ધનવાનો શોષણને પોતાનો ઈશ્વરદત્ત અધિકાર સમજે છે
ધનવાનો હંમેશાં માને છે કે કર્મચારીઓ, કામદારો, ગુમાસ્તા, મજૂરો, ખેતમજૂરો ફેરિયાઓ, લારીવાળા, પાથરણાંવાળા, રેંકડી ચલાવનારા વગેરે કામચોરી કરે છે કે મહેનત કરતા જ નથી. ઘણા પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સ્થપતિઓ, ડોક્ટરો, વકીલો, ઇજનેરો, અધ્યાપકો અને શિક્ષકો જેવા અનેક વ્યવસાયીઓ પણ આ ધનવાનોની માન્યતાને ટેકો આપે છે. તેઓ ઘણી વાર આ ધનવાનોનો હિસ્સો હોય છે એટલે પણ અથાગ શારીરિક કે માનસિક શ્રમ કરનારા પ્રત્યે તેઓ ઘૃણાની નજરે જોતા હોય છે, અથવા તો આ બધા વ્યવસાયીઓ પણ એમ સમજે છે કે ગરીબો ગરીબ છે એનું કારણ ગરીબો પોતે છે. કોઈ શોષણ થઈ રહ્યું છે એ જોવા, સમજવા કે તેનો વિરોધ કરવા મોટા ભાગના વ્યવસાયીઓ તૈયાર થતા નથી.
સરકારો પણ મોટે ભાગે આ ધનવાનોની હોય છે; અથવા તો ધનવાનોના અંકુશ હેઠળ હોય છે, અથવા સરકારમાં આવ્યા પછી ગરીબો ધનવાન થઈને ગરીબોનો જ વિરોધ કરે છે અને શોષક વ્યવસ્થાનો ભાગ બને છે. એટલે સરકારોના કાયદા અને નિયમો પણ શોષણ દૂર કરનારા હોય તો પણ એમનો ઝાઝો અમલ થતો નથી.
ધનવાનો ધનવાન બને છે તે માત્ર તેમની મહેનત કે મૂડીને લીધે નહિ પણ એ બધાની મજૂરીને લીધે પણ, એ વાત તેઓ બહુ જ સગવડતાથી ભૂલી જાય છે, કારણ કે તેમને એમનું શોષણ કરવા માટે આ બહાનું મળે છે.
મજૂરો આઠ જ કલાક કામ કરે, કામ દરમ્યાન વાગે તો સારવાર મળે, મૃત્યુ થાય તો વળતર મળે, પેન્શન મળે વગેરે અનેક કાયદા હોવા છતાં ધનવાન માલિકો અને સરકારો એનું પાલન કરતાં નથી. શોષણની વ્યવસ્થામાં સરકારો, વ્યવસાયીઓ અને ધનવાનોની મિલીભગત હોય છે. આ હકીકત છે, ભારતમાં તો છે જ.
આ વ્યવસ્થા સામે લડો તો તમને માર્ક્સવાદી, સમાજવાદી, સામ્યવાદી અને ગાંધીવાદી વગેરે વિશેષણોથી નવાજવામાં આવે. આજકાલ એમને હવે દેશદ્રોહી, વિકાસદ્રોહી, અર્બન નક્સલ, હિંદુ રાષ્ટ્ર વિરોધી કહેવામાં આવે છે.
RSS, ભાજપ અને હિંદુ રાષ્ટ્રના સમર્થકો એમ વારંવાર કહે છે હિંદુ સંસ્કૃતિ તો ફરજ પ્રધાન છે, અધિકાર પ્રધાન નહિ. પણ શોષણ ન કરવાની ફરજ ધનવાનો અને વ્યવસાયીઓ ન નિભાવે અને સરકારો સાંભળે નહિ તો શોષકો પોતાના અધિકાર માટે લડે કે નહિ?
- હેમંતકુમાર શાહ (લેખક વિખ્યાત અર્થશાસ્ત્રી અને અમદાવાદની H.K. આર્ટ્સ કોલેજના પૂર્વ આચાર્ય છે.)
આ પણ વાંચો: સત્તાની ગુરૂકિલ્લી: દલિતજન, બહુજન, સર્વજન