એટ્રોસિટી એક્ટની સંપૂર્ણ સમજઃ સામાજિક ન્યાયના યોદ્ધાઓ આટલું મોઢે કરી લો

Atrocities Act: સામાજિક ન્યાયની લડતમાં એટ્રોસિટીનો કાયદો ખૂબ અગત્યનું શસ્ત્ર છે. સામાજિક ન્યાયની લડત લડતા કાર્યકરો અને અત્યાચારનો ભોગ બનેલ લોકો માટે એટ્રોસિટી એક્ટના ટૂંકા નામે ઓળખાતા કાયદા વિશેની આપણી સામાન્ય સમજણમાં વધારો થાય તે માટે અહીં તેને સરળ ભાષામાં રજૂ કરીએ છીએ.

એટ્રોસિટી એક્ટની સંપૂર્ણ સમજઃ સામાજિક ન્યાયના યોદ્ધાઓ આટલું મોઢે કરી લો
all image credit - Google images

આખું નામઃ

THE SCHEDULED CASTES AND SCHEDULED TRIBES (PREVENTION OF ATROCITIES) A MENDMENT ACT, 2015 અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર અટકાવ) સુધારા અધિનિયમ ૨૦૧૫


એટ્રોસિટી એક્ટનો હેતુઃ
 અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યોની વિરુદ્ધ અત્યાચારના ગુના બનતા અટકાવવા માટે, આવા ગુનાની ઇન્સાફી કાર્યવાહી કરવા માટે ખાસ કોર્ટોની જોગવાઈ કરવા અને ગુનાઓના ભોગ બનેલાઓને રાહત અને તેમના પુન: વસવાટ માટે અને તેની સાથે સંકળાયેલી અથવા આનુસાંગિક બાબતો માટેનો અધિનિયમ

ગુનો અને ગુનાને સબંધિત કલમઃ
કલમ ૩(૧):અનુસુચિત જાતિ અથવા અનુસુચિત જનજાતિની સભ્ય ન હોય તેવી કોઈપણ વ્યક્તિ- 
(a) અનુ.જાતિ અથવા જનજાતિના સભ્યના મુખમાં કોઈપણ અખાધ્ય અથવા અણગમતા/ખરાબ પદાર્થ મૂકે અથવા તેને પીવા/ખાવા માટે જબરજસ્તી કરે. 
(b) અનુ.જાતિ અથવા જનજાતિના સભ્ય ઉપર મળ, મૂત્ર, પ્રાણીના બગડી ગયેલ પદાર્થ, પશુના મડદા અથવા અન્ય કોઈ ખરાબ પદાર્થ તેમની જગ્યામાં કે પ્રવેશ દ્વાર પર નાખે.
(c) અનુ.જાતિ અથવા જનજાતિના કોઈ સભ્યને હાની, અપમાન, કે ત્રાસ કરવાના આશયથી તેમના ઉપર મળમૂત્ર, પ્રાણીના બગડી ગયેલ પદાર્થ, પશુના મડદા અથવા અન્ય કોઈ ખરાબ પદાર્થ તેમના પર નાખવામાં આવે.  
(d) અનુ.જાતિ અથવા જનજાતિના સભ્યને પગરખાના હાર પહેરાવે અથવા નગ્ન/અર્ધનગ્ન પરેડ કરાવે.
(e) અનુ.જાતિ અથવા જનજાતિના સભ્યને બળજબરી પૂર્વક કોઈ દબાણ કરવું, જેમ કે આવા વ્યક્તિના કપડા દૂર કરવા, માથાનું મુંડન કરવું, મૂછો દૂર કરવી, ચહેરા અને શરીર પર ચિત્રામણ કરવું અથવા તેને સુસંગત કોઈ અન્ય કાર્ય કરવું કે જે માનવ ગૌરવ માટે અપમાનજનક ગણાય.
(f) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યની માલિકીની અથવા કબજો અથવા તેને ફાળવેલી અથવા આવા સભ્યને કોઈ યોગ્ય સતાધીકારીએ ફાળવવા માટે જાહેર કરેલી કોઈ જમીનનો ગેરકાયદે ભોગવટો કરે અથવા તેમાં ખેતી કરે અથવા આવી જમીન તબદીલ કરે. 
(g) અનુ. જાતિ અથવા જનજાતિના કોઈ સભ્યને તેની જમીન કે જગ્યાના કબજામાંથી ગેરકાયદે હટાવે અથવા કોઈ જમીન, જગ્યા અથવા પાણી બાબતે તેમજ જંગલ અધિકારો અને સિંચાઈ સુવિધાના હક્કો ભોગવવામાં દખલગીરી કરે અથવા પાક અને તેની પેદાશોનો નાશ કરે.
(h) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યને સરકારે નિશ્ચિત કરેલ જાહેર હેતુઓ માટેની કોઈ ફરજિયાત સેવા સિવાય વેઠ અથવા તેવા પ્રકારની બીજી બળજબરી પૂર્વકની કે બંધનયુકત મજૂરી કરાવે.

(i) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યને માનવ અથવા પ્રાણીના બગડી ગયેલ પદાર્થ/મડદાનો નિકાલ કરવા અથવા કબર ખોદવા અંગે ફરજ પાડે.
(J) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યને જાત સફાઈ- કામગીરીના હેતુ માટે રોજગારી અંગેની પરવાનગી અથવા મંજુરી આપે. 
(k) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યની મહિલાને દેવતા, મૂર્તિ પૂજા, મંદિર અથવા અન્ય ધાર્મિક સંસ્થામાં દેવદાસી અથવા અન્ય પ્રકારની સમાન પ્રથા માટે અથવા ઉપરોક્ત કૃત્યો માટે સમર્પિત કરે અને પ્રોત્સાહન આપે.
(l) અનુ.જાતિ અથવા જનજાતિના સભ્ય સાથે નીચે જણાવેલ કૃત્યો માટે બળજબરી કરવી, કરાવવા અથવા અટકાવવા – 
    (A) મતદાન ન કરવા અથવા કોઈ ચોક્કસ ઉમેદવારને જ મત આપવો અથવા કાયદા દ્વારા માન્ય કરાવેલ પધ્ધતિ સિવાય મતદાન કરાવવું.
    (B) કોઈ એક ઉમેદવારનું નામાંકન ન કરવું અથવા આ પ્રકારનું નામાંકન પરત ખેંચવું.
    (C) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યનું નામ ચૂંટણીના હેતુસર ઉમેદવારી માટે સમર્થન ન કરવું. 
(m) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યને, કે જે ભારતીય બંધારણના ભાગ-૯ હેઠળ સ્થપાયેલ પંચાયતના સભ્ય, અધ્યક્ષ અથવા કોઈ હોદ્દેદાર હોય, તેમની સામાન્ય ફરજો અને કાર્યો કરવામાં બળજબરી કરવી અથવા ડરાવવા, અવરોધવા.

આ પણ વાંચોઃ એટ્રોસિટીના કેસોની ન્યાયિક પ્રક્રિયામાં પોલીસ-વહીવટીતંત્ર-ન્યાયતંત્રની નકારાત્મક ભૂમિકા અને તેના ઉપાયો


(n) મતદાન કર્યા પછી અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યને સામાજિક અથવા આર્થિક બહિષ્કાર લાદવા હેતુથી ઈજા, ગંભીર ઈજા, પહોંચાડવી અથવા ધમકાવવા અને તેમને મળવાપાત્ર સાર્વજનિક સેવાઓના લાભ અટકાવવા.
(o) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યો વિરુદ્ધ મતદાન કર્યા અંગે અથવા કોઈ ચોક્કસ ઉમેદવારને મત ન આપવા અંગે અથવા કાયદા દ્વારા પ્રસ્થાપિત કરેલ પદ્ધતિ મુજબ મતદાન અંગે આ અધિનિયમ હેઠળ કોઈ ગુનો આચરેલ હોય.
(p) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યો વિરુદ્ધ કોઈ ખોટી, દ્વેષપૂર્ણ અથવા સંતાપક દાવો અથવા અન્ય કોઈ કાયદાકીય/કાનૂની કાર્યવાહી કરવી.
(q) કોઈ જાહેર સેવક (કર્મચારી)ને ખોટી અથવા ક્ષુલ્લક(અર્થહીન) માહિતી આપવી કે જેના આધારે જાહેર સેવક તેમને મળેલ કાયદાકીય સત્તાનો ઉપયોગ કરી અનુ.જાતિ અથવા જનજાતિના સભ્યને હાની પહોચાડે અથવા ચીડવવા અંગેનું કારણ બનાવવા.
(r) કોઈ જાહેર સ્થળ પાસે અનુ.જાતિ અથવા જનજાતિના સભ્યને ઉતારી પાડવાના ઉદ્દેશથી ઈરાદાપૂર્વક અપમાન કરે અથવા ધમકાવે.
(s) કોઈ જાહેર સ્થળ પાસે અનુ.જાતિ અથવા જનજાતિના સભ્યના નામનો દુરુપયોગ કરવો. 
(t) સામાન્ય રીતે અનુ.જાતિ અથવા જનજાતિના સભ્યો દ્વારા માનવામાં આવતી પવિત્ર અથવા ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુનો નાશ કરવો, નુકશાન પહોચાડવું અથવા મલીન/અપવિત્ર કરવી.
(u) લેખિત અથવા મૌખિક શબ્દો અથવા અન્ય કોઈ રીતે અનુ. જાતિના સભ્ય અથવા જનજાતિના કોઈ પણ ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવતા સ્વર્ગવાસી વ્યક્તિનો અનાદર કરવો.
(w) (i) કોઈ મહિલા અનુ. જાતિ સભ્ય અથવા જનજાતિની સભ્ય છે તે બાબત જાણતા હોવા છતાં અનુ.જાતિ અથવા જનજાતિની મહિલાને ઈરાદાપૂર્વક સ્પર્શ કરવો, જયારે આ પ્રકારનો સ્પર્શ કરવાનું કૃત્ય જાતીય/લૈંગિક પ્રકારનો તેમજ તેમની(મહિલાની) સંમતિ વગરનું હોય.
     (ii) કોઈ મહિલા અનુ.જાતિના સભ્ય અથવા જનજાતિના સભ્ય છે તે બાબત જાણવા છતાં, તે મહિલા સમક્ષ જાતીય પ્રકૃતિવાળા શબ્દપ્રયોગ કરવા અથવા તેવું કોઈ કૃત્ય કરવું.

આ પણ વાંચોઃ આજે દેશ પ્રેમનો પર્યાય મનાતી ક્રિકેટ ગુલામી કાળનું પ્રતીક કેમ કહેવાય છે?


(x) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યો દ્વારા કોઈ ઝરણું, જળાશય કે અન્ય કોઈ સામાન્ય સ્ત્રોતથી વપરાતા પાણીને બગાડવુ અથવા ગંદુ કરવું કે જેથી તે પાણી સામન્ય રીતે ઉપયોગમાં લેવા માટે ઓછું યોગ્ય બને.
(y) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યને જાહેર રિસોર્ટની જગ્યાનો માર્ગ વાપરવા અંગેનો રૂઢિગત હક્ક નકારવો અથવા કોઈ સભ્ય (અનુ. જાતિ અથવા જનજાતિ) ને જાહેર રિસોર્ટની જગ્યા માર્ગનો ઉપયોગ અને વપરાશ માટે અવરોધવા કે જે સામાન્ય રીતે અન્ય જાહેર જનતા અને સભ્યોને તેમના ઉપયોગ અને વપરાશ માટે અધિકારે મળેલ છે.
(z) અનુ.જાતિ અથવા જનજાતિના કોઈ સભ્યને તેમનું ઘર, ગામ અથવા નિવાસ સ્થાન છોડવા અંગે બળજબરી અથવા દબાણ કરવું. 
     (z-a) અનુ. જાતિ અથવા જનજાતિના કોઈ સભ્યને નીચે જણાવેલ કોઈ બાબતો માટે અવરોધે અથવા અટકાવે.
    અન્ય વ્યક્તિઓની સમાન દફન અને અગ્નિદાહના વિસ્તાર માટે સામાન્ય મિલકત સ્ત્રોતનો ઉપયોગ કરવો અથવા નદી, ઝરણા, વહેણ, કૂવો, ટાંકી, નળ, પીવાના પાણીનું સ્થળ, સ્નાનાઘાટ જાહેર વાહન, માર્ગ અને રસ્તાનો ઉપયોગ કરવો. સાયકલ અથવા મોટર સાયકલથી પર્વતારોહણ કરવું, જાહર સ્થળોએ પગરખા અથવા નવા કપડાં પહેરવા અથવા લગ્ન સરઘસ(શોભાયાત્રા)કાઢવી અથવા લગ્ન સરઘસ (શોભાયાત્રા) દરમિયાન ઘોડેસવારી કરવી અથવા અન્ય કોઈ વાહનનો ઉપયોગ કરવો. જાહેર લોકો માટે માન્ય હોય તેવી પૂજા(ભક્તિ) કરવાની જગ્યાએ પ્રવેશ કરવો કે જ્યાં લોકો સમાન ધર્મ અપનાવે અને ભાગ લે છે. અથવા કોઈ જાત્રા સહિત અન્ય ધાર્મિક અથવા સાંસ્કૃતિક સરઘસ(શોભાયાત્રા) કાઢવી. કોઈ શૈક્ષણિક સંસ્થા, દવાખાનું, ઔષધાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દુકાન, જાહેર સ્થળ કે અન્ય જાહેર મનોરંજન ના સ્થળ પર પ્રવેશ કરવો અથવા જાહેર સ્થળ પર જાહેર ઉપયોગના ઈરાદા માટે રાખેલ વાસણો અથવા ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો.વ્યક્તિએ કોઈ વ્યવસાય અપનાવેલ હોય અથવા કોઈ રોજગાર, વેપાર અથવા વ્યવસાય અપનાવેલ હોય કે જે જાહેર જનતા અથવા અન્ય કોઈ શાખાના અન્ય લોકો તેના ઉપયોગ અને વપરાશ માટે હક્કદાર હોય.

આ પણ વાંચોઃ મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં 

(z-b) ચૂડેલ અથવા મેલી વિદ્યાના આક્ષેપોને આધારે અનુ. જાતિ અથવા જનજાતિના કોઈ સભ્યને શારીરિક હાનિ/નુકસાન અથવા માનસિક યાતના (વેદના) ભોગવવા માટે કારણ બને.
(z-c) અનુ.જાતિ અથવા જનજાતિના કોઈ વ્યક્તિ, પરિવાર કે જૂથને સામાજિક અથવા આર્થિક બહિષ્કાર લાદવામાં આવે અથવા ધમકી આપવામાં આવે.   
તે વ્યક્તિ છ મહિના કરતા ઓછી નહી, પાંચ વર્ષ સુધીની મુદતની કેદ અને દંડની સજાને પાત્ર થશે.


ભોગ બનનાર અને સક્ષીઓના અધિકારો -કલમ ૧૫(ક) – 
 (૧) ધાક, ધમકી, જબરજસ્તી, પ્રલોભન, હિંસા, અથવા હિંસાત્મક ધમકી – ભોગ બનનાર અથવા તેમના આશ્રિતો અને સક્ષીઓનું રક્ષણ તેમજ વ્યવસ્થા કરવી તે રાજ્ય સરકારની ફરજ અને જવાબદારી રહેશે.
(૨) ભોગ બનનાર તેમજ ઉમર અથવા જાતી અથવા શૈક્ષણિક ગેરલાભ અથવા ગરીબીના ખાસ કારણો અને જરૂરિયાત બાબતે તેમને ઔચિત્ય, આદર અને ગૌરવની દ્રષ્ટીએ ગણવા.
(૩) ભોગ બનનાર અથવા તેમના આશ્રિતોને કોર્ટ કાર્યવાહી તેમજ જામીન મેળવવા માટેની પ્રક્રિયામાં વ્યાજબી, ચોક્કસ અને સમયસર નોટીસ મેળવવાનો અધિકાર રહેશે. તેમજ ખાસ સરકારી વકીલ અથવા રાજ્ય સરકાર દ્વારા આ અધિનિયમની હેઠળની કોઈપણ કાર્યવાહી અંગે ભોગ બનનારને માહિતગાર કરવાના રહેશે.
(૪) ભોગ બનનાર અથવા તેમના આશ્રિતોને ખાસ અદાલત અથવા વિશિષ્ટ ખાસ અદાલત ખાતે કોઈપણ દસ્તાવેજો, સામગ્રી (માલ સામાન), સક્ષીઓ અથવા હાજર વ્યક્તિઓની તપાસ (પરીક્ષણ) કરવા પક્ષકારોને બોલાવવાનો(કોર્ટ સમક્ષ હાજર રહેવા) અધિકાર રહેશે.

આ પણ વાંચોઃ કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?


(૫) ભોગ બનનાર અથવા તેમના આશ્રિતોને આ અધિનિયમ હેઠળ આરોપીને જામીન, છૂટકારો, ડીસ્ચાર્જ, પેરોલ (જેલમાંથી શરતી છૂટકારો) દોષિત અથવા સજા બાબતે અથવા આ પ્રકારની કોઇપણ દલીલો કે કાર્યવાહી તબક્કે સાંભળવા અને દોષિત, નિર્દોષ છૂટકારો અથવા સજા બાબતે લેખિત નિવેદન રજૂ કરવા માટે હક્કદાર રહેશે.
(૬) ખાસ અદાલતમાં કેસની સુનાવણી દરમ્યાન ભોગ બનનાર, આશ્રિતો, ફરિયાદી તેમજ સક્ષીઓને  
     (અ) ન્યાયના હેતુ માટે રક્ષણ રક્ષણ પૂરું પાડવું.
     (બ) તપાસના કામે, પૂછપરછના કામે, સુનાવણી વખતે મુસાફરી અને જાળવણી ખર્ચ પૂરો પાડવો.
     (ક) તપાસ, પૂછપરછ, સુનાવણી દરમ્યાન સામાજિક, આર્થિક પુનર્વસન કરવું.
     (ડ) સ્થળાંતર બાબતે પુનર્વસન કરવું.
(૭) ભોગ બનનાર, આશ્રિતો, ફરિયાદી અને સાક્ષીઓને રક્ષણ બાબતે સરકારે ખાસ અદાલતને જણાવવું 
     - અદાલતે રક્ષણ બાબતે સમયાંતરે સમીક્ષા કરી યોગ્ય આદેશ/હુકમ પસાર કરી શકે.
     - ભોગ બનનાર અથવા તેમના આશ્રિતોને બિન સરકારી સંસ્થાઓ(NGO), વ્યક્તિઓ અથવા વકીલ તરફથી મદદ/સહાય મેળવવાનો હક રહેશે.
(૮) ભોગ બનનાર, આશ્રિતો, ફરિયાદી, અને સાક્ષીઓ વતી ખાસ સરકારી વકીલે કરેલ અરજી અંગે ખાસ અદાલતે નીચે મુજબ પગલા લેવાના રહેશે.
     (અ) જાહેર જનતાને ઉપલબ્ધ એવા કોઈ હુકમ, જજમેન્ટ કે કોઈ રેકર્ડમાં સાક્ષીઓના નામ અને સરનામાં છૂપવવા, ગુપ્ત રાખવા 
     (બ) સાક્ષીઓની ઓળખ, સરનામાં છૂપાવવા, જાહેર ન કરવા ખાસ અદાલત દ્વારા નિર્દેશ, આદેશ જારી કરવો.
     (ક) હેરાનગતિ ના કિસ્સમાં ફરિયાદના સંદર્ભમાં તાત્કાલિક પગલા લેવા જરૂર પડયે તેમના રક્ષણ માટે તેજ દિવસે ખાસ અદાલત દ્વારા આદેશ, હુકમ પસાર કરવો. મળેલ ફરિયાદ અંગે            પૂછપરછ અને તપાસ બાબતે અદાલત આ કેસને મૂળ કેસથી અલગ રાખશે અને સુનાવણી કરશે ફરીયાદીએ કરેલ ફરિયાદની તારીખથી બે માસમાં સુનાવણી પૂર્ણ કરવાની રહેશે.
     - ફરિયાદ જાહેર સેવક વિરુધ્ધ હોય ત્યારે અદાલત જાહેર સેવકને ભોગ બનનારા, ફરીયાદી, સાક્ષીઓ સાથે દખલગીરી –દરમ્યાનગીરી કરતા અટકાવશે.


(૯) તપાસ અધિકારી, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, દ્વારા ફરજના ભાગ રૂપે ધાક-ધમકી, હિંસા, પ્રલોભન, જબરજસ્તી બાબતે ભોગ બનનાર, ફરીયાદી, સાક્ષીઓની મૌખિક કે લેખિત ફરિયાદની નોંધ કરવાની રહેશે.
(૧૦) ગુનાઓ સબંધિત તમામ કાર્યવાહીનું આ કાયદા નીચે વીડિયો રેકોર્ડીંગ કરવાનું રહેશે.

(૧૧) રાજય સરકારની ફરજો
ભોગ બનનાર અને સાક્ષીઓના હકો અને મળવાપાત્ર લાભોનું અમલીકરણ થાય તે માટે ખાત્રી કરી યોજનાઓનો અમલ કરવાનો રહેશે.
નોંધણી કરેલ પ્રથમ બાતમી અહેવાલ (FIR)ની નકલ વિના મૂલ્યે પૂરી પાડવી.
અત્યાચારનો ભોગ બનનાર, તેમના આશ્રિતોને તાત્કાલિક ધોરણે નાણાંકીય અથવા અન્ય સહાય પૂરી પાડવી.
અત્યાચારનો ભોગ બનનાર અથવા તેમના આશ્રિતોને અને સાક્ષીઓને જરૂરી રક્ષણ પૂરું પાડવું.
મૃત્યુ અથવા ઈજા અથવા મિલકત નુકસાની વખતે રાહત પૂરી પાડવી.
ભોગ બનનાર માટે ખોરાક, પાણી, કપડા, આશ્રય, તબીબી સહાય, પરિવહન સુવિધા અને દૈનિક સુવિધાઓની વ્યવસ્થા કરવી.
અત્યાચારનો ભોગ બનનાર અથવા તેમના આશ્રિતોને ભરણપોષણ ખર્ચ પૂરો પાડવો.

આ પણ વાંચોઃ એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં

ફરિયાદ નોંધતી વખતે અત્યાચારનો ભોગ બનનારના હક્કો અંગે માહિતી પૂરી પાડવી.
ધાક-ધમકી અને સતામણી સામે ભોગ બનનાર અથવા તેમના આશ્રિતોને અને સાક્ષીઓને રક્ષણ પૂરું પાડવું.
તપાસ અને આરોપનામું (ચાર્જશીટ)ની સ્થિતિ વિશે અત્યાચારનો ભોગ બનનાર અથવા તેમના આશ્રિતો અથવા સબંધિત સંગઠનો અથવા વ્યક્તિઓને માહિતી પૂરી પાડવી તેમજ આરોપનામા (ચાર્જશીટ)ની નકલ વિના મુલ્યે પૂરી પાડવી.
તબીબી પરીક્ષણ વખતે જરૂરી સાવચેતી રાખવી.
અત્યાચારનો ભોગ બનનાર, અને તેમના આશ્રિતો અથવા સબંધિત સંગઠનો અથવા વ્યક્તિઓને રાહત રકમ બાબતે માહિતી પૂરી પાડવી.
અત્યાચારનો ભોગ બનનાર, અને તેમના આશ્રિતોને, સંગઠનો અથવા વ્યક્તિઓને તપાસ અને સુનાવણીની તારીખો તેમજ સ્થળ અંગે અગાઉથી માહિતગાર કરવા.
 અત્યાચારનો ભોગ બનનાર, અને તેમના આશ્રિતોને, સંગઠનો અથવા વ્યક્તિઓને કેસથી માહિતગાર થવા સુનાવણી માટે તકો પૂરી પાડવી અને કાનૂની સહાય પૂરી પાડવી.
તમામ સુનાવણી વખતે અત્યાચારનો ભોગ બનનાર, અને તેમના આશ્રિતોને, સંગઠનો અથવા વ્યક્તિઓને મળેલ હક્કોની અમલવારી કરાવવી, અમલવારી માટે આ કાયદા મુજબ જરૂરી સહાય પૂરી પાડવી.

(૧૨) અત્યાચારનો ભોગ બનનાર, અને તેમના આશ્રિતોને, સંસ્થાઓ (NGO) અથવા વ્યક્તિઓ અને વકીલો તરફથી મદદ/સહાયતા મેળવવાનો હક્ક રહેશે.

આઈ.પી.સી.ની મહત્વની કલમો
કલમ -૧૧૪ – એક બીજાની મદદગારી 
કલમ – ૩૪ – સમાન ઈરાદો 
કલમ – ૧૨૦ (B) – કાવતરું 
કલમ - ૩૦૭ – જાનથી મારી નાખવાની કોશિશ 
કલમ -૩૦૨- ઈરાદાપુવક હત્યા કરવી.
કલમ - ૩૫૪ - છેડતી
કલમ -૩૬૩- અપનયન 
કલમ – ૩૬૫- અપહરણ 
કલમ-૩૬૬- લગ્ન કરવાના બદ ઈરાદાથી અપહરણ 
કલમ – ૩૭૬-બળાત્કાર
કલમ – ૩૨૩ – ઈજા – સાદો માર  
કલમ – ૩૨૪- સ્વેચ્છા પૂર્વક ઈજા - હથિયાર વડે ઈજા 
કલમ – ૩૨૫- ગંભીર ઈજા 
કલમ – ૩૨૬- હથિયાર વડે ગંભીર ઈજા 
કલમ – ૫૦૪-જાહેરમાં બખેડો કરવો.
કલમ - ૫૦૬ – ધમકી આપવી 
૫૦૬(૨) જાનથી મારી નાખવાની ધમકી આપવી.
કલમ – ૫૦૯- સ્ત્રીને અપશબ્દો કહેવા, અનિષ્ટ કૃત્ય  

સંકલનઃ કાંતિલાલ પરમાર (લેખક સામાજિક કાર્યકર તરીકે વર્ષોથી કાર્યરત છે.)

આગળ વાંચોઃ ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.