આભડછેટનું વરવું સ્વરૂપઃ દલિતોએ વાળ કપાવવા 25 કિ.મી. દૂર જવું પડે છે
આઝાદીના 75 વર્ષ પછી પણ દેશના અનેક ગામોમાં વાળંદો દલિતોના વાળ નથી કાપતા. આ મામલે હવે પડોશી રાજ્યમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પેદા થઈ છે.

જાતિવાદનું ઝેર આઝાદીના 75 વર્ષ પછી પણ દૂર થવાને બદલે વધુ ફેલાઈ રહ્યું છે. તેના અનેક ઉદાહરણો જોવા મળે છે. ગુજરાતના સેંકડો ગામોમાં આજેય આ જ સ્થિતિ પ્રવર્તે છે. પણ અહીં વાત પડોશી રાજ્યની છે. જ્યાં છેલ્લાં કેટલાક દિવસોથી દલિતોના વાળ ન કાપવાનો મુદ્દો ચગ્યો છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે, ખુદ માનવ અધિકાર વિભાગના આઈજીએ પત્ર લખીને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને એસસી-એસટી એક્ટ હેઠળ કાર્યવાહી કરીને કડકાઈથી પાલન કરવાનો આદેશ આપ્યો છે.
મામલો રાજસ્થાનના સિરોહી જિલ્લાનો છે. 29 મે, 2024 ના રોજ અહીં માનવ અધિકાર આઈજી કિશન સહાયે જિલ્લાના એસપીને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે કહ્યું છે કે, અમારા ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક વાળંદની દુકાનોમાં વાલ્મિકી, ભીલ અને મેઘવાળ સમાજના લોકોના વાળ કાપવામાં આવતા નથી. આ ભેદભાવ ચલાવી લેવામાં નહીં આવે, તે માનવ અધિકારના ભંગની શ્રેણીમાં આવે છે. આથી તમારા આધીન તમામ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારોમાં દરેક બીટ હેઠળ આવતા ગામોમાં આ મામલે તપાસ કરાવવામાં આવે.
આવા જ એક ભેદભાવનો ભોગ બનેલા એક વિદ્યાર્થી મુકેશે જણાવ્યું હતું કે, હું કાયદાનો અભ્યાસ કરું છું. મારા મામાનું ઘર રેવદાર તાલુકાના ભટાણા ગામમાં છે. ત્રણેક મહિના પહેલા અહીં મારો નાનો ભાઈ ગામની દુકાને વાળ કપાવવા ગયો હતો. પણ તેણે વાળ કાપવાની ના પાડી દીધી હતી. મને આ વાતની જાણકારી મળી તો હું પણ દુકાને ગયો. તો વાળંદે મને પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમે તમારી જાતિના લોકોના વાળ નથી કાપતા. જ્યારે મેં તેનો વિરોધ કર્યો તો તેણે મને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. હું આ મામલે નજીકની પોલીસ ચોકીમાં ગયો અને મૌખિક ફરિયાદ કરી. એ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી તો દુકાનદારે અગત્યનું કામ આવી ગયું હોવાનું બહાનું કાઢીને દુકાન બંધ કરાવી દીધી હતી. હું બીજા દિવસે ફરી ગયો તો ફરી તેમણે એવું જ વર્તન કર્યું. આવું પહેલીવાર નથી બન્યું કે વાળંદોએ અહીં દલિતોના વાળ ન કાપતા હોય. અગાઉ મારા પૈતૃક ઘર પાસેના વાળંદો પણ ચાર-પાંચ વર્ષ સુધી આવું કરતા હતા. પણ પછી લોકોએ ધરણાં કર્યા અને બાદમાં મામલો થાળે પડી ગયો.
મુકેશ કહે છે કે સિરોહીમાં આવા કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ભટાણા ઉપરાંત દત્તાણી ગામમાં પણ દુકાનદારો અમારી સોસાયટીના લોકોના વાળ કાપવાની ના પાડી રહ્યા છે. ત્યાં રહેતા એક મિત્રએ જણાવ્યું કે દલિત સમુદાયના લોકોને વાળ કપાવવા માટે 25 કિમી દૂર જવું પડે છે. જેના કારણે અમને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ગયા વર્ષે પણ આઈજીએ પત્ર લખ્યો હતો
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના આ વિસ્તારોમાં વાળંદો દલિતોના વાળ ન કાપતા હોવાની સમસ્યા આજકાલની નથી. વર્ષોથી આવું ચાલી રહ્યું છે અને છતાં તેમાં કોઈ સુધારો નથી આવતો. ગયા વર્ષે 10 માર્ચ, 2023ના રોજ પણ માનવ અધિકાર વિભાગના આઈજી કિશન સહાયે રાજસ્થાનના તમામ પોલીસ અધિક્ષકો અને નાયબ પોલીસ કમિશનરોને પત્ર લખ્યો હતો અને દલિત સમાજના લોકોના વાળ ન કાપનારા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જો કે, એ પછી પણ સ્થિતિમાં બહુ ફકર નથી પડ્યો.
આ પણ વાંચો: દલિતોના વાળ ન કાપવા સામે એક અવાજ ઉઠ્યો અને ઈતિહાસ સર્જાયો!