માય લોર્ડ, સામાજિક ન્યાયનો ભાર દલિતો-આદિવાસીઓને ખભે શા માટે?
સુપ્રીમ કોર્ટના એસસી-એસટી અનામતમાં ભાગલાના ચુકાદાની ચોતરફ ટીકા થઈ રહી છે ત્યારે સિનિયર પત્રકાર મેહુલ મંગુબહેન અહીં આખા મામલાના મૂળમાં ઘા કરે છે.
મેહુલ મંગુબહેન
ઑગસ્ટ ક્રાંતિનો મહિનો ગણાય છે અને પહેલી ઑગસ્ટે ભારતની સર્વોચ્ચ અદાલતે જરી પેચીદો અને એક રીતે અવળી ક્રાંતિનો ચુકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સાત જજની બંધારણીય પીઠે એમ ઠેરવ્યું કે રાજ્યો શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઈબ યાને કે દલિત-આદિવાસીની અનામતમાં સબ-કેટેગરી બનાવી અનામત આપી શકશે. સાત જજ પૈકીના એક જજ બેલા ત્રિવેદીએ ભિન્ન અભિપ્રાય આપ્યો કે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઈબની સૂચિ એ રાષ્ટ્રપતિના અધિકારક્ષેત્રનો વિષય છે અને રાજ્ય તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં.
સાત જજની બંધારણીય પીઠે આપેલા આ ચુકાદામાં દલિત-આદિવાસી અનામતની અંદર વિભાગીકરણ ઉપરાંત એક મહત્ત્વનો મુદ્દો ક્રિમી લેયરનો પણ ઊભો કરવામાં આવ્યો છે. સાત પૈકી એક દલિત જજ બી.આર. ગવઈએ દલિત અને આદિવાસી અનામતમાં ક્રિમી લેયરને અનામતનો લાભ ન મળવો જોઈએ એવો અભિપ્રાય આપ્યો જેને અન્ય ત્રણ જજોએ સમર્થન આપ્યું. જોકે, સર્વોચ્ચ અદાલતે એ સ્પષ્ટ નથી કર્યું કે ક્રિમીલેયર કેવી રીતે નક્કી કરવામાં આવશે. દલિત આદિવાસી અનામતમાં સબ-કેટેગરી બનાવીને અનામત આપવાની રાજ્યોને સત્તા આપવાની સાથે સર્વોચ્ચ અદાલતે તે યોગ્ય આંકડાકીય અભ્યાસથી જ થઈ શકે તેમ કહ્યું છે.
આ પણ વાંચોઃ BIG BREAKING - સુપ્રીમ કોર્ટે એસસી, એસટી અનામતની અંદર અનામતને મંજૂરી આપી
આ કેસનો સંદર્ભ શું છે?
1 ઑગસ્ટ 2024માં આવેલા આ ચુકાદાનું મૂળ 1975માં પંજાબ સરકારે બનાવેલી અનામત નીતિમાં છે. એ વખતે પંજાબ સરકારે શિક્ષણ અને નોકરીમાં વાલ્મીકિ અને મજહબી શીખ માટે 25 ટકા અનામત નિર્ધારિત કરી હતી. 2006માં હાઈકોર્ટે તે ફગાવી દીધી. હાઈકોર્ટે 2004ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપ્યો કે અનુસૂચિત જાતિની સબ-કેટેગરી ન બનાવી શકાય. સુપ્રીમ કોર્ટે 2004માં એમ પણ કહ્યું હતું કે રાજ્યોને અનુસૂચિત જાતિઓની સૂચિમાં ફેરફારનો હક નથી કારણ કે તે રાષ્ટ્રપતિના અધિકારક્ષેત્રમાં આવે છે અને તેઓ તેને બનાવે છે. આંધ્રપ્રદેશે પણ પંજાબ જેવી જ નીતિ ઘડી હતી અને સુપ્રીમ કોર્ટે તે ફગાવી દીધી હતી. ટૂંકમાં 2004 નો એ ચુકાદો સુપ્રીમ કોર્ટની સાત જજોની બંધારણીય પીઠ પાસે હતો અને હવે તે મામલે કોર્ટે આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વીસ વર્ષ પહેલાં જે વલણ લીધું હતું તે બદલાઈ ગયું છે.
દલિત-આદિવાસીઓની એકતા અને સામાજિક ન્યાયની વાત
અનામતમાં સબ-કેટેગરીની વાત દલિત-આદિવાસીઓમાં પણ જે વધારે પછાત છે તેને લાભ આપવાની ઓથ લઈ કહેવાઈ રહી છે અને કેન્દ્રની સરકારનો તેને ટેકો છે, કારણ કે સર્વોચ્ચ અદાલતમાં એમણે વિરોધ કર્યો નથી કે નથી કોઈ યોગ્ય દલીલો કરી. અસ્પૃશ્યતા નાબુદી, જ્ઞાતિ નિર્મૂલન અને પ્રતિનિધિત્વ એ ત્રણ જેનો આધાર છે એવી અનામત વ્યવસ્થાને ગરીબી નિર્મૂલન કાર્યક્રમમાં ફેરવી દેવાનો કાર્યક્રમ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટનું તાજેતરનું વલણ એ જ દિશામાં એક નવું પગલું છે જે સામાજિક ન્યાયને નામે લેવાયું છે.
દલિતો અને આદિવાસીઓમાં પણ જે વધારે પાછળ છે તેમને અનામતનો લાભ મળવો જોઈએ તે વાત સિદ્ધાંતની રીતે ખરી છે અને હાલ દલિતો-આદિવાસીની કુલ અનામતમાં તેમનો પણ સમાવેશ થાય છે. પછી સબ-કેટેગરી બનાવવાની જરૂર શું છે અને એમ થાય તો તેની અસર શું થાય? જો એમ સબ-કેટેગરી બને તો દલિતો-આદિવાસીઓની અંદર વિભાજન ઊભું થાય. આવું વિભાજન સત્તાતંત્ર ઈચ્છી રહ્યું છે કારણ કે અનામતનો લાભ લઈને પોતાના હક અધિકારો માટે જાગૃત થયેલા દલિતો અને આદિવાસીઓ શહેરોમાં ધીમેધીમે એક મજબૂત સમૂહ બની રહ્યાં છે.
આ પણ વાંચોઃ રાજ્ય સરકાર એટ્રોસિટી એક્ટને નબળો પાડવા છુપી સહમતી આપી રહી છે?
દલિતોમાં વિભાજન થાય તો તેની સીધી ચૂંટણીમાં રાજકીય અસર થઈ શકે છે. દલિતો અને આદિવાસીઓમાં પણ જે છેવાડે છે એમને અનામતનો યોગ્ય લાભ મળવો જોઈએ તે વાત ખરી છે પણ એનો રસ્તો અનામતમાં કેટેગરીઝ બનાવીને કાઢી શકાય તેમ નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો દલિતોમાં વાલ્મીકિ સમાજ કે આદિવાસીઓમાં ભીલ સમાજ નોકરીઓમાં અનામતનો ઓછો લાભ મેળવે છે એનું કારણ જે તે સમુદાયમાં શિક્ષણનો અભાવ છે. સરકારે દલિતો અને આદિવાસીઓમાં પણ જેઓ ખૂબ પાછળની જ્ઞાતિઓ છે તેમના શિક્ષણ પર યોગ્ય ધ્યાન આપ્યું નથી.
અંતરિયાળ વિસ્તારોમાં ગુણવત્તાકીય શિક્ષણ આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે અને તેને કારણે જ દલિત-આદિવાસીઓમાં સૌથી પાછળ રહેલો સમુદાય અનામતનો લાભ નથી પામી શક્યો. વળી શિક્ષણના ખાનગીકરણને કારણે તે એટલું મોંઘું છે કે એ મેળવવું એ વર્ગ માટે શક્ય નથી. હવે આ સ્થિતિમાં વાલ્મિકી કે ભીલને કુલ અનામતમાંથી અલગ કેટેગરી બનાવી અનામત ફાળવવામાં આવે તો પણ તે સાર્થક નીવડશે જ એમ ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી.
આ પણ વાંચોઃ અર્ણેશ કુમારના ચૂકાદના ખોટા અર્થઘટન મુદ્દે હવે આરપારની લડાઈ શરુ
દરજ્જામાં ફેર પડ્યો?
સુપ્રીમ કોર્ટના એક જજે કહ્યું કે એક પેઢીને અનામત મળી હોય તો પછીની પેઢીને ન મળવી જોઈએ. આ માનનીય જજને એ નથી સમજાતું કે આ દેશમાં ઈકોતેર પેઢીઓએ પણ જાતિવ્યવસ્થા, અસ્પૃશ્યતા અને અસમાનતા ત્યાંની ત્યાં જ છે તો પછી આ એક પેઢીની વાત શા માટે? અનામત એ કોઈ એક પેઢીને ગરીબીમુક્ત કરવાનો કાર્યક્રમ નથી. એ જ્ઞાતિનિર્મૂલન, પ્રતિનિધિત્વ અને સમાનતાની સ્થાપના માટેની જોગવાઈ છે. સમાજ જ્યારે જ્ઞાન, સંસાધન, તક અને નિર્ણયાત્મક ભાગીદારીની સ્થિતિમાં આવશે ત્યારે અનામત પોતાની મેળે જ ખતમ થઈ જશે. દલિતો-આદિવાસીઓ પોતે જ તેનો ઈનકાર કરી દેશે.
આઝાદીના સાત દાયકે હજારો વરસોના ઘાવમાં હજી તો આપણે પાટાપિંડી સુધી પહોંચ્યા છીએ ત્યાં ક્રિમીલેયરની વાતો થઈ રહી છે એ શરમજનક છે. કલેકટર કે ક્લાસ વન અધિકારી બનનાર દલિત-આદિવાસીઓ આર્થિક રીતે સુખી થાય તો પણ તેમનો સામાજિક દરજ્જો બદલાતો નથી. અરે રાષ્ટ્રપતિપદે સુધી પહોંચનાર દલિત-આદિવાસીને પણ ક્યાંક સીધી કે ક્યાંક મોઘમ રીતે તેની ઔકાત દેખાડી દેવાય છે તો પછી ક્રિમીલેયરની વાત જ શા માટે?
આ બધીય વાત મુઠ્ઠીભર સરકારી નોકરી માટેની છે. એ મુઠ્ઠીભર નોકરી શહેરોમાં સ્થળાતંર કરીને દલિતો-આદિવાસીઓ માંડ મેળવે છે. બેરોજગારી ટોચે છે ત્યારે વાત તો ખાનગી ક્ષેત્રમાં અનામતની થવી જોઈતી હતી પણ જે વ્યવસ્થા છે એમાં પણ ડખો અને વિભાજન પેદા કરવાની હવા ઊભી થઈ રહી છે. એ પણ નોંધવું જોઈએ કે દલિત-આદિવાસી અનામતમાં સબ-કેટેગરીને ગ્રાહ્ય રાખનાર સુપ્રીમ કોર્ટ તાજેતરમાં બિહાર સરકારને અનામતની મર્યાદા 65 ટકા કરી તો તેને ફગાવી ચૂકી છે.
આ પણ વાંચોઃ વીરમગામના દલિતો 'ભેદભાવનો ગરબો' માથે ઉપાડીને ગાંધીનગર સુધી જશે
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો વિરોધ થઈ રહ્યો છે અને અદાલતમાં પણ તેને પડકારવામાં આવશે જ, પણ આ ચુકાદાનો વિરોધ કરતી વેળા દલિતો અને આદિવાસીઓએ ખાસ એ યાદ રાખવું પડશે કે આ દલિતો અને આદિવાસીઓમાં જે છેવાડે છે એનો વિરોધ નથી. દલિતો અને આદિવાસીઓમાં જે છેવાડે છે એમણે પણ એ યાદ રાખવું પડશે કે સબ-કેટેગરીના નામે નોખો ચોકો કરી આપવાની આ સરકારી લોલીપોપમાં પડવા જેવું નથી. ચાહે એ ભીલ હોય કે વસાવા-ગામીત, ચાહે એ વણકર-ચમાર હોય કે સેનમા-વાલ્મીકિ, સૌએ સાથે રહેવું પડશે. દલિત-આદિવાસીમાં પણ આગળ આવેલી જ્ઞાતિઓની એ સામાજિક ફરજ છે કે તેઓ દલિત-આદિવાસી સમાજની અન્ય નબળી જ્ઞાતિઓને આગળ લાવવા માટે નક્કર પ્રયાસો કરે.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદામાં સૌથી વધારે ચર્ચા બંધારણીય પીઠમાં સામેલ અને આગામી સમયમાં ચીફ જસ્ટિસ બનવાના દાવેદાર એવા દલિત જજ બી.આર.ગવઈની થઈ રહી છે. જસ્ટિસ બી.આર. ગવઈએ ચુકાદામાં ડૉ. આંબેડકરે બંધારણસભાના ભાષણમાં આપેલી ચેતવણી યાદ કરાવી સામાજિક ન્યાયની વાત કરી છે. અલબત્ત, સિદ્ધાંતની રીતે તેઓ જે સામાજિક ન્યાયની વાત કરે છે તે ખરી હોવા છતાં રાજ્યોને દલિત-આદિવાસી અનામતમાં સબ-કેટેગરીઝ નક્કી કરવાનો અધિકાર આપવો કે ક્રિમીલેયરની તરફેણ કરવી એ બેશક એક ઉતાવળિયું પગલું છે.
આ પણ વાંચોઃ કેન્દ્રમાં બધાં મંત્રીઓ સવર્ણ જાતિના છે, ભાજપ દલિત વિરોધી પક્ષ છેઃ ભાજપ સાંસદ
બજારને ખભે બેઠેલું તંત્ર જ્યારે અચાનક સામાજિક ન્યાયની વાત કરવા માડે તો વંચિતોએ ચેતી જવું જોઈએ. માનનીય સુપ્રીમ કોર્ટને સામાજિક ન્યાયની ખરેખર પડી હોય તો કરવા જેવા કામોની અને ઘડવા જેવી નીતિઓની આ દેશમાં ખોટ નથી.
સામાજિક ન્યાય એ સરકારની જવાબદારી છે દલિતો-આદિવાસીઓ દરેકને સામાજિક ન્યાય મળવો જોઈએ એમ માને છે પણ એનો ભાર વરસોથી દમન-શોષણનો ભોગ બનેલા દલિતો-આદિવાસીઓને જ ખભે શા માટે માય લોર્ડ?
(લેખક વરિષ્ઠ પત્રકાર, કવિ અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે. હાલ તેઓ દિલ્હી સ્થિત રેખ્તા ફાઉન્ડેશનમાં કાર્યરત છે.)
આ પણ વાંચોઃ જે જજોએ અનામતમાં ભાગલાનો આદેશ આપ્યો તેમાંથી કેટલાં SC-ST છે?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
PL Rathodખૂબ જ તલસ્પર્શી છણાવટ સાથે વિગતવાર વર્ણન અને માહિતી માટે લેખક ને અભીનંદન