સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં, ૯૦ ટકાથી વધુ ભરાયો

સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકાથી વધુ ભરાઈ ગયો છે. જ્યારે રાજ્યના 49 ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં હાઈ એલર્ટ જાહેર કરાયા છે.

સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં, ૯૦ ટકાથી વધુ ભરાયો
image credit - Google images

રાજયમાં તેમજ ઉપરવાસમાં થઈ રહેલા સારા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકાથી વધુ ભરાઈ ગયો છે. જ્યારે રાજ્યના 49 ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં હાઈ એલર્ટ જાહેર કરાયા હોવાનું જળ સંપતિ વિભાગ દ્વારા જણાવાયું છે.

રાજ્યના જળ સંપતિ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે, ગુજરાતની સાથોસાથ ઉપરવાસમાં પણ થઈ રહેલા સારા વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૦૦,૪૦૦ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૯.૯૨ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ ઉપરાંત રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૪૬,૮૫૭ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૧.૯૨ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો હોવાનું પણ જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે.

જળ સંપતિ વિભાગ દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં વરસી રહેલા વરસાદના કારણે ૪૯ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે ૧૩ ડેમો ૯૦ ટકાથી ૧૦૦ ભરાઇ જવાથી તેમને હાઈએલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમ સહિત રાજ્યના ૪૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ૨૦ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે ૪૧ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

જળ સંપતિ વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારના અહેવાલ અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સૌથી વધુ સરદાર સરોવર નર્મદા ડેમમાં ૨,૬૭,૮૦૭ ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે ઉકાઈ યોજનામાં ૬૦,૫૩૪ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૭૫.૩૭ ટકા પાણીનો સંગહ થયો છે, તો સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં ૫૩.૧૭ ટકા, કચ્છના ૨૦ ડેમમાં ૫૧.૪૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં  ૫૦.૪૮ ટકા તેમજ ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૨૯.૬૫ ટકા પાણીનો સંગ્રહ થયો હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો: જળ સંપત્તિ વિભાગે વેરાવળની ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના 280 કરોડ માફ કર્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.