આટલું રેશનલ લખ્યું છતાં તમે લોકોએ હોળી સળગાવી, શરમ ન આવી?
હોળી-ધૂળેટીની ઉજવણી કરવી કે નહીં તેને લઈને બહુજન સમાજમાં મતભેદો જોવા મળે છે ત્યારે અમદાવાદના રેશનાલિસ્ટ લેખક ડૉ. પારિતોષ એક સરસ ઉદાહરણ આપીને પોતાની વાત રજૂ કરે છે.
આટલું બધું રેશનલ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે લખાણ લખ્યું હોવા છતાં આપ લોકોએ આખરે હોળી સળગાવી. શરમ ના આવી? તમે તમારી જાતને ખોટા લાકડાઓ બાળી પ્રદૂષણ ફેલાવતી દુનિયાની કમઅક્કલ પ્રજા સાબિત કરી, ખરૂં ને? જમાના અને જરૂરિયાત પ્રમાણે સુધરો. હાથમાં વૈજ્ઞાનિક ઉપકરણ/ઘરમાં વૈજ્ઞાનિક ઉપકરણનો ખડકલો અને મગજમાં ગંદકીનો ઉકરડો! આ માટે એક થયેલ પ્રયોગ આપની સામે મૂકી રહ્યો છું, કદાચ આપની સદબુદ્ધિ એને સ્વીકારે તો ઠીક છે. આ પ્રયોગ યુ.કે.માં કરવામાં આવેલો.
પાંચ વાંદરાઓને એક કમરામાં મૂકવામાં આવ્યા. કમરાની વચ્ચોવચ્ચ એક નિસરણી મૂકવામાં આવી. વ્યવસ્થા એવી હતી કે આ નિસરણી પર ચઢી, વાંદરા છત પરના હુક પર લટકાવેલી કેળાની લૂમને લઈ શકે. પરંતુ સાથે સાથે બીજી એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે જ્યારે પણ કોઈ વાંદરો નિસરણી ચઢવા જાય કે તરત બધાં જ વાંદરાઓ પર બરફનું ઠંડુંગાર પાણી ફોર્સથી છંટાવાનું શરૂ થઈ જાય. આ ઠંડા પાણીથી વાંદરાઓ ખૂબ યાતના-દર્દ અનુભવે. થોડા વખતમાં એવું થઈ ગયું કે જ્યારે પણ કોઈ વાંદરો નિસરણી ચઢવા જાય કે બાકીના બધા વાંદરા તેને અટકાવવા તેની પર તૂટી પડે, કારણ કે તેઓ પેલા ઠંડાગાર પાણીનો છંટકાવ ન થાય તેવું ઈચ્છતા હતા. એટલે થોડા વખતમાં એવી પરિસ્થિતિ થઈ ગઈ કે કોઈ વાંદરો નિસરણી પર ચઢતો નથી.
હવે પાંચમાંથી એક વાંદરાને કમરામાંથી બહાર કાઢી, તેની જગ્યાએ એક નવા વાંદરા(A)ને મૂકવામાં આવ્યો. નિસરણી અને કેળાંની લૂમ જોઈને આ વાંદરાને થયું કે બાકીના વાંદરા કેમ જે સ્વાભાવિક છે તે નથી કરી રહ્યાં? તેણે તો તરત નિસરણી તરફ જવાનું શરૂ કર્યું. આ વખતે ઠંડાગાર પાણીનો છંટકાવ કરવામાં ન આવ્યો. અચાનક મૂળ ચાર વાંદરાઓ તેના(A)પર તુટી પડ્યા ને તેને બરાબર ધીબી નાખ્યો. પેલા નવા પાંચમા વાંદરા(A)ને કાંઈ ગતાગમ ન પડી કે આ વાંદરાઓ આવું કેમ કરે છે? જેવો આ પાંચમો વાંદરો(A) કેળાની લૂમની નજીક જતો કે આ ઘટનાનું પુનરાવર્તન થતું. છેવટે નવા પાંચમા(A) વાદરાંએ પણ નિસરણી પર ચઢવાના પ્રયત્નો છોડી દીધા.
ફરી પ્રયોગ આગળ વધારવામાં આવ્યો. હવે પાંચમાંના મૂળ ચાર વાંદરામાંથી બીજા વાંદરાને હટાવી તેની જગ્યાએ નવા વાંદરા(B)ને મૂકવામાં આવ્યો. નવા વાંદરા(B)એ પણ સ્વાભાવિક રીતે કેળાં માટે નિસરણી ચઢવાનો પ્રયત્ન કર્યો. પણ બીજા વાંદરાઓએ તેની પણ એ જ અવદશા કરી. મજાની વાત તો એ છે કે તૂટી પડવામાં પેલો પહેલો નવો વાંદરો(A)પણ સામેલ હતો!
તેને હવે જરા રાહત એ છે કે આ વખતે માર ખાવાનો વારો તેનો નથી. પેલા નવા વાંદરા(B)ને મારવામાં તે પણ એટલા માટે જોડાઈ ગયો કે બીજા વાંદરા એમ કરી રહ્યાં છે. પેલા શરૂઆતના ત્રણ વાંદરાઓ તો ઠંડા પાણીનો છંટકાવ ન થાય તે માટે નવા વાંદરાને નિસરણી પર ચઢતા રોકી રહ્યા છે. પણ પેલા (પહેલો) નવા આવેલ વાંદરા(A)ને તો કંઈ ખબર નથી કે તે બીજા નવા આવેલ વાંદરા(B) પર હુમલો શા માટે કરી રહ્યો છે?
આ જ રીતે પ્રયોગમાં છેવટે એક પછી એક કરીને બધાં જુના(ત્રણ)વાંદરાઓને હટાવી દેવામાં આવ્યા. એટલે હવે કમરામાંના પાંચેય વાંદરા નવા છે. તેમાંથી કોઈની પર પણ ઠંડાગાર પાણીનો છંટકાવ નથી થયો. છતાં તેમાંથી કોઈ નિસરણી ચઢવાનો પ્રયત્ન નથી કરતું. અને જો કોઈ નવો વાંદરો પ્રયત્ન કરે તો પૂરા જૂસ્સાથી બાકીના વાંદરાઓ તેના પર તૂટી પડે છે અને તેને અટકાવે છે, એ જાણ્યા વિના કે તેઓ આમ કેમ કરી રહ્યા છે! વાર્તા પૂરી.
આ વાર્તાનો બોધપાઠ: આપણે પરંપરાઓ/પ્રણાલિકાઓ/ધર્મો/વ્યવસ્થાઓને શા માટે અનુસરીએ છીએ તે આપણે જાણીએ છીએ? "આમ શા માટે?" તેવો પ્રશ્ન આપણે કરીએ છીએ? શું બીજા લોકો જે કરે છે તેવું વિચાર્યા વિના કરવા માંડવું યોગ્ય છે? શું આપણે જીવન આપણી સમજણને અનુસરીને જીવીએ છીએ કે પછી દેખાદેખીથી? આ સવાલો વિશે વિચારજો.
(સંજીવ શાહના પુસ્તક ‘જીવનની ભેટ’માંથી સાભાર. સંકલનકર્તાઃ ડૉ. પારિતોષ)
આગળ વાંચોઃ દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Sahil ParmarTraditions are ultimately imitation due to folly। No one knows why one is following । Indian culture is culture of waste , waste of resources । It was o.k.,when India was rich and was sacrificing barley,ghee,milk,rice and animals in name of yajnas and was igniting Holi ; but nowadays to perform such rituals is nothing but foolishness,. Not only folly,but crime ।