એટ્રોસિટીમાં પોલીસ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જામીન પર ન છોડી શકે

એટ્રોસિટી એક્ટના ગુનાઓમાં પોલીસ અધિકારી આરોપીઓને પોલીસ સ્ટેશનમાં જામીન પર છોડી શકે નહીં. વાંચો નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ કે.બી. રાઠોડ સાહેબ શું કહે છે.

એટ્રોસિટીમાં પોલીસ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જામીન પર ન છોડી શકે
image credit - Google images

- કે.બી.રાઠોડ

ગુજરાતના અમુક જિલ્લામાં પોલીસ અધિકારીઓ The Schedule Castes and Schedule Tribes (Prevention of Atrocities) Act, 1989, ટૂંકમાં એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાઓમાં આરોપીઓને અર્નેશકુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારના જજમેન્ટનું ખોટું અર્થઘટન કરી પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર છોડી દેવા લાગ્યા છે. પણ પોલીસ ખાતાનું આ વલણ કાયદા વિરુદ્ધનું છે તે આપણે સમજવું જોઈએ.

ખરી હકીકતે, અર્નેશકુમારનું જજમેન્ટ એટ્રોસિટી એક્ટના ગુનાઓમાં લાગુ પડે નહીં. કારણ કે એટ્રોસિટી એક્ટની કલમ 20 મુજબ આ કાયદો બીજા કાયદા ઉપર સર્વોપરી છે. એટ્રોસિટી એક્ટ ખાસ વર્ગ વિરુદ્ધના ગુનાઓ માટે છે. આ કાયદા નીચેના ગુના સામાન્ય ગુનાઓ નથી. આ કાયદો દલિતો પર થતા ગુનાઓ અટકાવવા માટે છે. ભારતીય બંધારણના આર્ટિકલ 17 નો હેતુ સિદ્ધ કરી દલિતો પરત્વેની આભડછેદ દૂર કરી સામાજિક એકતા લાવવાનો છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 4 અને 5 ની જોગવાઈઓ મુજબ જો કોઈ ખાસ કાયદો અમલમાં હોય તો તે કાયદામાં જે જોગવાઈ હોય તો તેનો જ અમલ કરવાનો રહે છે. તેથી અર્નેશકુમારનું જજમેન્ટ લાગુ ન પડે.

એટ્રોસિટી એક્ટની કલમ 18 અને સને 2018માં પાર્લામેન્ટે આ કાયદાની કલમ 18A નો ઉમેરો કર્યા બાદ તેમાં આ કાયદા હેઠળ ગુનો કરનાર વ્યક્તિને કોઈ કોર્ટે કોઈ જજમેન્ટ, હુકમ કે આદેશથી જામીન પર છોડવાનો હુકમ કર્યોં હોય તો પણ આગોતરા જામીન મળી શકે નહીં તેવી સ્પષ્ટ જોગવાઈ કરી છે. તે 20/3/2018 ના હાઇકોર્ટના ડો. સુભાષ મહાજન વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના ચુકાદાની ગાઈડ લાઈન મુજબ આ કાયદા નીચેના ગુનાના આરોપીને આગોતરા જામીન આપી શકાય છે તે મતલબનો ચુકાદો આપવામાં આવેલ.

તે ચુકાદા વિરુદ્ધ આખા દેશના દલિતોએ વિરોધ કરતા પાર્લામેન્ટે ઓગષ્ટ 2018માં એટ્રોસિટી એક્ટમાં કલમ 18Aનો ઉમેરો કરીને આરોપીઓને આગોતરા જામીન પર છોડવાની મનાઈ ફરમાવેલ છે.  આમ જો આ કાયદા નીચેના ગુનાઓના આરોપીઓને કોર્ટો પણ આગોતરા જામીન આપી શકતી ન હોય તો આ ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારીઓ અર્નેશકુમારના જજમેન્ટના આધારે પોલીસ સ્ટેશનમાં જામીન પર છોડી શકતી નથી. તેથી અર્નેશકુમારનું જજમેન્ટ એટ્રોસિટી એક્ટના ગુનાઓમાં લાગુ પાડી આરોપીઓને પોલીસ સ્ટેશનમાં જામીન પર છોડી શકાય નહીં.

એ રીતે જો એટ્રોસિટી એક્ટની કલમ 18A ની જોગવાઈ મુજબ આરોપીઓને કોર્ટો પણ આગોતરા જામીન પર છોડી શકતી ન હોય તો પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનમાં જ બારોબાર આરોપીઓએ જામીન પર છોડી શકે જ નહીં. ઉપરાંત IPC નીચેના ગુનાઓ સિવાય અન્ય કાયદાઓ જેવા કે POCSOના ગુનાઓ કે ACB ના ગુનાઓમાં સાત વર્ષથી ઓછી સજા હોય તો પોલીસ તેઓને પોલીસ સ્ટેશનમાં જામીન પર છોડતી નથી પણ પોલીસ તેવા ગુનાના આરોપીઓની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરે છે. તે વખતે પોલીસ ઈરાદાપૂર્વક અર્નેશકુમારનું જજમેન્ટ ભૂલી જાય છે. જયારે એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાઓના કેસોમાં પોલીસનું વલણ આરોપીઓની ધરપકડ ટાળીને તેમને પોલીસ સ્ટેશનમાં જામીન પર છોડવાનું રહેલું છે.  

ઘણી વખત અમુક પોલીસ અધિકારીઓ એટ્રોસિટી એક્ટ ગુનાઓમાં  સુપ્રીમ કોર્ટના અનીલકુમાર ઉર્ફે અનિલ બાબા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસના રીટ પિટિશન(ક્રિમિનલ) નં. 577/2023 તા 11/12/2023ના ચુકાદા પર આધાર રાખી અર્નેશકુમારના જજમેન્ટ મુજબ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં જામીન પર છોડી દે છે. ખરી હકીકતે અનીલકુમારનું જજમેન્ટ તે વ્યક્તિગત કેસ અંગેનું છે. આ જજમેન્ટ તે બંધનકારક કાયદો (Binding law) નથી. 

અનિલકુમારના જજમેન્ટને 'જજમેન્ટ' પણ 'ના' કહી શકાય, કારણ કે તેમાં કોઈ કાયદાનો સર્વમાન્ય સિધ્ધાંત સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો નથી. એ માત્ર અનુચ્છેદ ૩૨ હેઠળ રીટ પિટીશન નામંજૂર કરતો હુકમ છે. 

આ પણ વાંચો: 'બહુચર માતા કેસ' માં રેશનાલિસ્ટ મનસુખ રાઠોડને જામીન મળ્યાં

જે હુકમથી ભૂલભરેલી અને ખોટા પ્રયાસરૂપે કરવામાં આવેલી પિટિશનને રદ કરવામાં આવી હતી. પોલીસ આવા નામંજૂર થયેલી રીટ અરજીનો સહારો લઇ કાયદાની આદેશાત્મક જોગવાઈઓનું ઉલ્લંઘન કરી શકે નહીં. ઉલટાનું પોલિસના આવા ખોટા અર્થઘટનના કારણે ગુનાનો ભોગ બનનારને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી અનિલકુમારના હુકમની આડશમાં પોલીસે ફરિયાદીને સાંભળ્યા વગર અને આરોપીને કોર્ટમાં રજૂ કર્યા વગર જામીન આપવા જોઈએ નહીં.

બીજી રીતે જોઈએ તો એટ્રોસિટી એક્ટની કલમ 15A માં પીડિત અને સાક્ષીઓના અધિકારોની જોગવાઈ કરવામાં આવેલ છે. એટ્રોસિટી એક્ટની કલમ 15A(3) મુજબ આ કાયદા હેઠળની કોઈ પણ કાર્યવાહીઓ કે જેમાં જમીનની જોગવાઈનો પણ સમાવેશ થાય છે તેવી દરેક કાર્યવાહીમાં પીડિત અથવા તેના આશ્રિતોને વ્યાજબી, ચોકસાઈપૂર્વકની અને સમયસરની નોટિસ આપવી ફરજીયાત છે એટલું જ નહીં કલમ 15A (5) મુજબ આ કાયદા હેઠળની કોઈ પણ કાર્યવાહીમાં પીડિત અથવા તેના આશ્રિતને સાંભળવાની તક આપવાની જોગવાઈ કરેલ છે.

એટ્રોસિટી એક્ટની કલમ 15A(3) અને 15A(5)ની જોગવાઈનું પાલન કરવું ફરજીયાત (mandatory) છે. નામદાર સુપ્રીમ કોર્ટે હરિરામ ભાંભી વિરુદ્ધ સત્યનારાયણના કેસમાં તા. 28/10/2021ના રોજ આપેલ જજમેન્ટ મુજબ આ કાયદા હેઠળના કોઈ પણ ગુનાના આરોપીને જામીન આપતા પહેલા કોર્ટે ફરિયાદી અને પીડિત કે આશ્રિતને નોટિસ આપી સાંભળવા ફરજીયાત છે. તે ઉપરાંત ગુજરાત હાઇકોર્ટે તા. 6/8/2020ના હેમલ અશ્વિન જૈન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના જજમેન્ટમાં પણ ઠરાવેલ છે કે આ કાયદાની કલમ 15A(3) અને 15A (5)નું પાલન કરવું ફરજીયાત (mandatory) છે.

આમ એટ્રોસિટી એક્ટની કલમ 15A(3) અને 15A(5)ની જોગવાઈ મુજબ નીચેની કોર્ટોથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધીની તમામ કોર્ટો જયારે આ કાયદા હેઠળના ગુનાના આરોપીઓની જામીન અરજીઓમાં ફરિયાદી અને પીડિતોને નોટિસ કરી સાંભળવાની તક આપતી હોય તો અર્નેશકુમારના જજમેન્ટ પર આધાર રાખી પોલીસ અધિકારી આરોપીને જામીન પર છોડી શકે જ નહીં.

(લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને બહુજન સમાજને કાયદાકીય બાબતોમાં પડતી મુશ્કેલીઓને લઈને ચિંતિત વડીલ છે.)

આ પણ વાંચો: કે.બી. રાઠોડ સાહેબની દલીલોએ મૃતકને 13.70 લાખનું વળતર અપાવ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.