હવે ધર્મ પરિવર્તન કરનારા દલિતોને અનામતનો લાભ નહીં મળે?

કેન્દ્ર સરકાર ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મનો સ્વીકાર કરનાર દલિતોને ટૂંક સમયમાં મોટો ઝટકો આપવાની તૈયારીઓ કરી રહી છે.

હવે ધર્મ પરિવર્તન કરનારા દલિતોને અનામતનો લાભ નહીં મળે?
image credit - Google images

જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગીને અન્ય ધર્મમાં પરિવર્તિત થનારા દલિતોને કેન્દ્ર સરકાર મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. કેન્દ્રે અનામત આપવાને લઈને ઓક્ટોબર 2022 માં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કેજી બાલકૃષ્ણ (KG Balakrishnan) ની આગેવાની હેઠળ તપાસ પંચ (Inquiry Commission) ની રચના કરી હતી. હવે કેન્દ્ર સરકારે તપાસ પંચને વધુ એક વર્ષનો સમય આપ્યો છે, એ જાણવા માટે કે ધર્મ પરિવર્તન કરનારા તમામ દલિતોને અનુસૂચિત જાતિ (Scheduled Caste) નો દરજ્જો આપી શકાય કે નહીં.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ વિરોધ કરશે

ધર્મ પરિવર્તન કરનારા દલિતોને મોટો આંચકો લાગી શકે છે. એવા સમાચાર છે કે NCSC (National Commission for Scheduled Castes) એટલે કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ઇસ્લામ (Islam) અને ખ્રિસ્તી (Christianity) ધર્મ અપનાવનારાઓને SCનો દરજ્જો આપવાનો વિરોધ કરશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ધર્માંતરણ કરનારા દલિતોને એસસીનો દરજ્જો આપવાની તપાસ કરી રહેલા તપાસ પંચને વધુ એક વર્ષનો સમયગાળો આપ્યો છે.

કિશોર મકવાણાએ શું કહ્યું?

ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, NCSC ના પ્રમુખ કિશોર મકવાણા (Kishor Makwana) એ કહ્યું કે, અનુચ્છેદ 341 અંતર્ગત બંધારણ (અનુસૂચિત જનજાતિ) ઓર્ડર, 1950 માં કહેવાયું છે કે, હિંદુ, શીખ અથવા બૌદ્ધ સિવાય કોઈ પણ ધર્મનું પાલન કરતી વ્યક્તિ SC સમાજના સભ્ય ગણવામાં આવશે નહીં. રિપોર્ટ અનુસાર, 1950ના રાષ્ટ્રપતિના આદેશમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ, શીખ અને બૌદ્ધ ધર્મના દલિતોને SC સૂચિના સભ્ય ગણી શકાય.

કે જી બાલકૃષ્ણન પંચને વધુ એક વર્ષ અપાયું

કેન્દ્રએ ઓક્ટોબર 2022 માં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કેજી બાલકૃષ્ણની આગેવાનીમાં તપાસ પંચની રચના કરી હતી. હવે કેન્દ્ર સરકારે તપાસ પંચને વધુ એક વર્ષનો સમય આપ્યો છે, જેથી એ જાણી શકાય કે ધર્મ પરિવર્તન કરનારા તમામ દલિતોને એસસીનો દરજ્જો આપી શકાય કે નહીં. 

કમિશનની રચના એ શક્યતાઓ પર વિચાર કરવા માટે કરવામાં આવી હતી કે, ઐતિહાસિક રીતે SC સમુદાયના લોકો, જેમણે હવે તેમનો ધર્મ બદલી નાખ્યો છે, તેમને SC નો દરજ્જો આપી શકાય કે નહીં. તપાસ પંચને 10 ઓક્ટોબર 2024 સુધીમાં રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ધર્માંતરણ કરનારને એસસીનો દરજ્જાથી ધર્માંતરણને પ્રોત્સાહન મળશેઃ કિશોર મકવાણા

મીડિયા સાથે વાત કરતાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોર મકવાણાએ કહ્યું કે અનામત પ્રથા જાતિ આધારિત છે. તેમણે કહ્યું, 'ધર્મ પરિવર્તન કરનારા લોકો હવે હિંદુ નથી, તો બંધારણના અર્થઘટન મુજબ તેમનો અનુસૂચિત જાતિમાં સામેલ થવાનો સવાલ જ ખતમ થઈ જાય છે.' તેમણે કહ્યું કે આ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. ધર્મ પરિવર્તન કરનારા દલિતોને SC નો દરજ્જો આપવાથી ધર્માંતરણને પણ પ્રોત્સાહન મળશે. આ SC સમુદાયના લોકો સાથે મોટો અન્યાય હશે."

રિપોર્ટ અનુસાર, કિશોર મકવાણાએ કહ્યું કે જો ધર્માંતરણ કરનારાઓને એસસીનો દરજ્જો આપવામાં આવશે તો ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો કોઈ અર્થ રહેશે નહીં. તેમણે કહ્યું, 'આ આંબેડકર અને સમગ્ર SC સમુદાય સાથે વિશ્વાસઘાત હશે.' અહેવાલ છે કે ઘણા દલિત જૂથો ધર્મ પરિવર્તન કરનારા દલિતોને એસસીનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: જાણીતા લેખક-વક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂંક


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.