વ્રત, ઉપવાસ, મંગળસૂત્ર, સિંદૂર છોડો, આપણે હિંદુ નથીઃ આદિવાસી સમાજ
રાજસ્થાનના માનગઢ ધામ ખાતે ગઈકાલે 4 રાજ્યોના 49 જિલ્લાનો ભીલપ્રદેશ બનાવવાની માંગને લઈને આદિવાસી સમાજની મહારેલી યોજાઈ હતી.
ગુજરાત અને ત્રણ પડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓ છેલ્લાં ઘણાં સમયથી તેમના અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યાં છે. ૪ રાજ્યોના ૪૯ જિલ્લાઓનું વિલીનીકરણ કરીને ભીલ પ્રદેશ બનાવવાની માંગ દિવસેને દિવસે જોર પકડી રહી છે ત્યારે ગઈકાલે રાજસ્થાનના બાંસવાડાના માનગઢ ધામમાં આદિવાસી સમાજની એક મહારેલી યોજાઈ ગઈ. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આદિવાસી સમાજના હજારો લોકો ઉમટી પડ્યા હતા. આ રેલીમાં ઘણાં સાંસદો અને ધારાસભ્યોએ પણ ભાગ લીધો હતો.
માનગઢ ધામ આદિવાસી સમાજની આસ્થાનું પ્રતિક છે, અહીં અંગ્રેજકાળમાં મોટું આંદોલન થયું હતું અને 1500થી વધુ આદિવાસી યોદ્ધાઓ શહીદ થયા હતા. રાજસ્થાન સરકારે ભીલ પ્રદેશની માંગને ફગાવી દીધા બાદ આયોજીત રેલીમાં ભારત આદિવાસી પાર્ટી (બાપ) સાંસદ રાજકુમાર રાઉતે કહ્યું હતું કે ભીલ રાજ્યની માંગ નવી નથી. બાપ આ માંગને જોરદાર રીતે ઉઠાવી રહ્યું છે. મેગા રેલી બાદ એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આ પ્રસ્તાવ સાથે મળશે.
આ પણ વાંચો: અનામતના કારણે ભલે તું સરપંચ બન્યો, કામ અમારી મરજી મુજબ થશે...
ભીલ સમાજના સૌથી મોટા સંગઠન આદિવાસી પરિવાર સહિત ૩૫ સંસ્થાઓ દ્વારા આ મેગા રેલી બોલાવવામાં આવી હતી. આદિવાસી પરિવાર સંસ્થાના સ્થાપક સભ્ય મેનકા ડામોરે મંચ પરથી જણાવ્યું હતું કે "આદિવાસી મહિલાઓએ પંડિતોની સલાહ ન માનવી જોઈએ. આદિવાસી પરિવારોમાં કોઈ મહિલા સિંદૂર લગાવતી નથી કે મંગળસૂત્ર પહેરતી નથી. આપણી મહિલાઓ અને છોકરીઓએ શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. હવેથી બધા ઉપવાસ બંધ કરો. આપણે હિંદુ નથી."
આ રેલીમાં આદિવાસી પરિવારના સ્થાપક ભંવરલાલ પરમારે જણાવ્યું હતું કે "માનગઢમાં આપણા પૂર્વજોએ ૧૦૦-૨૫૦ વર્ષ પહેલાં આંદોલન શરૂ કર્યું હતું, અને ૧૫૦૦ લોકો માર્યા ગયા હતા. તેમનો શું વાંક હતો? હવે અમે ફરી આંદોલન શરૂ કર્યું છે. કોઈ માતાનો દીકરો આપણને રોકી શકશે નહીં. ભીલ પ્રદેશની માંગ ચોક્કસ સમયસર પૂરી થશે. તેની એક પ્રક્રિયા છે. આ આંદોલન આદિવાસી સમાજને જોડવાનું છે. ભીલ પ્રદેશ એ આપણા પૂર્વજોની અધૂરી ઈચ્છા છે."
આ પણ વાંચો: "યાદ રાખજે! જ્યાં મળીશ ત્યાં જ મારી નાખીશ" અને એવું જ થયું...
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
ટપણતદ્દન ખોટી વાત આપણા વડીલો કહે છે કે બાર ગાઉએ બોલી બદલાય હવે મંગળ સૂત્ર ને હસળી કહો કે, મોતિયા કહો કે દોરો કહો કૈં પણ કહો વાત એક જ થઈ કે લગન કર્યા પછી ભીલ હોય કે પટેલ કે વાણિયા કે પ્રજાપતિ બધા સેંથા માં કૈં પૂરે ક્યાં તો પહેરે અને ગળામાં તો ચોક્કસ એ નિમિત્તે કૈંક પહેરે જ છે. હવે હિન્દી માં એને મંગળ સૂત્ર કહેતા હોય અને એ આપણી રાષ્ટ્ર ભાષા એટેલે ઘણા બધા એને મંગળ સૂત્ર કહેવા માંડ્યા. હવે આવી વાત ને લઈ ને અમે જુદા ને તમે જુદા કરી બધા ને એકબીજા જોડે લડાવવામાં જેને રસ હોય એ જ આવા તિકડમો કાઢ્યા કરે. બાકી કોરું ગળું અને કોરું કપાળ કોઈ પણ પરિણીત આદિવાસી સ્ત્રીનું નાજ હોય. એટેલે જેમ અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ કરી એવા અત્યારે એ અંગ્રેજો ના દલાલ તરીકે આજે ફરી ભારતના લોકો ને તારો ધર્મ જુદો, મારો ધર્મ જુદો એમ કહી લડાવી ને નબળા પાડી એમને પોતાના ગુલામ બનાવવા માંગતા આ લોકો થી આપણે ચેતવું જોઈએ. આ બધા પોતાના સ્વાર્થના રોટલા શેકવા આદિવાસી યુવાનો ને ભડકાવે છે. બાકી સમાજ ના વિકાસની જેને ખરેખર પડી છે એ તો પોતાની રીતે કોઈ ખોટી વાતો વગર નક્કર કામ કરી સને સમાજ માટે કાર્યરત છે.