ગેંગરેપના આરોપીઓને જામીન મળતા ભાજપ ધારાસભ્યે કેક કાપી?
IIT-BHU માં વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપમાં તત્કાલિન ભાજપ આઈટી સેલના બે આરોપીઓ જામીન પર છુટ્યા છે. બંનેનું ફૂલહારથી સ્વાગત કરી મોં મીઠું કરાવાયું હતું.
ઉત્તરપ્રદેશના વારાણસીની આઈઆઈટી બીએચયુની બીટેકની એક વિદ્યાર્થિની સાથે ગેંગરેપ થયો હતો. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જે પૈકી બે આરોપીઓ હાલમાં જામીન પર બહાર આવ્યા છે. આંચકો લાગે તેવી વાત એ છે કે, બંને આરોપીઓનું બિલકિસ બાનોના બળાત્કારીઓની જેમ ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમનું મોં મીઠું કરાવાયું હતું. ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓ તે સમયે ભાજપના આઈટી સેલ સાથે જોડાયેલા હતા.
મળતી માહિતી પ્રમાણે આરોપીઓ કુણાલ પાંડે, અભિષેક ચૌહાણ, અક્ષમ પટેલમાંથી બે કથિત રીતે ભાજપના આઇટી સેલ સાથે જોડાયેલા હતા. હાલ કુણાલ પાંડે અને અભિષેક ચૌહાણને હાઇકોર્ટ દ્વારા જામીન મળી ગયા છે.
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આઇઆઇટી બીએચયુના કેમ્પસમાં જ ગેંગરેપની ઘટના સામે આવી હતી. જે બાદ પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી હતી. ધરપકડના આઠ જ મહિનામાં બે આરોપીઓ છુટી ગયા છે અને ત્રીજો આરોપી પણ ટૂંક સમયમાં છુટી જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
કુણાલ પાંડે ૨૪ ઓગસ્ટે અને અભિષેક ચૌહાણ ૨૯મી ઓગસ્ટના રોજ છુટી ગયો હતો. જે બાદ તેમના વિસ્તારમાં તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આંચકો લાગે તેવી વાત એ છે કે આ ત્રણેય આરોપીઓએ પોતાના ગુનાની કબુલાત પણ કરી લીધી છે.
આ પણ વાંચોઃ 15 નકલી મત તો મેં નાખ્યા હતાઃ ભાજપના કાર્યકરના દાવાના વીડિયોથી હોબાળો મચ્યો
આરોપીઓએ સ્વીકાર કર્યો હતો કે તેમણે ૨૦ વર્ષીય વિદ્યાર્થિનીનું અપહરણ કર્યું અને બંદુક બતાવી તેને કપડાં ઉતારવા મજબૂર કરી હતી અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. ડીસીપી આર. એસ. ચૌહાણના જણાવ્યા મુજબ આરોપીઓ સામે NSA, ઉત્તર પ્રદેશ ગેંગસ્ટર એક્ટ અને એન્ટિ સોશિયલ એક્ટિવિટી પ્રિવેંશન એક્ટ હેઠળ પણ ગુના દાખલ કરાયા છે.
ગેંગરેપના આ આરોપીઓના ફૂલહારથી સ્વાગત દરમિયાન બીજી પણ એક ઘટના સોશિયલ મીડિયામાં જોરદાર રીતે વાયરલ થઈ છે. જેમાં બંને આરોપીઓ વારાણસી કેંટના ભાજપના ધારાસભ્ય(Varanasi Cant MLA) સૌરભ શ્રીવાસ્તવ(Saurabh Srivastava) સાથે કેક કાપતા જોવા મળ્યા હતા. ધારાસભ્ય તેમને મોં પર કેક લગાવતા જોવા મળી રહ્યાં છે. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા સૌ કોઈએ ગેંગરેપના આરોપીઓનું ભાજપના ધારાસભ્ય સાથે જોડાણને લઈને આકરી ટીકાઓ કરી હતી. આ તસવીરો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા ભાજપના ધારાસભ્યે સ્પષ્ટતા કરી હતી કે આ ફોટાં પાંચ વર્ષ જૂના છે. જો કે લોકોને હજુ પણ તેમની આ સ્પષ્ટતાને શંકાની નજરે જોઈ રહ્યાં છે.
આ પણ વાંચોઃ કટ્ટર જાતિવાદઃ દલિત મંદિરમાં ન પ્રવેશી જાય એટલે મંદિર જ તોડી નાખ્યું