ત્યાં માતાજી સમક્ષ જ અગ્નિસ્નાન કરી અંતિમ પગલું ભરી લીધું હતું.
આ પણ વાંચો: વાસ્તુદોષ દૂર કરવાની વિધિના બહાને તાંત્રિકે પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો