ગુજરાતમાં હોળી-ધૂળેટી દરમિયાન ડૂબી જવાથી 16 લોકોના મોત

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં તરતા ન આવડતું હોવા છતાં અનેક લોકો નદી,તળાવોમાં નહાવા કૂદી પડતા હોય છે અને મોતને ભેટતા હોય છે. આ વર્ષે પણ રાજ્યમાં વિવિધ સ્થળોએ 16થી વધુ લોકો ડૂબી ગયા છે.

ગુજરાતમાં હોળી-ધૂળેટી દરમિયાન ડૂબી જવાથી 16 લોકોના મોત
image credit - Google images

હોળી-ધૂળેટીના તહેવારમાં ગુજરાતમાં અલગ અલગ દુર્ઘટનાઓમાં 16 લોકોના મોત નિપજ્યાં છે. તરતા ન આવડતું હોય છતાં હોળીના ઉન્માદમાં પાણીમાં કૂદી પડતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતમાં ધાર્મિક સ્થળોએ ઉમટી પડતી ભીડના કારણે અકસ્માતો થતા રહે છે અને તેમાં સેંકડો લોકોના મોત થાય છે. એક સર્વે મુજબ ભારતમાં ધાર્મિક સ્થળોએ થતી ભાગદોડ કે અકસ્માતોમાં આતંકવાદી હુમલામાં મરતા લોકો કરતા પણ વધુ લોકોના મોત થાય છે. ગુજરાતની વાત કરીએ તો આ વખતે હોળી ધૂળેટી દરમિયાન અલગ અલગ દુર્ઘટનાઓમાં 16 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના લોકોના મોત ડૂબી જવાથી થયા છે.

આ સમાચારો પર વિગતે વાત કરીએ તો ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે ગોમતી તળાવમાં ન્હાવા પડેલા 5 પૈકી 3 વિદ્યાર્થીઓ ડૂબતા ત્રણેયના મોત નિપજ્યા છે. ભાવનગરના તળાજા તાલુકાના મણાર ગામે ડૂબી જતાં ત્રણ યુવકોના મોત થયા છે. પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા છે. મહીસાગરના વિરપુરમાં એક બાળક ખેત તલાવડીમાં ડૂબી જતાં મોત થયું છે. વલસાડની પાર નદીમાં એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. જ્યારે કડીની લુણાસણની કેનાલમાં ડૂબી જતા બે યુવક મોતને ભેટ્યા છે. જ્યારે કલોલની ઉનાલી કેનાલમાં ડૂબેલા પાંચ લોકોમાંથી એકનું મોત ચાર લોકો હજી લાપતા છે. આમ રાજ્યમાં ડૂબી જવાથી કુલ 16ના મોત થતાં તહેવાર ટાણે માતમ છવાયો છે.

કલોલના ઉનાલી પાસે નર્મદા કેનાલમાં 5 લોકો ડૂબ્યા
ગાંધીનગરના કલોલ તાલુકાના ઉનાલી ગામ નજીક સાણંદ જવાના રોડ ઉપર નર્મદા કેનાલમાં કુલ પાંચ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ચાર વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચ લોકો ડૂબ્યા હતા જેમાં હાલમાં બે પુરુષ અને બે સ્ત્રીની શોધખોળ અમદાવાદના થલતેજ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્કયુ સાધનો અને તરવૈયાઓ કરવામાં આવી રહી છે.

વલસાડની પાર નદીમાં યુવકનું મોત
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રાણા સ્ટ્રીટમાં રહેતો યુવકનું ગઈકાલે રંગોત્સવની ઉજવણી કરીને પાર નદીમાં ન્હાવા માટે ગયો હતો. જ્યાં અચાનક નદીમાં ડૂબી જતા તુરંત નજીકના ચંદ્રપુર ગામના તરવૈયાઓએ તેને બહાર કાઢીને સી.પી.આર આપવાની કોશિશ કરી હતી પરંતુ યુવકનું મોત થયું હતું.
સ્વામીનારાયણ સંપ્રદાયના કારણે પ્રખ્યાત વડતાલ ખાતે 12 વિદ્યાર્થીઓનું ગ્રુપ ધૂળેટી રમવા આવ્યું હતું. વડતાલ સ્થિત ગોમતી તળાવમાં આ 12 પૈકી 5 વિદ્યાર્થીઓ ન્હાવા પડ્યા હતા અને બધાં જ ડૂબવા લાગ્યા હતા અને બુમરાણ મચાવતા સાથે આવેલા વિદ્યાર્થીઓ અને આસપાસના લોકોએ 2 વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. જ્યારે 3 વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં લાપતા બન્યા હતા. બાદમાં તરવૈયાઓએ જરૂરી સાધન સાથે તળાવના પાણીમાં ઝંપલાવી લાપતા બનેલા ત્રણેય વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આ લાપતા વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા અને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વિધાનગરની એમ.વી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓનું આ ગ્રુપ હતું. ગ્રુપના લગભગ 12 લોકો ધૂળેટી રમ્યા બાદ અહીયા આવ્યા હતા અને ન્હાવા સમયે પગ લપસતાં ઘટના બની છે.

બનાસકાંઠાની બાલારામ નદીમાં બે યુવકો ડૂબાયા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા છે. અહીં ડીસાના બે યુવકો ધૂળેટીનું પર્વ મનાવી ન્હાવા માટે પડ્યા હતા પરંતુ તરવાની ફાવટ ન હોવાથી ડૂબી ગયા હતા. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તુરંત સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પાલનપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

ભાવનગરના તળાજામાં ચેકડેમમાં ત્રણ યુવકો ડૂબી ગયા
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામ પાસે આવેલા ચેકડેમમાં નહાવા પડેલા રવિ મકવાણા, મુકેશ મકવાણા તેમજ અન્ય રવિ કુડેચાનું ડૂબી જવાથી મોત થયું હતું. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગે ચેકડેમમાંથી મૃતદેહને બહાર કાઢી તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મહિસાગરના વીરપુરમાં બાળક ખેતતલાવડીમાં પડી ગયું
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખરોડ ગામના રણજીતપુરા કંપાણી સીમમાં ખેત તાલાવડી હતી, જેમાં એક બાળક હાથ પગ ધોવા માટે ગયું હતું જેનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર ખેતમજૂરી કરી રહેલા શ્રમિક પરિવારનું આ બાળક હતું. સમગ્ર બનાવ બનતા વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસેમાં વીરપુર તાલુકામાં ડૂબી જવાની આ બીજી ઘટના બની છે. હોળીના આગલા દિવસે વિરપુર પાસેના અણસોલ્યા તળાવમાં ત્રણ મિત્રો નાહવા પડ્યા હતા જેઓનું પણ ડૂબી જતાં મોત નીપજ્યું હતું. આમ સમગ્ર રાજ્યમાં અલગ અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી 16 લોકોના મોત થયા છે અને આ આંકડો હજુ વધી પણ શકે છે.

આ પણ વાંચોઃ આટલું રેશનલ લખ્યું છતાં તમે લોકોએ હોળી સળગાવી, શરમ ન આવી?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.