બહુજન સાહિત્યમાં ભવો-ભવ, આવતા ભવ, ગયા ભવ જેવી વાતો કેમ સ્વીકાર્ય નથી?
આજથી વિખ્યાત બહુજન સાહિત્યકાર, સંશોધક, લેખક, કવિ એવા મોહિન્દ મૌર્ય બહુજન સમાજની અજાણી વાતો લઈને આપણી સમક્ષ આવી રહ્યાં છે. ‘બહુજન સાહિત્યકાર’ શબ્દ જેમણે આપણને આપ્યો છે તેવા મોહિન્દરભાઈના મનમાં બહુજન સમાજનો અજાણ્યો ઈતિહાસ, તેની વાતો, કથાઓને વિશાળ બહુજન સમાજ સુધી પહોંચાડાવાનો વિચાર લાંબા સમયથી મનમાં રમતો હતો. જે અંતે તેના મુકામ સુધી પહોંચવા જઈ રહ્યો છે ત્યારે આશા રાખીએ કે khabarantar.comના માધ્યમથી તેઓ સમાજને જે આપવા ઈચ્છે છે તેમાં સફળ થાય.
Khabarantar.com પર આજથી જ્યારે હું નિયમિત રીતે બહુજન સાહિત્યની વાતો લખવા જઈ રહ્યો છું ત્યારે હૃદયમાં કંઈક જુદા જ પ્રકારની લાગણી અનુભવાઈ રહી છે. અનેક વિચારો મનમાં વમળાઈ રહ્યાં છે. શરૂઆત ક્યાંથી કરવી એ વિચાર લાંબા સમય સુધી ચાલ્યો. પછી વિચાર્યું કે, પહેલા બહુજન સાહિત્ય એટલે શું, તેની વ્યાખ્યા કે વિભાવના કેવી છે તે સમજાવવું જોઈએ. એટલે પહેલા તો બહુજન સાહિત્ય એટલે શું તે સમજીએ, પછી આગળ વધીએ.
બહુજન સાહિત્યની વ્યાખ્યા કે વિભાવના કરવી સાવ સરળ છે. એમાં કોઈ ભારેભરખમ શબ્દોની રમત કરવાની જરૂર નથી. થોડું લાંબુ લાગશે પણ, એકલ દોકલ વ્યક્તિ કે સમાજ જે વગદાર, પૈસાદાર, મોભાદાર હોય, એમના જીવનની વાતો કહેવાને બદલે ઘણાં બધાં લોકો અને માનવ સમુદાયની વેદના, સંવેદના, તકોથી વંચિત રહી ગયેલા, જિંદગી આખી જીવવા માટે મથામણ કરતા, તકોનું સર્જન થાય એના માટે પેઢી દર પેઢી પ્રયત્ન કરનારા, ગરીબીમાં પણ દાતારી કરી જાણનારા, મજૂરી કરતા હોય તો પણ મોહબ્બત નિભાવી જાણનારા, ઘરે હાંડલા કુશ્તી કરતા હોય તો પણ ખાનદાની નિભાવી જાણનારા, મર્યાદામાં રહીને જીવન જીવનારા, આવા માનવ સમુદાયની વાતો, ઉત્સવો, ગીતો, એમના મહામાનવોના ચારિત્ર્યના પ્રસંગો વગેરે બાબતોને જનસામાન્ય વચ્ચે લઈ આવવા માટે સર્જવામાં આવતું સાહિત્ય એટલે બહુજન સાહિત્ય.
બહુ એટલે ઘણાં, ઝાઝા અને જન એટલે લોકો. ઝાઝા માણસોની વાત, જે દબાવી રાખવામાં આવી હોય, સમયની થપાટમાં ક્યાંક ભંડારી દેવામાં આવી હોય, આવી વાતોને બહાર લાવીને જન જન સુધી પહોંચાડવાનું કામ બહુજન સહિત્યનું છે.
બહુજન સમાજ ગુજરાત, ભારતથી લઈને દુનિયાના ખૂણેખૂણે વસવાટ કરે છે. ગુજરાતમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, અન્ય પછાત વર્ગો, ધાર્મિક લઘુમતીઓ જેવી કે મુસ્લિમ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, શીખ અને અન્ય નાનામોટાં સંપ્રદાયો કે પંથ જેવા કે લિંગાયત, નાથ, નિજારી વગેરેમાં જીવન જીવતા લોકો અને તેમની વાતોને સાહિત્યમાં વણવામાં આવે એટલે બહુજન સાહિત્ય રચાય.
બહુજન સાહિત્ય શરૂઆતથી જ પાખંડવાદ અને અંશ્રધ્ધાની વિરુદ્ધમાં રહ્યું છે. પણ તેનો મુખ્ય આધાર ફક્ત પાખંડવાદ જ નથી, પ્રેમ અને કરૂણા પણ છે. જો કે બહુજન સમાજ આજે પણ ઘણાં બધાં પાખંડ અને અંધશ્રદ્ધામાં જીવે છે. એવામાં બહુજન સાહિત્યના સંશોધકે બહુજન સમાજ પાખંડવાદમાં જીવે છે એમ કહીને એમની વાતોને મુખ્ય ધારામાં લાવવાથી દૂર થઈ જવાનું નથી, પરંતુ સમાજ પાખંડવાદમાંથી મુક્ત થઈ જાય ત્યાં સુધી પ્રયત્નો કરતા રહેવાના છે.
બહજુન સાહિત્ય એ પ્રયત્નોનું સાહિત્ય છે. તેના સંશોધકે, બહુજન સાહિત્યકારે, બહુજન ગીતકારે કે બહુજન કલાકારે બહુજન સમાજની તમામ જાતિઓ, જ્ઞાતિઓ અને ધર્મ કે પંથ સાથે જોડાયેલ તમામ લોકો વચ્ચે જવું પડશે. ફક્ત અનુસૂચિત જાતિમાં જ જવાથી પરિવર્તન નહિ આવે. ફક્ત બૌદ્ધ ધર્મ પુરતું સીમિત નથી રહેવાનું, અન્ય જાતિઓ અને લઘુમતીઓ વચ્ચે પણ જવું પડશે. બુદ્ધની તમામ ક્રાંતિઓ અન્ય ધાર્મિક લઘુમતી સમાજ વચ્ચે મૂકવાની છે અને એમની વાતોને પણ સ્વીકારવાની છે.
બધાં દલિતો આંબેડકરવાદી ના હોય, બધાં આંબેડકરવાદી બૌદ્ધિસ્ટ ના હોય, બધાં બૌદ્ધિસ્ટ દલિતો ના હોય, એમ બધાં બધું ના હોય. વિશ્વ આખામાં બૌદ્ધ ધર્મ ફૂલ્યો ફાલ્યો છે તો એ બધાં બૌદ્ધધર્મી કંઈ દલિત સમાજના જ ના હોય ને? અલગ અલગ જાતિ સમુદાયમાંથી આવ્યા હોય અને બુદ્ધ બન્યા હોય. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને મૈત્રી અને કરુણાની આધારશીલા પર બહુજન સાહિત્ય રચવું જોઈએ.
બહુજન સહિત્યનું કેન્દ્ર બિંદુ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જીવન અને કવન છે. માટે તેમના લખાયેલા, બોલાયેલા એક એક શબ્દો બહુજન સાહિત્યમાં પથ્થરની લકીર સમાન છે. દા.ત. ડૉ. આંબેડકર તથાગત ગૌતમ બુદ્ધને પોતાના માર્ગદર્શક તરીકે માનતા હતા, તથાગત ગૌતમ બુદ્ધ અનિત્ય વાદ અને અજન્મ વાદને માનતા હતા. એટલે કે કશું કાયમી નથી, બધું જ પરિવર્તનશીલ છે અને પુનઃજન્મ જેવું પણ કશું જ નથી, આ જન્મ મળ્યો એ જ સાચો. આથી બહુજન સાહિત્યમાં ભવો-ભવ, આવતા ભવ, ગયા ભવ જેવી વાતોને સ્વીકારવામાં આવતી નથી.
કોઈ ગીત ગાય કે, “આ ભવે મલ્યા બાબા ભવો ભવ મળજો..” તો આવું ગીત ગાનાર આપણા કલાકારને આપણે આ કાનમાં કહેવું, ખાનગીમાં સમજાવવું પણ બધાં વચ્ચે એ અપમાનિત થાય તેમ ના કહેવું. કેમ કે આપણી લડાઈ સ્વમાન અને સન્માનની છે, માટે આપણે કોઈનું પણ અપમાન થાય એવું ના કરવું જોઈએ.
બહુજન સમાજ વિશાળ છે. એમના ઉત્સવો, આરાધક મહામાનવો, પહેરવેશ, બોલી ભાષા બધું જ વિવિધતાઓથી ભરેલું છે. માટે બહુજન સાહિત્યના સંશોધકે, બહુજન સાહિત્યકારે, બહુજન ગીતકારે અને બહુજન કલાકારે આ વિવિધતામાં એકતા લાવવા સતત પ્રત્યન કરવો પડશે.
બહુજન સમાજના મોટાભાગના મહામનવોને મનુવાદની ફોટો ફ્રેમમાં મઢી દેવામાં આવેલા છે. બહુજન સાહિત્ય દ્વારા આ મનુવાદની ફોટો ફ્રેમને દૂર કરીને આપણા મહામાનવોના સાચા માનવતાવાદી ચારિત્ર્યને જન જન સુધી પહોંચાડવાનું છે.
ઉદાહરણ તરીકે, રાજસ્થાનમાં થઈ ગયેલા બાબા રામદેવપીર. તેમના દ્વારા ઘણાં માનવતાવાદી કામો થયા હતા, પણ આજે રામદેવપીરની સાથે ઘણી બધી દંતકથાઓ જોડી દેવામાં આવી છે. બહુજન સાહિત્ય દ્વારા આવા આવરણો દૂર કરીને ખરું સાહિત્ય બહાર લાવવા પ્રયત્ન કરવો પડશે.
બહુજન સાહિત્યની આવી જ ધરાતળની વાતો, અંતરિયાળ ગામડાઓમાં પડેલી કથાઓને આ કૉલમ થકી આપની વચ્ચે મૂકવાની છે. ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર લખી, જોગાનુજોગે હાલ તેનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે અહીં બહુજન સાહિત્યની એવી જ કંઈક વણખેડાયેલી, અજાણી કથાઓને આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યો છું. ગામોગામ ફરીને, ભીમ ડાયરાઓમાં, બહુજન સાહિત્યના મેળાવડાઓમાં, બેઠકોમાં સ્થાનિક બહુજન સમાજની જે વાતો મારા સુધી પહોંચી છે, તેને અહીં આપની સમક્ષ મૂકવા પ્રયત્ન કરીશ. આ કામ કપરું છે, પણ khabarantar.com જેવા બહુજન સમાજને સમર્પિત સશક્ત માધ્યમ થકી આપ સૌ સુધી એ નિયમિત રીતે પહોંચતું રહે તે માટે કમર કસી લીધી છે. એમાં ક્યાંક જો મારાથી કોઈ નાનીઅમથી ચૂંક થઈ જાય, ભૂલ થઈ જાય તો મોટું મન રાખીને માફ કરશો.
આપ સૌનો સાથી,
મોહિન્દર મૌર્ય
(લેખક વિખ્યાત બહુજન સાહિત્યકાર, લેખક, કવિ અને બહુજન સાહિત્યના સંશોધક છે)
આ પણ વાંચોઃ મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.