જ્યારે વડના ઝાડ નીચે બેસીને ડૉ. આંબેડકર ચોધાર આંસુએ રડેલાં...

સંકલ્પ દિવસ નિમિત્તે મહાનાયક ડો. આંબેડકરના જીવનના એ દિવસોને ફરી યાદ કરીએ, જ્યારે જાતિવાદીઓથી ત્રસ્ત થઈ તેમણે વડોદરા છોડવું પડ્યું હતું.

જ્યારે વડના ઝાડ નીચે બેસીને ડૉ. આંબેડકર ચોધાર આંસુએ રડેલાં...
image credit - khabarantar.com

Bhim Sankalp Divas Special: બહુજન ઈતિહાસમાં આજનો દિવસ દુઃખ-સુખની મિશ્ર લાગણી ધરાવે છે. દુઃખ એ વાતનું કે મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકરને જાતિવાદીઓએ વડોદરામાં ક્યાંય રહેવા ઘર નહોતું મળવા દીધું એટલે તેઓ અત્યંત દુઃખી થઈ જીવનમાં પહેલીવાર મન મૂકીને ચોધાર આંસુએ રડ્યાં હતા. સુખ એ વાતનું કે, રડ્યાં પછી સ્વસ્થ થઈને તેમણે એજ વડના ઝાડ નીચે બેસીને આ દેશના કરોડો બહુજનો માટે આજીવન સંઘર્ષ કરવાનો સંકલ્પ કર્યો હતો. ચાલો મહાનાયક મહાનાયક ડો. આંબેડકર સાથે એ દિવસે શું શું બન્યું હતું તેની વાત કરીએ.

દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ 'સંકલ્પ દિન' નિમિતે વડોદરા ખાતે આવેલા વિખ્યાત કમાટી બાગમાં લાખો લોકો 'સંકલ્પ ભૂમિ'ની મુલાકાતે આવે છે અને ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા લેવામાં આવેલ સંકલ્પને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરે છે.

107 વર્ષ પહેલા વડોદરામા ક્યાંય રહેઠાણ ન મળતા ડો. આંબેડકર તા. 23/09/1917 ના રોજ વડોદરા છોડતી વખતે મુંબઈ જતી ટ્રેન ચાર કલાક મોડી હોવાથી વડોદરા ખાતે આવેલા કમાટી બાગમાં એક વડના ઝાડ નીચે બેસી બહુજન સમાજના ઉદ્ધારનો સંકલ્પ કરેલો. જેની યાદમાં આજે પણ 'સંકલ્પ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આજે આ જગ્યા 'સંકલ્પ ભૂમિ'તરીકે વિખ્યાત બની છે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ, વડોદરા સ્ટેટ દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે આપવામાં આવેલ સ્કોલરશીપની શરતના ભાગરૂપે ડૉ. આંબેડકર તેમના મોટાભાઈ સાથે વડોદરાના મહારાજા સમક્ષ નોકરી માટે હાજર થયા હતા. અમેરિકાથી અર્થશાસ્ત્રની ડિગ્રી લઈને આવેલા ડો. આંબેડકરને મહારાજાએ નાણા સચિવ તરીકે નિમણૂકનો વિચાર કર્યો તે પહેલા તેમની સૈનિક સચિવની જગ્યાએ મહીને રૂપિયા 125ના પગારે નિમણૂક કરી હતી.

બાબાસાહેબ વડોદરા પહોંચ્યા, નોકરી મળી પણ રહેવા માટેની વ્યવસ્થા તેમણે જાતે કરવાની હતી. સમસ્યા એ હતી કે જાતિવાદીઓ તેમને ક્યાંય મકાન ભાડે આપવા તૈયાર નહોતા. અમુક ઓળખીતા મિત્રોનો સહકાર માંગી રહેવા માટેની વ્યવસ્થા કરવા મદદ માંગી પણ જુદાજુદા બહાના બતાવી તેમણે પણ હાથ અધ્ધર કરી દીધા હતા.

આ પણ વાંચો:  માતા રમાબાઈને ડૉ. આંબેડકરનો હૃદયસ્પર્શી ઐતિહાસિક પત્ર

ડો. આંબેડકર ઈંગ્લેન્ડ અને અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરીને આવેલા ઉચ્ચ અધિકારી હતાં, પરંતુ ભારતમાં તો તેઓ એક 'અસ્પૃશ્ય' માત્ર હતાં.

જ્યારે કોઈ મકાન મળ્યું તો તેમણે એડલજી સોરાબજી એવું બનાવટી નામ રાખી વડોદરાની જહાંગીરજીની પારસી વિશીમાં કામચલાઉ આશરો લીધો હતો. આ વિશીની વિગતો લખતા  બાબાસાહેબ નોંધે છે, "વડોદરા સ્ટેશને ઉતરતા અમારી સમક્ષ એક મોટો પ્રશ્ન ઉતારાનો ઊભો થયો. અમે વિચાર્યું કે પારસી લોકોના ધર્મમાં કોઈ આભડછેટ નથી. કોઈક પારસી લોજમાં જઈએ તો ઠીક. પારસી લોજનું સરનામું મેળવી અમે ત્યાં પહોંચ્યા. અમારા આવતાની સાથે બે માળવાળી લોજના માલિકે અમને ઉપર બોલાવ્યા અને એક રૂમ આપ્યો. સામાન મૂકી કપડા ઉતારીને હું ઉભો હતો ત્યાં પારસી માલિક આવ્યા અને મારા શરીર ઉપર સદરો અને કંદોરો ન જોતા તેમને લાગ્યું કે હું પારસી નથી. તેમને કડક અવાજે કહ્યું, "તું કોણ છે? લોજ પારસી લોકો માટે, પારસી માલિક દ્વારા ચલાવવામાં આવે છે." મારી મૂંઝવણનો પાર નહોતો. હવે ક્યાં જઈશું? હિંમત કરીને કહ્યું, "મારે થોડા દિવસે જ રહેવું છે, બીજે વ્યવસ્થા થતાં હું અહીંથી નીકળી જઈશ. હું જમવાની વ્યવસ્થા બીજે કરીશ. માત્ર મને રહેવાની વ્યવસ્થા આપો." પારસી માલિકે હાથમાંનું રજીસ્ટર બતાવતા કહ્યું કે આ રજીસ્ટરમાં નોંધણી નું શું?  મેં કહ્યું કે મારે બનાવટી પારસી નામ રાખવામાં રજીસ્ટર નોંધવામાં વાંધો નથી. તમને તો ફાયદો થશે પૈસા મળશે."

વળી પાંચ વર્ષના વિદેશ વસવાટથી મારો વાન સહેજ ગોરો થયો હતો, પારસીમાં ખપાઈ જવાય તેવું પૂરતું હતું, જોખમ પણ ન હતું. માલિકે વિચાર્યું કે બે પૈસા કમાવા માટે આ વાત ઠીક છે. તેણે મારી વ્યવહારુ વાત સ્વીકારી.  રોજના દોઢ રૂપિયાના ભાડે પારસી નામ સાથે અમે પારસી વિશીમાં રહેવા માંડ્યા. મને આફત ટળ્યાથી ઘણી જ ખુશી થઈ. એક પલંગ વાળી પ્રથમ માળ ઉપરની ઓરડીમાં મને ભારે મુશ્કેલી પડતી હતી. બાજુમાં તેનો ભંગાર સામાન પડ્યો હતો. વંદા મચ્છરનો પાર ન હતો."

બીજી બાજુ બાબા સાહેબ આંબેડકરના આગમન પૂર્વે જ વડોદરાના સમગ્ર સચિવાલયમાં સમાચાર ફેલાયા હતા કે મહારાજાએ એક અસ્પૃશ્યની સચિવ પદે નિમણૂક કરી છે;  હવે વડોદરા ખાતે આવેલ આપણું આખું સચિવાલય અભડાઈ જશે. આમ તેમના આગમન પૂર્વે જ પૂર્વગ્રહ-ધિક્કારનું વાતાવરણ પેદા થઈ ચૂક્યું હતું. એક અછૂતના હાથ નીચે કે સાથે આપણે કામ કરવું પડશે? અછૂત અધિકારી આંબેડકરની આજ્ઞા તે વળી ખમાતી હશે? અછૂત આપણને હુકમ કરે? છી ..છી...છી.. આવા હતા તેમના વિચારો. 

જેવા ડોક્ટર આંબેડકર આવ્યા તેવી જ ત્યાં  કાનાફુસી શરૂ થઈ ગઈ. અમેરિકા, ઇંગ્લેન્ડ રિટર્ન ઓફિસર સામાન્ય ચપરાશી માટે પણ તુચ્છ - અસ્પૃશ્ય હતો.  વિદ્યુત પ્રવાહ માટે લાકડું અવાહક છે, પરંતુ અસ્પૃશ્યતાનો પ્રવાહ બધાને માટે સુવાહક હતો, એટલે સામાન્ય પટાવાળો પણ ફાઇલો ડૉ.આંબેડકરના ટેબલ ઉપર દૂરથી ફેંકતો હતો, રખેને ટેબલને અટકી જવાય અને અસ્પૃશ્યતાનો વિધુત પ્રવાહ તેમને ભડકાવી મારે તો! ડૉ. આંબેડકરને અપમાન લાગે તેવી રીતે છેટે ઉભા રહીને વાત કરે. જેવા તેઓ ઓફિસમાં આવે તેવી જ જાજમ ઉઠાવી લે. રખેને જાજમ અભડાઈ જાય! ડૉ. આંબેડકર જે માર્ગેથી પસાર થાય ત્યાં બાજુમાં ઊભેલા સવર્ણ કર્મચારીઓ ચમકીને ખસી જાય, ડૉ. આંબેડકર પર આંગળી ચીંધી વ્યંગમાં અપમાનજનક સંવાદો બોલે. ડૉ. આંબેડકરને અપમાનો ગાળ્યા સિવાય છૂટકો પણ ન હતો.

આ પણ વાંચો:  ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દટાઈ ગયો હોત

વડોદરા ખાતે સચિવાલય(કોઠી)માં ઉચ્ચ અધિકારીઓની એક કલબ હતી જેના ડોક્ટર આંબેડકર સભાસદ બન્યા હતા,  છતાં પણ તેમની જોડે કોઈ બેસવા કે બોલવા તૈયાર ન હતા. સવર્ણ નોકર નાસ્તો આપવા તૈયાર નહોતો. એક ખૂણામાં એકલા બેસતા આંબેડકર ભારે અકળામણ અનુભવતા હતા. અપમાનિત થયેલ આંબેડકર તે દિવસે સીધા વીસીમાં આવ્યા અને એક અરજી કરી મહારાજને સઘળી હકીકત લેખિતમાં દર્શાવી. મહારાજે કહ્યું કે ધીરજ રાખો, ધીરે ધીરે બધી જ વ્યવસ્થા થઈ જશે,  પણ મહારાજા તે વ્યવસ્થા કરી શક્યા નહીં. એક રાજ્યનો સમર્થ રાજવી એક લાયક અસ્પૃશ્ય અધિકારીને નાનકડું મકાન મેળવી આપવામાં લાચાર હતા તે અનુભવથી ડોક્ટર આંબેડકરને અપાર દુખ થયું. તે રાત્રે તેઓ ઊંઘી શક્યા નહીં તેમની મતિ મૂંઝાઈ ગઈ હતી.

ડૉ.બાબાસાહેબ તેમના આત્મવૃતાંતમાં લખે છે, "પારસી વીશીમાં આજે મારો 11 મો દિવસ હતો. મેં નીચે બધાના આગમનનો ઘોંઘાટ સાંભળ્યો. એ પછી ઊંચા તગડા, હાથમાં લાઠી લઈ ગુસ્સે ભરાયેલા દસ-બાર પારસી મારા રૂમ પાસે પહોંચી ગયા અને મને પૂછ્યું 'તું કોણ છે? તારી બધી ચાલાકી જાણી ગયા છીએ, તારી આ હિંમત કે પારસીનું બનાવટી નામ ધારણ કરે? તેં પારસી લોકોની હોટેલ અભડાવી દીધી." બધાં મને મનફાવે તેમ બોલતા હતા. હું અસહાય અને નિરંતર રહી સાંભળતો હતો. મારો જીવ જોખમમાં હતો. ત્યાં બીજાએ કહ્યું, "બોલ, તારા લબાચા લઈ ક્યારે નીકળીશ? મેં સ્વસ્થતા કેળવીને વિનમ્ર ભાવે કહ્યું, "વડોદરાના દિવાન સાહેબ સાથે મારી વાતચીત થઈ છે, એકાદ અઠવાડિયામાં મકાન મળી જશે." તો મેં તેમને એક અઠવાડિયું  રહેવા દેવાની વિનંતી કરી, પણ તેઓ માન્યા નહીં અને તાડુકીને એક પારસીએ કહ્યું, "આજે સાંજે આ હોટલમાં તારો પગ હોવો જોઈએ નહીં, નહીં તો તારા ટાંટિયા ભાંગી નાખીશું અને લબાચા ફેંકી દઈશું."

આ હૃદયદ્રાવક કરુણ પ્રસંગનું વર્ણન કરતા જાહેર સભામાં આંસુ સાથે ડોક્ટર બાબા સાહેબે જે કહેલું એની નોંધ જોઈએ: "પારસી લોકોના ગયા પછી હું વિચારમાં પડ્યો કે આ મુસીબતમાંથી માર્ગ કેવી રીતે કાઢવો. આખો દિવસ હું મકાન માટે ભટક્યો. મને ક્યાંય મકાન ન મળ્યું. કેટલાક મિત્રોએ જુદા જુદા બહાના કાઢીને મને રવાના કરી દીધો. મારા માટે ઉપર આભ અને નીચે ધરતી હતા. મારી મતિ મૂંઝાઈ ગઈ હતી. મને કંઈ સૂઝતું નહોતું કે મારે હવે શું કરવું? એક વૃક્ષની નીચે બેસી હું ચોધાર આંસુએ રડી પડ્યો. રડતે હૃદયે મેં મુંબઈની વાટ પકડી, તે સિવાય મારી પાસે કોઈ વિકલ્પ ન હતો."

વડોદરા ખાતે નોકરીના સમયગાળાના આભડછેટ અને જાતિભેદના વરવા અનુભવે ડો. આંબેડકરનું સમગ્ર જીવનધ્યેય બદલી નાખ્યું હતું. તા.૨૩/૦૯/૧૯૧૭ના રોજ જેને આપણે આજે સંકલ્પ દિવસ કહીએ છીએ, તે દિવસે તેમને વડોદરાના કમાટીબાગના એક વૃક્ષ નીચે બેસીને ચિંતનથી ભગવાન બુદ્ધની જેમ સમાજસેવાની સંબોધિ પ્રાપ્ત થઈ, બોધિજ્ઞાન થયું. વૃક્ષ નીચે 'અધિકારી આંબેડકરે' વિદાય લીધી અને 'સંઘર્ષવીર' આંબેડકરનો જન્મ થયો. તેમણે સમાજ સેવાનો સંકલ્પ કરી પ્રતિજ્ઞા લીધી, "જે સમાજમાં હું જન્મ્યો છું તે સમાજ ઉપર થતાં અમાનવીય,  અન્યાયી, ધૃણાજનક અને ગુલામીયુક્ત અત્યાચારો દૂર કરીને જ જંપીશ."

વડોદરા રાજ્યમાં 11 દિવસની નોકરી દરમિયાન થયેલ આકરા જાતિગત અપમાનોએ ડો. બાબા સાહેબ આંબેડકરની જિંદગી બદલી નાખી જેમાં આગળ જતાં 'અધિકારી આંબેડકર' કરોડો લોકોના મસીહા બન્યા. ગુજરાતના વડોદરા ખાતે આવેલ કમાટી બાગમાં એક ઝાડ નીચે જ્યાં ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને તારીખ 23/9 /1917માં સમાજસેવાની સંબોધિ પ્રાપ્ત થઈ હતી. અહીં જ વૈચારિક સામાજિક ક્રાંતિના મંડાણ થયા હતા, વિદ્રોહના વિચારો સાથે વડોદરાથી બાબાસાહેબે વસમી વિદાય લીધી હતી.

કાંતિલાલ પરમાર, સામાજિક કાર્યકર

આ પણ વાંચો: અર્વાચીન ઈતિહાસના બે સત્યાગ્રહો, જે માનવાધિકાર માટે લડાયા હોવા છતાં યાદ કરાતા નથી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Mukesh bhai.k.damor
    Mukesh bhai.k.damor
    ધન્ય ???? ધન્ય ???? ધન્ય ???? ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ અમર રહો....... આપશ્રી ની આત્મા ને કોટી કોટી પ્રણામ કરી રહ્યા છીએ ????????
    2 months ago
  • Mukesh bhai.k.damor
    Mukesh bhai.k.damor
    ધન્ય ???? ધન્ય ???? ધન્ય ???? ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ અમર રહો....... આપશ્રી ની આત્મા ને કોટી કોટી પ્રણામ કરી રહ્યા છીએ ????????
    2 months ago
  • Mukesh bhai.k.damor
    Mukesh bhai.k.damor
    ધન્ય ???? ધન્ય ???? ધન્ય ???? ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ અમર રહો....... આપશ્રી ની આત્મા ને કોટી કોટી પ્રણામ કરી રહ્યા છીએ ????????
    2 months ago
  • jayeshkumar i movadiya
    jayeshkumar i movadiya
    વિશ્વ વિભૂતિ જ્ઞાન નો સાગર મહા માનવ
    2 months ago
  • vasantbhai shankarbhai chavda
    vasantbhai shankarbhai chavda
    મહાનાયક બાબા સાહેબ ને કોટી કોટી વંદન.
    2 months ago