જૂની પેન્શન યોજના મુદ્દે 16 મી ઓગસ્ટે ગાંધીનગરમાં શિક્ષકોનું આંદોલન
જૂની પેન્શન યોજનાને ચાલુ કરવાની સરકારની લોલીપોપથી નારાજ શિક્ષકોએ 15મી ઓગસ્ટ બાદ સરકાર સામે મોરચો માંડવાનું નક્કી કર્યું છે.
રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના અંગે અપાયેલી લોલીપોપને લઈને આગામી તા. 16 ઓગસ્ટના દિવસે રાજયભરના શિક્ષકો ગાંધીનગરમાં આંદોલન કરશે તેવો મહત્વનો નિર્ણય આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની આજે અમદાવાદ ખાતે એક મહત્વની બેઠક મળી હતી. જેમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે જૂની પેન્શન યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા અપાયેલી લોલીપોપને લઈને શિક્ષકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. જેને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2005 અગાઉના ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાને લાગુ કરાવવા માટે આગામી તા. 16 ઓગસ્ટના રોજ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવાની જાહેરાત કરાઇ હતી.
આ બેઠકમાં શૈક્ષિક મહાસંઘ દ્વારા એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે, જો ઉત્તરપ્રદેશમાં જૂની પેન્શન યોજનાનો લાભ મળતો હોય તો અમને કેમ નહીં? આ મામલે મહાપંચાયતનું આયોજન કરાયા બાદ પણ સરકાર દ્વારા શિક્ષકોના આ મુદ્દાનું નિરાકરણ લવાયું નથી. જેને લઈને આગામી તા. 16 ઓગસ્ટે ગાંધીનગર ખાતે શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન અને આંદોલન કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત આ બેઠકમાં એચ-ટાટના નિયમો માટે બનાવાયેલ ડ્રાફ્ટ મુજબ ઠરાવ પસાર થાય તે સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો: "હવે મારાથી સહન નથી થતું", ઉનાકાંડના આંદોલનકારી કાંતિભાઈ વાળાનો જેલમાંથી હૃદયદ્રાવક પત્ર
બેઠકમાં વર્ષ 2005 પહેલાનાં કર્મચારીઓને ‘જૂની પેન્શન યોજના’માં સમાવેશ કરાય, જૂના શિક્ષકોની ભરતી અને બદલીના લાભ, પ્રસુતિની રજાઓ સળંગ ગણવા, વ્યાયામ શિક્ષકોને ધો. 6 થી 8 માં સમાવેશ કરવા, પ્રાથમિક શાળાઓમાં પણ વ્યાયામ, ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવા, સી.આર.સી/ બી.આર.સીનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વધારવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી.
આ ઉપરાતં, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને 4200નો ગ્રેડ પે અપાય, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરાય, શિક્ષકોને ફાજલનું રક્ષણ અપાય, ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષકોને બદલીનો લાભ અપાય, માધ્યમિકમાં 300 રજાનું રોકડમાં રૂપાંતરનો પરિપત્ર કરવો, માધ્યમિક શિક્ષકના વર્કલોડમાં સુધારો કરીને શિક્ષકના રેશિયામાં સુધારો કરવો, ઓનલાઈન કામગીરી તથા એકમ કસોટીનું ભારણ ઘટાડવું, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં જૂની પેન્શન યોજના, એચ-ટાટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોને જાહેર કરવા, ભરતી-બદલીના લાભ, પ્રસૂતિની રજાઓ સળંગ ગણવા, વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાસહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરાઇ હતી.
આ બેઠક બાદ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુરુ પૂર્ણિમાના દિવસે એટલે કે, આગામી તા. 21 જુલાઇના રોજ એચ-ટાટ મુખ્ય શિક્ષક ઉમેદવારોને મોટી ભેટ આપવામાં આવશે. જેથી એવું મનાય રહ્યું છે કે, 21 જુલાઇને ગુરુપૂર્ણિમાના દિવસે એચ-ટાટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોને લઈને મહત્વની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. જો આવું થયું તો એચ-ટાટ મુખ્ય શિક્ષકોના બદલીને લગતા તમામ પ્રશ્નો 12 વર્ષ પછી ઉકેલાય જશે.
આ પણ વાંચો: ડો. રમેશચંદ્ર પરમારઃ ગુજરાતમાં દલિત આંદોલનનો એક આક્રમક અવાજ