ખોખરામાં તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખ્યું
ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો ધરણાં પર બેઠાં. આરોપીઓને ઝડપી પાડી જાહેરમાં વરઘોડો કાઢવાની માંગ ઉઠી.

dr ambedkars statue, vandalized, khokhara, ahmedabad : ડો.આંબેડકરનો મુદ્દો હાલ દેશભરમાં છવાયેલો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર પર કરેલા વિવાદિત નિવેદન બાદ વિપક્ષો સહિત બહુજન સંગઠનો તેમનાથી નારાજ થઈને વિરોધ નોંધાવી રહ્યાં છે. આ વિવાદ વચ્ચે અમદાવાદના ખોખરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોઈ તોફાની તત્વોએ નુકસાન પહોંચાડતા મામલો બિચક્યો છે. ખોખરામાં કે.કા શાસ્ત્રી કોલેજની સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વોએ તોડી નાખતાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યા છે. ઘટનાની ગંભીરતા સમજી ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
સ્થાનિક દલિતો ધરણાં પર બેસી ગયા
બહુજન મહાનાયકની પ્રતિમાને નુકસાન થયાની ખોખરાની ચાલીઓમાં રહેતા દલિત બહુજન સમાજને થતા તેઓ સ્થળ પર પહોંચીને રોડ ઉપર ધરણાં પર બેસી ગયા છે. લોકો એકઠા થતાં એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બીજી તરફ અમરાઇવાડીના કોંગ્રેસના કોર્પોરેટરે ઘટનાસ્થળે પહોંચીને પ્રતિમાને નુકસાન પહોંચાડનાર અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવા માગ કરી છે.
જયંતિ વકીલની ચાલીની ઘટના
આ ઘટનાની મળતી માહિતી મુજબ ખોખરામાં કે.કા.શાસ્ત્રી કોલેજની સામેના ભાગે જયંતી વકીલની ચાલી આવેલી છે. અહીં બહારના ભાગે ડો.આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે. આજે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે પ્રતિમાના નાકને કોઈ તોફાની તત્વોએ નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ વાત વાયુવેગે ફેલાતા સ્થાનિકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાવતરું રચી નુકસાન કર્યું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે ખોખરા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢોઃ કોંગી કોર્પોરેટર
અમરાઇવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડે જણાવ્યું હતું કે, "ખોખરામાં જયંતી વકીલની ચાલી પાસે વહેલી સવારે કોઇ અસામાજિક તત્ત્વો દ્વારા ડો. બાબાસાહેબની મૂર્તિને ખંડિત કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. મારું એમ માનવું છે કે જે પ્રમાણે સંસદમાં ગૃહમંત્રી દ્વારા બાબાસાહેબ વિશે જે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા અને તેમના વિરુદ્ધ ભારતમાં જે પ્રમાણે આંદોલન થઇ રહ્યાં છે તે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક હીન કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું દેખાઇ રહ્યું છે. અમારી માગ છે કે તાત્કાલિક પોલીસ ફરિયાદી બને, અને આવાં અસામાજિક તત્ત્વોની ધરપકડ કરવામાં આવે અને તેનો વરઘોડો કાઢવામાં આવે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને જે રીતે વિધર્મીઓના વરઘોડા કાઢવાના શોખ છે. તો એમને જો બાબાસાહેબના સંવિધાનને નજરમાં રાખીને શપથ લીધી હોય તો એ સાબિત કરી બતાવે કે અમે બાબાસાહેબના સંવિધાનને માનીએ છીએ."
આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી નહીં ઉઠીએઃ સ્થાનિકો
બીજી સ્થાનિકોનું કહેવું છે કે, જ્યાં સુધી બાબાસાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ રસ્તા પરથી નહીં હટે. તેમણે ખંડિત પ્રતિમાની જગ્યાએ તાત્કાલિક નવી પ્રતિમા સ્થાપિત કરવાની પણ માંગ કરી છે. સમગ્ર મામલે ખોખરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
કોંગ્રેસ પોલીસ કમિશનરને મળી આવેદનપત્ર આપશે
આ મામલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું છે કે, બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરવાનો જે પ્રયાસ થયો છે, તેને લઈને અમે પોલીસ કમિશનર સાથે વાત કરી છે અને આ કૃત્ય કરનાર તોફાની તત્વોને કડક સજા કરવાની માગ કરી છે. અમે માંગ કરી છે કે, બાબાસાહેબની ખંડિત મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવે. તેઓ દેશના સંવિધાનના પ્રણેતા છે, દેશવાસીઓની લાગણી જોડાયેલી છે.
આરોપીઓને છોડવામાં નહીં આવેઃ ભાજપ ધારાસભ્ય
આ ઘટનાની જાણ થતા મણિનગરના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સ્થાનિકોને ખાતરી આપી હતી કે 24 કલાકમાં આરોપીઓ પકડાઈ જશે અને સરકાર આ મામલે ખૂબ જ ગંભીર છે. તેમણે કહ્યું હતું કે, રહીશોની માગ મુજબ પ્રતિમાને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે. તેમણે ખાતરી આપી હતી કે આ મામલે ઝડપથી કાર્યવાહી કરી આરોપીઓની 24 કલાકની અંદર ધરપકડ કરાશે. જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે કેટલા ઝડપી પગલા લે છે.
આ પણ વાંચોઃ દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?