સંજીવય્યાથી પહાડિયા સુધી, આ છે દેશના પ્રથમ 4 દલિત મુખ્યમંત્રીઓ

આઝાદીના 75 વર્ષ પછી પણ દલિત નેતાઓ માટે મુખ્યમંત્રી બનવું પડકારજનક છે, ત્યારે હાડોહાડ જાતિવાદના યુગમાં મુખ્યમંત્રી બનેલા એ ચાર દલિત નેતાઓ વિશે જાણો.

સંજીવય્યાથી પહાડિયા સુધી, આ છે દેશના પ્રથમ 4 દલિત મુખ્યમંત્રીઓ
image credit - khabarantar.com

દેશમાં દલિત રાજનીતિનો દબદબો દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ, સપા અને અન્ય મોટા રાજકીય પક્ષો આ સમાજનું સમર્થન મેળવવા સક્રિય છે. દલિત સમાજની રાજકીય તાકાત અને સંખ્યા શાસક પક્ષો માટે અત્યંત મહત્વ ધરાવે છે, કારણ કે આ સમાજ મતબેંકનો મોટો હિસ્સો બનાવે છે અને ચૂંટણીમાં જીત માટે જરૂરી ટેકો પૂરો પાડી શકે છે. દલિત રાજકારણે ભારતીય રાજકારણને નવી દિશા આપી છે અને બહેન કુમારી માયાવતી સહિતના અન્ય મુખ્યમંત્રીઓએ દલિતની સામાજિક અને રાજકીય સ્થિતિને ઓર મજબૂત કરી છે. આ નેતાઓએ મુખ્ય પ્રવાહના રાજકારણમાં દલિત મુદ્દાઓને અસરકારક રીતે ઉઠાવ્યા છે અને તેની સાથે જોડાયેલા મતદારોનું ધ્યાન ખેંચ્યું અને સમર્થન પણ મેળવ્યું.

જો કે એ હકીકતને અવગણી શકાય તેમ નથી કે, જાતિવાદની ધરી પર ઉભેલા ભારતમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ દલિત સમાજમાંથી આવતા નેતાઓ માટે મુખ્યમંત્રી બનવું એક મોટો પડકાર છે. તેમ છતાં પોતાની રાજકીય પ્રતિભાથી કેટલાક નેતાઓ આ પદ સુધી પહોંચી શક્યા છે અને તેમણે નોંધપાત્ર સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. ભારતમાં દલિત સમાજમાંથી અત્યાર સુધીમાં 8 મુખ્યમંત્રીઓ બન્યાં છે અને તે નીચે મુજબ છે.

દામોદરમ સંજીવય્યા – આંધ્ર પ્રદેશ
ભોલા પાસવાન શાસ્ત્રી – બિહાર
રામસુંદર દાસ – બિહાર
જગન્નાથ પહાડિયા - રાજસ્થાન
માયાવતી - ઉત્તર પ્રદેશ
સુશીલ કુમાર શિંદે – મહારાષ્ટ્ર
જીતનરામ માંઝી – બિહાર
ચરણજીત સિંહ ચન્ની – પંજાબ

આ નેતાઓએ પોતપોતાના રાજ્યોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને દલિત સમાજના અવાજને મુખ્ય પ્રવાહના રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન આપ્યું હતું. અહીં આપણે પહેલા ચાર મુખ્યમંત્રીઓ દામોદર સંજીવય્યા, ભોલા પાસવાન અને રામસુંદર દાસ અને જગન્નાથ પહાડિયા વિશે વિસ્તારથી જાણીએ. એ પછીના લેખમાં બાકીના ચાર મુખ્યમંત્રીઓ વિશે જાણીશું.

દામોદરમ સંજીવય્યાઃ પિતાની છત્રછાયા ગુમાવનાર છોકરો દેશનો પ્રથમ દલિત સીએમ બન્યો
ભારતમાં દલિત સમુદાયમાંથી પ્રથમ મુખ્ય પ્રધાન દામોદરમ સંજીવય્યા હતા, જેમણે 1960ના દાયકામાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ દલિત સમાજમાંથી આવનારા પ્રથમ મુખ્યમંત્રી હતા અને તે સમયે સૌથી યુવા મુખ્યમંત્રી પણ હતા. સંજીવય્યાએ ​​તેમની રાજકીય કારકિર્દી કોંગ્રેસ પાર્ટી સાથે શરૂ કરી અને 1956માં આંધ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના ત્રીજા પ્રમુખ બન્યા, આ પદ તેઓ 1961 સુધી રહ્યા હતા. 1957ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 301માંથી 187 બેઠકો જીતી અને નીલમ સંજીવા રેડ્ડી મુખ્યમંત્રી બન્યા. જૂથવાદના કારણે સંજીવૈયાને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. 1964માં તેમણે રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી અને લાલ બહાદુર શાસ્ત્રીની સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રી બન્યા. 1972માં માત્ર 51 વર્ષની વયે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. તેમના કાર્યકાળ અને યોગદાનની દલિત સમાજની રાજકીય પરિસ્થિતિ પર નોંધપાત્ર અસર પડી હતી.

આ પણ વાંચોઃ તમામ લાયકાત હોવા છતાં દલિત હોવાને કારણે તેઓ કદી કેપ્ટન ન બની શક્યા

દામોદરમ સંજીવય્યાનો જન્મ કુર્નૂલ જિલ્લાના કલ્લુર મંડળના પેડદાપડુ ગામમાં માલા દાસુ પરિવારમાં થયો હતો. તેઓ નાના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું. તેમણે મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને 1948માં મદ્રાસ લો કોલેજમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી. વિદ્યાર્થી હોવા છતાં, તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેઓ સંયુક્ત મદ્રાસ રાજ્યમાં મંત્રી હતા અને 1950-52 સુધી કામચલાઉ સંસદના સભ્ય પણ હતા. 1962 માં તેઓ આંધ્ર પ્રદેશના પ્રથમ દલિત નેતા બન્યા જેઓ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બન્યા. તેઓ 9 જૂન 1964 થી 23 જાન્યુઆરી 1966 દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રીની સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રી હતા. તેમણે ભારતમાં શ્રમ સમસ્યાઓ અને ઔદ્યોગિક વિકાસ પર એક પુસ્તક લખ્યું હતું, જે 1970 માં ઓક્સફોર્ડ અને IBH પબ દ્વારા પ્રકાશિત થયું હતું. તેમણે વિધવાઓ, વૃદ્ધો માટે પેન્શન સિસ્ટમ દાખલ કરી અને આંધ્ર પ્રદેશમાં લલિતા કલા એકેડેમીની સ્થાપના કરી. તેઓ ભારતમાં અત્યાર સુધીના સૌથી યુવા મુખ્યમંત્રી હતા, તેમણે એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ની ઓફિસ ખોલવાની શરૂઆત કરી હતી. તેમણે કુર્નૂલ જિલ્લામાં ગજુલાદિને અને વમસાધારા, પુલીચિંતલા અને વરદરાજુલા સ્વામી પ્રોજેક્ટ જેવા સિંચાઈ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા. 1950માં સંજીવાય્યે દલિત શિક્ષિકા કૃષ્ણાવેણી સાથે લગ્ન કર્યા હતા. તેમને કોઈ સંતાન નહોતું. સંજીવૈય્યાએ ​​તેમના ફ્રી સમયમાં તેલુગુમાં સાહિત્યિક લેખો અને કવિતાઓ લખી.

ભોલા પાસવાન - જેમની પ્રામાણિકતા જોઈ લોકોએ તેમને રાજકારણના 'વિદેહા' કહ્યાં 
ભોલા પાસવાન શાસ્ત્રીનો જન્મ 1914માં બિહારના એક ગરીબ પરિવારમાં થયો હતો. 1968માં તેઓ બિહારના પ્રથમ દલિત મુખ્યમંત્રી બન્યા. તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં પણ ભાગ લીધો હતો અને 1968 થી 1972 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. કોંગ્રેસના વિભાજન પછી, તેઓ 13 દિવસ માટે મુખ્યમંત્રી બન્યા અને બાદમાં ઈન્દિરા ગાંધીની કોંગ્રેસમાં જોડાયા અને 7 મહિના સુધી મુખ્યમંત્રી રહ્યા. 1972 થી 1982 સુધી રાજ્યસભામાં બિહારનું પ્રતિનિધિત્વ કર્યું અને 1978માં વિપક્ષના નેતા હતા. 1984માં તેમનું અવસાન થયું.

ભોલા પાસવાન શાસ્ત્રી બિહારના પ્રથમ દલિત મુખ્યમંત્રી હતા. તેમણે 1968 અને 1971 વચ્ચે ત્રણ વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ હતા. મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈને તેઓ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન રાજકારણમાં સક્રિય થયા હતા. અત્યંત ગરીબ પરિવારમાં જન્મ્યા હોવા છતાં તેઓ સુશિક્ષિત અને બૌદ્ધિક રીતે સશક્ત હતા. કોંગ્રેસે તેમને ત્રણ વખત પોતાના નેતા તરીકે પસંદ કર્યા અને તેમને ત્રણ વખત અવિભાજિત બિહારના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેમનો કાર્યકાળ નિર્વિવાદ હતો અને તેમનું રાજકીય અને અંગત જીવન પારદર્શક હતું. તેઓ બિહારના પ્રથમ મુખ્યમંત્રી હતા જે અનુસૂચિત જાતિના હતા.

આ પણ વાંચોઃ ગરીબીએ ભણવા ન દીધી, પણ કુલી દલિત મહિલાએ દીકરીઓ માટે શાળા શરૂ કરી

ઝાડ નીચે સભા બોલાવવી, ઝૂંપડીમાં રહેવું, સાઇકલ પર ગામ જવું એ તેમની ઓળખ અને વિશેષતા હતી. તેમના નામ પરથી 'ભોલા પાસવાન શાસ્ત્રી એગ્રીકલ્ચર કોલેજ'નું નામ રાખવામાં આવ્યું છે. ઝાડ નીચે બેસીને પોતાનું કામ કરવામાં તેમને કોઈ છોછ નહોતો. જરૂર જણાય ત્યાં તેઓ અધિકારીઓના કાફલાને અધવચ્ચે રોકીને ત્યાં જ મિટીંગ કરી લોકોની સમસ્યાનું સમાધાન કરી દેતા હતા. 1973માં તેઓ કેન્દ્રની ઈન્દિરા ગાંધી સરકારમાં મંત્રી પણ બન્યાં હતા. જાહેર જીવનમાં તેમની પ્રામાણિકતા અને જાહેર સંપત્તિથી દૂર રહેવાના કારણે તેઓ બિહારના રાજકારણના 'વિદેહા' તરીકે ઓળખાતા હતા.

ભોલા પાસવાન શાસ્ત્રીનો જન્મ પૂર્ણિયા જિલ્લાના બૈરગાછી ગામમાં દલિત પાસવાન સમાજમાં થયો હતો. તેમણે દરભંગા સંસ્કૃત યુનિવર્સિટીમાંથી 'શાસ્ત્રી'ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમના પિતા અંગ્રેજ સરકારમાં કામ કરતા હતા.

આ પણ વાંચોઃ 65 ટકા 'ભારતરત્ન' બ્રાહ્મણોને અપાયા છે, આદિવાસીને એક પણ નહીં

4થી બિહાર વિધાનસભા (1967-1968)માં તેઓ 100 દિવસ માટે બિહારના મુખ્યમંત્રી બન્યા, પરંતુ કોંગ્રેસે તેની બહુમતી ગુમાવી દીધી અને મધ્યસત્ર ચૂંટણીઓ આવી. જૂન 1969માં કોંગ્રેસનું વિભાજન થયું ત્યારે હરિહર સિંહની કોંગ્રેસ સરકાર પડી ગઈ. ભોલા પાસવાન શાસ્ત્રીએ સંસ્થા કોંગ્રેસનો પક્ષ લીધો અને 13 દિવસ માટે મુખ્યમંત્રી બન્યા. પરંતુ તેમનું જોડાણ અસ્થિર સાબિત થયું. જૂન 1971 સુધીમાં તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા અને 1972ની વિધાનસભા ચૂંટણી દરમિયાન 7 મહિના માટે મુખ્યમંત્રી બન્યા. 1973માં તેમણે કેન્દ્રમાં ઈન્દિરા ગાંધી સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

તેમની પ્રામાણિકતા એવી હતી કે જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમના ખાતામાં અંતિમવિધિ યોગ્ય રીતે કરવા માટે પૂરતા પૈસા નહોતા. ભોલા પાસવાનજીને પોતાનું કોઈ સંતાન નહોતું. તેઓ પરિણીત હતા પરંતુ બાદમાં પત્નીથી અલગ થઈ ગયા હતા. બિરંચી પાસવાન, જે તેમના ભત્રીજા છે, તેમણે જ તેમને મુખાગ્નિ આપી હતી. પૂર્ણિયાના તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટે તેમની અંતિમવિધિ કરાવી હતી. ગામના તમામ લોકોને કાર દ્વારા પૂર્ણિયા લઈ જવામાં આવ્યા હતા.
ભોલા પાસવાનનો પરિવાર હજુ પણ પૂર્ણિયાના બૈરાગાછીમાં એક ઘાસના મકાનમાં રહે છે. તેમના પરિવારને સરકાર તરફથી એક કે બે ઈન્દિરા આવાસ મળ્યા છે, જોકે તેમણે ક્યારેય કંઈ માંગ્યું નથી. ભોલા પાસવાનની જન્મજયંતિ પૂર્ણિયા અને પટનામાં રાજ્ય સ્તરે ઉજવવામાં આવે છે . તેમની જન્મજયંતિ નિમિત્તે તેમના ગામ બૈરગાછી અને તેમના સ્મારક સ્થળ 'કાઝા કોઠી'માં પુષ્પાહાર કરીને સર્વધર્મ પ્રાર્થના સભાઓ યોજાય છે.

રામસુંદર દાસ - કર્પુરી ઠાકુરથી લઈને નીતિશકુમારે તેમની સામે નમવું પડેલું

રામસુંદર દાસનો જન્મ 1921માં બિહારમાં થયો હતો. તેમણે કોલકાતાની વિદ્યાસાગર કોલેજમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ ભારત છોડો ચળવળમાં ભાગ લેવા ભણતર છોડી દીધું હતું. તેઓ પ્રજા સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને 1957માં હાજીપુરથી લોકસભાની ચૂંટણી લડી. 1977ની વિધાનસભા ચૂંટણીમાં દાસ સોનપુરથી ધારાસભ્ય બન્યા હતા. મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરના મુંગેરીલાલ કમિશનના અહેવાલને લઈને પક્ષમાં વિવાદ થયો અને દલિત ધારાસભ્યોને સમર્થનમાં લાવવા માટે દાસને 1979 માં મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ઠાકુરે રાજીનામું આપ્યું અને દાસે કાર્યભાર સંભાળ્યો. 2009માં તેમણે લોકસભા ચૂંટણીમાં દિગ્ગજ દલિત નેતા રામવિલાસ પાસવાનને તેમના ગઢ ગણાતા હાજીપુરની સીટ પરથી હરાવ્યા હતા. જો કે બાદમાં તેમને રામવિલાસે સજ્જડ પરાજય આપ્યો હતો. 2015માં તેમનું નિધન થયું હતું એ વખતે તેઓ નીતિશકુમારના જેડીયુમાં હતા. તેમનો દબદબો એવો હતો કે કર્પૂરી ઠાકુરથી લઈને નીતિશકુમાર સુદ્ધાંએ તેમનું માન જાળવવું પડતું.

જગન્નાથ પહાડિયા - રાજસ્થાનના રાજકારણની સમજનો પહાડ
જગન્નાથ પહાડિયા દલિત સમુદાયમાંથી આવનાર રાજસ્થાનના એકમાત્ર મુખ્યમંત્રી છે. કોંગ્રેસમાં તેઓ નેહરુ-ગાંધી પરિવારની નજીકના માણસ ગણાતા હતા. પહાડિયાએ 1957 અને 1984 વચ્ચે ચાર વખત લોકસભા સાંસદ, રાજ્યસભાના સભ્ય અને ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. ઈમરજન્સી દરમિયાન સંજય ગાંધીની નજીક બની ગયા અને તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 1980માં સંજય ગાંધીના અવસાન બાદ તેમને પાર્ટીમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પહાડિયાએ અનેક કેન્દ્રીય મંત્રાલયોમાં પણ સેવા આપી હતી અને 1989-90માં બિહાર અને 2009-2014 સુધી હરિયાણાના રાજ્યપાલ હતા. 2021 માં તેમનું અવસાન થયું.

આ પણ વાંચોઃ માય લૉર્ડ, સામાજિક ન્યાયનો ભાર દલિતો, આદિવાસીઓના ખભે જ શા માટે?

શ્રી જગન્નાથ પહાડિયાનો જન્મ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નાના ગામ ભુસાવરમાં 15 જાન્યુઆરી 1932ના રોજ નાથીલાલ અને ચંદા દેવીને ત્યાં થયો હતો. તેઓ M.S.J કોલેજ, ભરતપુરમાંથી માસ્ટર ઓફ આર્ટસ અને બેચલર ઓફ લોની ડિગ્રી ધરાવતા હતા. મહારાજા કોલેજ, જયપુર અને લો કોલેજ, રાજસ્થાન યુનિવર્સિટીમાંથી પાસ કર્યું. તેઓ 6 જૂન 1980 થી 14 જુલાઈ 1981 સુધી રાજસ્થાનના મુખ્યમંત્રી અને 3 માર્ચ 1989 થી 2 ફેબ્રુઆરી 1990 સુધી બિહારના રાજ્યપાલ હતા. તેઓ 1957-62 દરમિયાન 2જી લોકસભાના સભ્ય પણ હતા, માર્ચ 1965માં રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 1966માં ફરીથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. પહાડિયા બીજી (1957), ચોથી (1967), પાંચમી (1971) અને સાતમી લોકસભા (1980)ના સભ્ય પણ હતા. તેઓ રાજસ્થાનની સાતમી (1980), આઠમી (1985), નવમી (1990) અને બારમી (2003) વિધાનસભાના સભ્ય હતા.

આ પણ વાંચોઃ અનામત પરના મોટાભાગના ચૂકાદાઓ સવર્ણોની તરફેણમાં કેમ અપાયા છે?

તેઓ કેન્દ્ર સરકારમાં નાણા વિભાગના નાયબ મંત્રી, ખાદ્ય અને કૃષિ નાયબ મંત્રી, 1967-69 સુધી શ્રમ મંત્રી, 1970-71 સુધી ઉદ્યોગ મંત્રી (પુરવઠા વિભાગ) પણ રહી ચુક્યા હતા. તેમણે 1980માં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીનો પોર્ટફોલિયો પણ સંભાળ્યો હતો. તેઓ જાહેર ઉપક્રમો 1981-83ની સમિતિના અધ્યક્ષ, કર્મચારી અને વહીવટી સુધારણા 1982-85ની સમિતિના સભ્ય અને 1983-85 ગૃહ બાબતોની સમિતિના અધ્યક્ષ હતા;

તેમણે બાળકો અને પુખ્ત વયના લોકો માટે રાત્રિ શાળાઓનું આયોજન; દલિતો, આદિવાસીઓ અને અન્ય સામાજિક રીતે પછાત લોકોના ઉત્થાન માટે કામ કર્યું; કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક્સને તેમની વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં ખાસ કરીને કૃષિ, કુટીર ઉદ્યોગ, પંચાયતી રાજ, સહકાર અને કુટુંબ નિયોજનના ક્ષેત્રોમાં મદદ કરી અને 'પરદા' અને વેશ્યાવૃત્તિ વિરુદ્ધની ચળવળોમાં પણ કામ કર્યું. તેમણે રશિયા, ચીન, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, સ્વીડન, ડેનમાર્ક, ચેકોસ્લોવાકિયા, દક્ષિણ અરેબિયા, મોંગોલિયા, જોર્ડન, લેબનોન, સીરિયા, ઈરાન, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, હોલેન્ડ, જર્મની, ઈટાલી, ગ્રીસ, સ્વિટ્ઝર્લેન્ડ, અમેરિકા, કેનેડાની મુલાકાત લીધી હતી. બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, સિંગાપોર, હોંગકોંગ વગેરે સહિત ઘણા દેશોની મુલાકાત લીધી. 19 મે 2021 ના ​​રોજ તેમનું અવસાન થયું.

આગળના લેખમાં તેમની પછીના ચાર મુખ્યમંત્રીઓ વિશે વાત કરીશું....

આ પણ વાંચોઃ એક 'થીસિસ ચોર'ના જન્મ દિવસને 'શિક્ષક દિવસ' તરીકે કેવી રીતે ઉજવી શકાય?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.