ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને આખરે જામીન મળ્યાં
31 જાન્યુઆરી 2024થી જેલમાં રહેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને આખરે કથિત મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા છે.
કથિત જમીન કૌભાંડ મામલે લોકસભા ચૂંટણી પહેલા જ જેલમાં ધકેલી દેવાયેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને આખરે જામીન મળ્યાં છે. હાઇકોર્ટે હેમંત સોરેનને મોટી રાહત આપતા કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે જામીન આપ્યા છે. કોર્ટે ૧૩ જૂને સોરેનની જામીન અરજી પર પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. સોરેનના વરિષ્ઠ વકીલ અરુણાભ ચૌધરીએ કહ્યું કે સોરેનને જામીન મળી ગયા છે. આજે કોર્ટના આદેશની નકલ મોકલવામાં આવશે અને આવતીકાલે તેઓ બહાર આવી શકે છે. કોર્ટે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ તેઓ દોષિત નથી અને જામીન પર છૂટતી વખતે અરજદારે કોઈ ગુનો કર્યો હોવાની કોઈ શક્યતા નથી.
ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ સોરેનની મની લોન્ડરિંગ કેસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૩૧ જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. સોરેન હાલ બિરસા મુંડા જેલમાં છે. સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વકીલ એસ.વી. રાજુએ દલીલ કરી હતી કે જો સોરેનને જામીન પર છોડવામાં આવશે તો તે ફરીથી આવો જ ગુનો કરશે.
સોરેન સામેની તપાસ રાંચીમાં ૮.૮૬ એકર જમીન સાથે જોડાયેલી છે. ઈડીનો આરોપ છે કે તેમણે આ જમીન ગેરકાયદેસર રીતે જપ્ત કરી હતી. એજન્સીએ ૩૦ માર્ચે અહીંની વિશેષ પીએમએલએ કોર્ટમાં સોરેન, પ્રસાદ, સોરેનના કથિત 'ફ્રન્ટમેન' રાજ કુમાર પહાન અને હિલારિયાસ અને સોરેનના કથિત સહયોગી બિનોદ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
સોરેને રાંચીની સ્પેશિયલ કોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની ધરપકડ રાજકારણ પ્રેરિત છે અને તેમને ભાજપમાં જોડાવા માટે દબાણ કરવાના આયોજિત કાવતરાનો ભાગ છે.
આ પણ વાંચો: હિંમત હોય તો કૌભાંડના પુરાવા આપો, હું રાજનીતિ છોડી દઈશ; ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનનો ખૂલ્લો પડકાર