ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો

કાયદાના જિનિયસ ડો. બાબાસાહેબ આંબેડકરે આપેલ હક અને અધિકાર માટે લડત લડતા પહેલા બંધારણમાં આપેલ હક અને અધિકારોની જાણકારી હોવી ખુબ જ જરૂરી છે. એટલે જ અહીં ભારતીય બંધારણની વિસ્તારથી સમજ આપવામાં આવી છે...

ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો

ડો. બાબા સાહેબ આંબેડકરે મહામહેનતે અને લાંબા સંઘર્ષ બાદ આપણને હક અને અધિકારો અપાવ્યા છે. તેઓએ આ અધિકારો આપાવવા માટે પોતાની પત્ની, ચાર બાળકોની પણ પરવા ન કરી. શરીર સાથ નહોતું આપતું છતાં તેની અવગણના કરીને સમાજ માટે કામ કરતા રહ્યાં. તેમના એ લાંબા સંઘર્ષ બાદ આપણને સાંપડેલા બંધારણીય અધિકારોની જાળવણી કરવાની આપણી નૈતિક અને સામાજિક તેમજ રાષ્ટ્રીય ફરજ છે.

અંગ્રેજોની 200 વર્ષની ગુલામીમાંથી 15 ઓગસ્ટ 1947 ના દિવસે દેશ આઝાદ થયો ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ દેશ કઈ રીતે ચાલશે?આ દેશની નીતિ શું હશે? કઈ દિશામાં દેશ જશે?. ડો. બાબા સાહેબ આંબેડકર લિખિત ભારતીય બંધારણ અને બંધારણીય જોગવાઈઓ એક ભારતના નાગરિક તરીકે આપણે જાણવું ખુબ જ જરૂરી છે.

 

26 જાન્યુઆરી 1950 ના દિવસે 10:10 મિનિટે સમગ્ર ભારતમાં લાગુ થયેલ ભારતના બંધારણમાં કુલ 22 ભાગો છે, જેમાં 446 અનુચ્છેદ (આર્ટિકલ), 12 સિડ્યુઅલ(પિરિશિષ્ટ)આવેલ છે, જેમાં શરૂઆત આમુખથી થાય છે, આમુખ એ બંધારણને જોવાનો અરીસો છે, જેમાં જુદાજુદા આદર્શ આપવમાં આવેલ છે, જે આદર્શ આપણે બંધારણીય જોગવાઈઓ થકી સિદ્ધ કરવા માંગીએ છીએ.

 

ભારતના બંધારણની શરૂઆત we the people of india એટલેકે અમે ભારતના લોકો થી શરુ થાય છે, ભારત એટલે ઇન્ડિયા.

બંધારણમાં આમુખ, રાજ્યોનો સંઘ, કેન્દ્ર શાસિત પ્રદેશો, ભાષાનાઆધારે રાજ્યોની રચના, નાગરિકતા, મૂળભૂત અધિકાર, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત,નાગરિકોની ફરજો, કાયદો વ્યવસ્થા અને નાણાકીય કટોકટી, યુપીએસસી, ચૂંટણીપંચ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ, ધારાસભા, રાજ્યસભા, સંસદ, સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટની રચના સતા, કાર્યોની જોગવાઈ, મુખ્ય ભાષા, ત્રી-સ્તરીય પંચાયતની જોગવાઈ, રાજ્યપાલોની નિમણુંકની જોગવાઈ, મંત્રીમંડળ, સતા, ફરજો, રાષ્ટ્રપતિની સતા, રાજ્ય અને કેન્દ્ર સરકારને કાયદા ઘડવાની સતા, યાદી, વિદેશી બાબતો અને વિદેશ સાથે સબંધ, લઘુમતીના અધિકારો, સ્વતંત્રતા, સમાનતા, બંધુતાના મૂલ્યો, વ્યસ્ક મતાધિકાર, ચૂંટણીમાં ઉભા રહેવા અને પ્રક્રિયામાં ભાગ લેવાનો અધિકાર, વિ. બાબતોની જોગવાઈઓનો સમાવેશ થાય છે.

ભારતના બંધારણના આમુખમાં દર્શાવ્યા મુજબ અમે ભારતના લોકો ભારતને એક સાર્વભોમ, બિનસાંપ્રદાયિક, સમાજવાદી, લોકતંત્રાત્મક, પંથ નિરપેક્ષ, પ્રજાસતાક બનાવવા માટે તથા બધા નાગરિકોને ન્યાય-સામાજિક, આર્થિક અને રાજકીય, સ્વતંત્રતા, વિચાર, વાણી, માન્યતા, ધર્મઅને પૂજાની, સમાનતા, પ્રતિષ્ટા અને તકની તથા વ્યકતિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા  માટે  ભાઈચારો કેળવવાનો દઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ.

બંધારણમાં પ્રતિનિધિત્વ ચાર પ્રકારનું છે.

1. શિક્ષણમાં

2. સરકારી નોકરીઓમાં

3. સરકારી નોકરીઓમાં પ્રમોશન

4. રાજકીય

ભારતીય નાગરિકો અને અન્ય વ્યક્તિઓને બંધારણમાં કેટલાક મૂળભૂત અને પાયાના મૌલીક હક્કો આપવામાં આવ્યા છે, જેનો અમલ અને રક્ષણ કરવું te જે તે સરકારની જવાબદારી બને છે, જો સરકાર આ હકકોની જાળવણી કરવામાં નિષ્ફળ જાય તો આપણે આપણા હક્કની રક્ષા માટે હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ.

ચાલો એક નજર કરીએ મૂળભૂત હક્કો પર

સમાનતાનો હક્ક (અનુચ્છેદ- ૧૪ થી ૧૮ )

અનુચ્છેદ – ૧૪ . કાયદા સમક્ષ બધા સરખા,. કાયદાનું સરખું રક્ષણ

અનુચ્છેદ– ૧૫ . વંશ, જાતિ, જ્ઞાતિ, ધર્મ કે જન્મના સ્થળને કારણે ભેદભાવ રાખી શકાય નહી, જાહેર કુવા તળાવ પર પાણી ભરવાનો જાહેર હોટેલ, સિનેમા, દુકાન વી.સ્થળનો ઉપભોગ કરવાનો સૌને અધિકાર

અનુચ્છેદ– ૧૬ . સરકારી નોકરીઓમાં ભેદભાવ વિના બધાને સરખી તક, પણ એસ. સી./એસ. ટી. વર્ગ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોનું સરકારી નોકરીઓમાં પૂરતું પ્રતિનિધિત્વ નથી તેવો રાજ્યની વિધાનસભા, સંસદનો અભિપ્રાય હોય તો વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ રાખવામાં આવશે.

અનુચ્છેદ– ૧૭. કોઈપણ સ્વરૂપે આભડછેટ પાળવા ઉપર પ્રતિબંધ અને આભડછેટ પાળવા પર કે પ્રોત્સાહન આપવા સજા પાત્ર ગુન્હો ગણેલ છે.

અનુચ્છેદ– ૧૮. ખીતાબોની નાબુદી, રાજ્ય શૈક્ષણિક અને લશ્કરી  ડિગ્રી/પ્રમાણપત્રઆપી શકશે.

સ્વતંત્રતાનો હક્ક (  અનુચ્છેદ- ૧૯ થી ૨૨ )

અનુચ્છેદ- ૧૯

(૧) વાણી અને અભિવ્યક્તિનો અધિકાર એટલેકે બોલવાનો અધિકાર

(૨) હથિયાર વિના શાંતિપૂર્વક સૌને ભેગા થવાનો અધિકાર

(૩) સંસ્થા/સંગઠનો બનાવવાનો અધિકાર

(૪) આખા દેશમાં છૂટથી હરવા ફરવાનો અધિકાર

(૫) દેશના કોઈપણ ભાગમાં વસવાટ કરવાનો અધિકાર

(૬) દેશમાં કોઈપણ ધંધો વ્યવસાય કરવાની છૂટ (સરકાર જરૂર જણાયે લાયકાત નક્કી કરી શકે, અથવા અમુક ધંધા પોતેજ કરી શકે)

અનુચ્છેદ - ૨૦

ગુના સબંધિત સજા, વ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર:- ગુનો જયારે બન્યો હોય ત્યારે જે કાયદામાં અમલમાં હોય તેટલી સજાથઇ શકે / એકના એક ગુનામા એકથી વધારે વાર સજા ન થઇ શકે / કોઇપણ વ્યક્તિને પોતાની સામે સાક્ષી આપવા ફરજ ન પડી શકાય

અનુચ્છેદ – ૨૧

.ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાનો અધિકાર:- જીવન અને શરીર સ્વતંત્રતાનું રક્ષણ

આ કલમ માં વ્યક્તિની સ્વતંત્રતામાં વ્યક્તિની મિલકત પણ આવી જાય છે. કાયદા માન્ય રસ્તા સિવાય કોઈ વ્યક્તિનું જીવન સમાપ્ત કરી ન શકાય, કાયદો યોગ્ય હોવો જોઈએ, કાયદામાં કાર્યવાહીનો ઉલ્લેખ હોવો જોઈએ, જીવન જીવવાના અધિકારમાં વ્યક્તિ સ્વતંત્રતા પણ આવી જાય છે. સુરક્ષા, કામ, ખોરાક, આવાસ, વિકાસ, ગુપ્તતા, આરોગ્ય, સહિતના અધિકારો જે જીવન જીવવાના અધિકારમાં આવી જાય છે. પશુ જેવું જીવન નહિ પણ માણસ તરીકે જીવવા માટે ગૌરવપૂર્ણ રીતે જીવન જીવી શકે તેવા અધિકારોનો સમાવેશ થાય છે.

અનુચ્છેદ-21. (A) ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર:-વર્ષ 2009 માં કાયદો બનાવવામાં આવ્યો અને 1 લી એપ્રિલ 2010 થી સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવેલ છે.

અનુચ્છેદ –૨૨ .ધરપકડ અને અટકાયત સામે રક્ષણ:-

વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો તેને ધરપકડના કારણો જણવાનો અધિકાર છે, પોતાની પસંદગીના વકીલની સલાહ લેવાનો અધિકાર છે. ધરપકડ બાદ ૨૪ કલાકની અંદર સૌથી નજીકના મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાનો અધિકાર, પ્રતિબંધક અટકાયતમાં ૩ મહિનાથી વધુ સમય અટકાયતમાં રાખી શકાય નહી સિવાય કે ....(૧) હાઇકોર્ટના ન્યાયમૂર્તિ વાળું સહકાર બોર્ડ વધારે અટકાયત માટે કારણ જણાવે (૨) જે તે કાયદામાં વધારેમાં વધારે અટકાયતની જોગવાઈ હોઈ તેટલી જ અટકાયત થઇ શકે (૩) પ્રતિબંધિક કાયદા હેઠળ અટકાયત વખતે અટકાયતના કારણો જણાવવા, તથા કાયદાનું રક્ષણ મેળવવા તક આપવી, પરંતુ લોકહિતને ધ્યાને લઈને રાજ્ય કારણો ન જણાવે તો પણ તે યોગ્ય ગણાશે.

અટકાયત કરેલ વ્યક્તિને રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ પકડવામા આવ્યો હોય તો એક વર્ષ સુધી સુનાવણી વગર કે કોર્ટમાં રજુ કર્યા વગર કસ્ટડીમાં રાખી શકાય છે, કોઈપણ કોર્ટમાં જામીન માટે જઈ ન શકાય, હા અપીલ શકે.

પ્રતિબંધિત અટકાયતના મુખ્ય કાયદા:-

(૧) વિદેશી મુંદ્રા નિયંત્રણ ધારો

(૨) જીવન જરૂરિયાતની ચીજોનો સંગ્રહનો કાયદો

(૩) રાષ્ટ્રીય સુરક્ષા ધારો

(૪) નશીલી દવાઓને લાગતો કાયદો

(૫) ત્રાસવાદ વિરોધી કાયદો

શોષણ સામે રક્ષણનો હક્ક (  અનુચ્છેદ ૨૩ થી ૨૪ )

અનુચ્છેદ– ૨૩.જીવતા વ્યક્તિઓના વેપાર, વેઠ અને બળજબરીથી કરાવવામાં આવતા કામો ઉપર પ્રતિબંધ છે. અને તે સજા પાત્ર ગુન્હો પણ બને છે.

પરંતુ જાહેર હેતુઓ માટે રાજ્ય ફરજીયાત સેવાઓ લઇ શકશે, પરંતુ તેમાં રાજ્ય ધર્મ, જ્ઞાતિ, વંશ, જાતિ, વર્ગના કારણે ભેદભાવ રાખી શકશે નહી. 

અનુચ્છેદ- ૨૪ . ૧૪ વર્ષથી નીચેની વયના બાળકોને ને કારખાના, ખાણ અને જીવના જોખમ પેદા થાય તેવા કામોમાંમાં નોકરી રાખવા ઉપર પ્રતિબંધ

ધર્મ સ્વત્રંતાનો હક્ક (અનુચ્છેદ– ૨૫ થી ૨૮ )

અનુચ્છેદ ૨૫ . અંત કરણ મુજબનો ધર્મ પાળવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો સરખો અધિકાર, કોઇપણ ધર્મ સાથે આર્થિક, નાણાકીય, રાજકીય કે સંપ્રદાયિક પ્રવૃત્તિ જોડાયેલ હોય તો તેના પર નિયંત્રણ કે કાબુ રાખી શકશે, હિંદુ ધર્મની સંસ્થાઓ બધા હિંદુ સંપ્રદાયો માટે સરકાર ખુલ્લા મૂકી શકશે

અનુચ્છેદ– ૨૬ .

(૧) દરેક ધર્મ અને સંપ્રદાયોના ધાર્મિક અને સાર્વજનિક હેતુ માટે સંસ્થાઓ સ્થાપવી, તથા ચલાવવી

(૨) ધર્મની બાબતમાં જાતે સંચાલન કરવું

(૩) સ્થાઈ તથા અસ્થાઈ મિલકતોનો વહીવટ કરવો

અનુચ્છેદ- ૨૭ . કોઇપણ ધાર્મિક સંપ્રદાયના ઉત્કર્ષ તથા દેખરેખ માટે ઉભા કરતા નાણામાં કોઈને દાન આપવામાં ફરજ પાડી શકાશે નહી

અનુચ્છેદ– ૨૮ . રાજ્યના ભંડોળમાંથી થોડા અથવા સંપૂર્ણ નાણા મેળવતી સંસ્થાઓમાં ધર્મનું શિક્ષણ આપી શકાશે નહી. પરંતુ કોઈ ટ્રસ્ટ હેઠળ સ્થપાયેલી સંસ્થા તેમાં ધાર્મિક જ્ઞાન આપવું જરૂરી હોઈ અને રાજ્યના વહીવટથી ચાલતી ન હોય તો ઉપરની જોગવાઈ લાગુ પડશે નહી.

સંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો તથા લધુમતીઓના હક્ક-

અનુચ્છેદ– ૨૯ .

દેશના કોઇપણ ભાગમાં રહેતા નાગરિકોના જૂથની પોતાની ભાષા, લીપી અથવા સંસ્કૃતિ અલગ હોય તો તેની જાળવણી કરવાનો અધિકાર છે.

રાજ્યના ભંડોળમાંથી થોડા કે સંપૂર્ણ નાણા મેળવતી શૈક્ષણિક સંસ્થાઓ કોઇપણ વ્યક્તિને માત્ર ધર્મ, વંશ, pજ્ઞાતિ કે ભાષાને આધારે પ્રવેશ આપવાની ના પડી શકશે નહી

અનુચ્છેદ- ૩૦.

બધીજ લઘુમતીઓને, પછી તે ધાર્મિક હોય કે ભાષાકીય પસંદગીથી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર રહેશે.

રાજ્યના શૈક્ષણિક સંસ્થાઓને નાણા ભંડોળ પૂરું પાડતી વખતે આ સંસ્થા માત્ર ધાર્મિક કે ભાષાકીય લઘુમતીની છે. તેટલા જ કારણથી તેના પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહી.

આર્ટિકલ-32:- બંધારણીય ઈલાજનો અધિકાર

આર્ટિકલ-33:-સંસદને મૂળભૂત અધિકારો, સશસ્ત્ર દળો, અથવા જાહેર વ્યવસ્થાની જાળવણી કરવાની જેમની ફરજ છે તે લાગુ પાડવાની સબંધમાં માર્યાદિત કે રદ્દ કરવાની સતા અપાયેલ છે.

આર્ટિકલ-34:-સંસદને જ્યાં માર્શલ લો અમલમાં હોય ત્યારે તે વિસ્તારમાં કોઈ વ્યક્તિને તેણે કરેલ કૃત્ય માટે અપરાધ મુક્તિ બક્ષવાની સતા છે.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Kashyap Gohil
    Kashyap Gohil
    Bhimrao all time great person Nice Vichar sahitya Jai bhim