'મારા ખેતરમાં ઢોર કેમ ચરાવો છો?' પૂછતા દલિત મહિલાની હત્યા
જાતિવાદી તત્વોએ દલિત પરિવારના ખેતરમાં તેમના ઢોર ચરવા મૂકવા દીધા હતા. મહિલાએ વિરોધ કર્યો તો તેના ઘરે જઈને લાકડી, દંડા, સળિયાથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી.

હિંદુ ધર્મમાં દિવાળી બાદ શરૂ થતા નવા વર્ષમાં લોકો એકબીજાને મળી નવું વર્ષ સારું નીવડે તેવા શુભેચ્છાઓ પાઠવતા હોય છે. જો કે વાસ્તવિકતા એ છે કે આવી સેંકડો દિવાળીઓ આવીને ગઈ હોવા છતાં દલિતોની સ્થિતિમાં તસુભાર પર ફેર પડતો નથી. આવું એટલા માટે કહેવું પડે કેમ કે, દિવાળી, બેસતા વર્ષ દરમિયાન પણ દેશના અલગ અલગ ખૂણે દલિતો પર અત્યાચારના સમાચારો આવતા રહ્યા છે.
આવી જ એક ઘટનામાં કેટલાક જાતિવાદી તત્વોએ એક દલિત મહિલાના ખેતરમાં તેમના ઢોર ચરાવવા માટે છોડી દીધા હતા. જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો, તો જાતિવાદી તત્વોએ દલિત મહિલાને ખેતરમાં જ માર માર્યો. એટલું જ નહીં, તેનાથી તેમનું મન ન ભરાયું તો ફરી લાકડીઓ, દંડા, સળિયા વગેરે લઈને તેના ઘરે પહોંચી ગયા હતા અને મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં દલિત મહિલાના પુત્રોને પણ ઈજા થઈ છે. આ મામલે હવે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે, આરોપીઓ ફરાર થઈ ગયા છે.
ઢોર ચરાવવાની ના પાડી તો હુમલો કરી દીધો
મામલો મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનનો છે. અહીં ધૌલપુર જિલ્લાના કંચનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુર્રીપુરા ગામમાં ગત મંગળવારે એક દલિત મહિલાના બાજરીના ખેતરમાં માથાભારે જાતિવાદી તત્વોએ તેમના પશુઓ ચરવા મૂકી દીધા હતા. જેનો મહિલાએ વિરોધ કર્યો હતો. જેનાથી ઉશ્કેરાયેલા જાતિવાદી તત્વોએ દલિત મહિલા પર ખેતરમાં જ હુમલો કરી દીધો હતો. એ પછી પણ તેમનું મન ન ભરાયું તો ફરી તેઓ ટોળું રચીને મહિલાના ઘરે પહોંચી ગયા હતા અને તેમને ઘરમાં ઘૂસીને માર માર્યો હતો. જેમાં મહિલાનું મોત થઈ ગયું હતું અને તેમના ત્રણ દીકરા પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક દિવસથી રાજસ્થાનમાં દલિતો પર અત્યાચારની એકથી વધુ ઘટનાઓ ઘટી છે અને તેના વીડિયો પણ વાયરલ થયા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી. જેના કારણે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મામલો શું હતો?
ગત મંગળવારે કુર્રીપુરા ગામના દેવેન્દ્ર (મનુ મીડિયાએ આરોપીઓની જાતિ છુપાવી રાખી હોવાથી તેઓ કઈ જાતિના છે તે ખ્યાલ આવ્યો નથી) અને તેમની જાતિના લોકોએ 60 વર્ષની રામો રામબાબુ જાટવના બાજરાના ખેતરમાં તેમના ઢોર ચરવા છોડી દીધા હતા. જ્યારે રામોબાઈને તેની જાણ થઈ તો તેમણે વિરોધ નોંધાવ્યો. જેનાથી ઉશ્કેરાયેલા દેવેન્દ્ર અને તેના સાગરિતોએ રામોબાઈને લાકડી અને દંડાથી માર માર્યો હતો. આ મારામારી પછી રામોબાઈ તેમના પરિવારના સભ્યોને લઈને પોતાના ઘરે જતા રહ્યા હતા.
જો કે આરોપીઓનો ગુસ્સો હજુ પણ શાંત નહોતો થયો અને તેઓ દલિત પરિવારને પાઠ ભણાવવા માંગતો હતો. આથી બીજા દિવસે બુધવારે દેવેન્દ્ર અને તેની જાતિના 12 જેટલા લોકોનું ટોળું લાકડીઓ અને સળિયા લઈને રામોબાઈના ઘરે પહોંચી ગયા હતા અને તેમના ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં રામોબાઈનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. જ્યારે તેમના પુત્ર અસ્તવીર, તારાચંદ્ર, કિશન અને યોગેશની પત્ની સૂરજવતી ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.
આરોપીઓએ ઘર પર ગોળીબાર કરી ભય ફેલાવ્યો
આરોપીઓએ આટલે પણ અટક્યા નહોતા અને તેમણે રામોબાઈના ઘર પર ગોળીબાર કરીને સમગ્ર દલિતવાસમાં ભય ફેલાવ્યો હતો. ઘટના અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ શૈતાન સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહને કબજામાં લીધો હતો. જ્યારે ઘાયલોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે રામોબાઈના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો હતો.
આ ઘટનાને પગલે દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ સ્ટેશનના પ્રભારી શૈતાન સિંહે કહ્યું કે તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે. પરિવારજનોની હાજરીમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પરિવારજનોએ ગામના માથાભારે તત્વો પર હત્યાનો આરોપ લગાવી નામજોગ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
પોલીસ પહોંચે તે પહેલા આરોપી ફરાર
મોટાભાગના દલિત અત્યાચારોના કેસોમાં બને છે તેમ આ ઘટનામાં પણ પોલીસ કેસ નોંધાતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કંચનપુર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ પોલીસ આવી રહી હોવાની જાણ થતા જ હુમલાખોરો ગામ છોડીને ભાગી ગયા હતા. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે પોલીસની ટીમ આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે અને આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો: કૂતરાથી બચવા ભાગી રહેલા દલિત યુવકને સવર્ણોએ ચોર સમજી બાંધીને માર્યો