રાત્રે પોલીસે દલિત યુવકને જેલમાં પૂર્યો, સવારે તેનો મૃતદેહ લટકતો હતો

પોલીસ દલિત યુવકને એક કેસમાં પૂછપરછ માટે પકડી લાવી હતી. સવારે જોયું તો તેનો મૃતદેહ જેલમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો.

રાત્રે પોલીસે દલિત યુવકને જેલમાં પૂર્યો, સવારે તેનો મૃતદેહ લટકતો હતો
image credit - Google images

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના મુરેના(Muraina) જિલ્લામાં એક યુવકે પોલીસ સ્ટેશનમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ દલિત યુવક(Dalit Youth)ને હત્યાના કેસમાં પૂછપરછ માટે પકડીને પોલીસ સ્ટેશન લાવી હતી. પરંતુ સવારે જોયું તો જેલમાં યુવકનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. આ ઘટનાને લઈને હોબાળો મચી જતા પોલીસે તરત કાર્યવાહી કરવાની ફરજ પડી હતી અને 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઘટના મધ્યપ્રદેશા મુરેનાની છે. અહીં પોલીસ બે દિવસ પહેલા હત્યાના કેસમાં એક દલિત યુવકને પકડીને પૂછપરછ માટે લઈ આવી હતી. જ્યાં બીજા દિવસે રાત્રે તેણે પોલીસ સ્ટેશનમાં તેના ગમછા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. મોરેના એસપી સહિત આઈજી-ડીઆઈજી રેન્કના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. એસપીએ સ્ટેશન ઈન્ચાર્જ સહિત ત્રણ પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે.

મામલો અહીંના સિવિલ લાઇન પોલીસ સ્ટેશન(Cilil line police Station)નો છે. પોલીસનું કહેવું છે કે આરોપીને હત્યાના કેસમાં પૂછપરછ માટે શનિવારે રાત્રે જ આંબેડકર કોલોનીમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. મૃતક યુવાન સની ઉર્ફે બાલકિશન જાટવ ગંગા માલનપુરનો રહેવાસી હતો. તેના પર એક વર્ષ પહેલા ડિસેમ્બર 2023માં એક યુવકની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં પોલીસે સની અને અન્ય ત્રણ યુવકોને આરોપી બનાવ્યા હતા. કેસ નોંધાયા પછી આરોપીઓ સતત જગ્યા બદલીને પોલીસ પકડથી દૂર ભાગતા રહેતા હતા. શનિવારે રાત્રે સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રામબાબુ યાદવને એક બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે સન્ની જાટવ આંબેડકર કોલોનીમાં છુપાયેલો છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી સની અને અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.

આ પણ વાંચોઃ આંબાના ઝાડ પર બે દલિત યુવતીઓની લાશ લટકતી મળી આવી

રવિવારે સવારે જ્યારે પોલીસકર્મીઓએ જાગીને જોયું તો લોકઅપમાં સનીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો હતો. પોલીસકર્મીઓએ તરત જ સ્ટેશન ઈન્ચાર્જ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને સમગ્ર મામલાની જાણ કરી હતી. સમાચાર મળતા જ એસપી સહિત આઈજી-ડીઆઈજી રેન્કના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક એફએસએલ ડોક્ટર સહિત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી. મામલો વધુ વણસે તે પહેલા એસપીએ  ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે.

આ તરફ દલિત યુવકની આત્મહત્યાને લઈને દલિત સંગઠનોએ પોલીસ પર નિશાન સાધ્યું હતું. ભીમ આર્મી(Bhim Army)ના જિલ્લા અધ્યક્ષ રણવીર જાટવે આરોપ લગાવ્યો હતો કે, ત્રણ દિવસ પહેલા પોલીસે સની સહિત ચાર છોકરાઓને ઝડપી લીધા હતા. આ સમયે પોલીસે તેમને કેમ ઉઠાવવામાં આવ્યા છે જણાવ્યું નહોતું. હવે એવું સામે આવ્યું છે કે, પોલીસ તેમને હત્યાના કેસની તપાસ માટે ઉપાડી ગઈ હતી.

ભીમ આર્મીના રણવીર જાટવે પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોલીસે સની સહિતના યુવકોને લોકઅપમાં રાખીને ભારે ટોર્ચર કર્યા હતા. જેના કારણે કંટાળીને સનીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

એસપી સમીર સૌરભનું કહેવું છે કે સની હત્યાનો આરોપી હતો અને તેણે અગમ્ય કારણોસર લોકઅપની અંદર આત્મહત્યા કરી લીધી છે. આ બનાવમાં મેજીસ્ટ્રેટ તપાસ હાથ ધરાઈ છે અને સ્ટેશન ઈન્ચાર્જ સહિત ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ તારો જમાઈ હોય તો તું નદીમાં કૂદી જા અને કાઢી આવ...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.