હાઈ ટેન્શન તાર સાથે DJ અથડાતા 9 દલિત કાવડિયાના મોત, 6 ઘાયલ

બિહારના હાજીપુરમાં હાઈ ટેન્શન તાર સાથે ડીજે અડી જતા 9 દલિત કાવડિયાના મોત થયા છે, જ્યારે 6 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વાંચો વિસ્તૃત રિપોર્ટ.

હાઈ ટેન્શન તાર સાથે DJ અથડાતા 9 દલિત કાવડિયાના મોત, 6 ઘાયલ

ઉત્તર ભારતમાં હિંદુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને દૂર દૂરથી કાવડિયાઓ જળ ભરીને શિવજીને ચડાવવા રસ્તા પર નીકળી પડ્યાં છે ત્યારે દલિત સમાજના કાવડિયાઓના એક ગ્રુપને મોટો અકસ્માત નડ્યો છે. જેમાં ડીજે વાહન હાઈ ટેન્શન વાયરને અથડાતા જોરદાર કરંટ લાગ્યો હતો અને 9 કાવડિયાના મોત થઈ ગયા હતા. આ સિવાય 6 ને ગંભીર થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટના બિહારના હાજીપુરની છે, જે લોક જનશક્તિ પાર્ટીના દિગ્ગજ નેતા રામવિલાસ પાસવાનનો મત વિસ્તાર રહ્યો છે. મૃતક કાવડિયાઓ પણ પાસવાન જાતિના છે. 

અહીં ગઈકાલે રાત્રે કેટલાક દલિત કાવડિયાઓ સુલતાનપુર ગામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાબા ચુહરમલ વિસ્તારના જંધા રોડ પર કાવડિયાઓનું ડીજે વાહન ઉપરથી પસાર થતા હાઇ ટેન્શન વાયર સાથે અથડાયું હતું. જેના કારણે વાહનમાં વીજ કરંટ લાગતા 9 કાવડીયાઓના મોત થઈ ગયા હતા. આ સિવાય અડધો ડઝન કાવડિયાની ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

કાવડીઓને વીજ કરંટ લાગતાં સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આ તમામ કાવડિયાઓએ બાબા હરિહરનાથ મંદિરમાં ભગવાન ભોલેનાથને જલાભિષેક કરવા જઈ રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ સ્ટેશનની ટીમ અને એસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મૃતકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એસડીએમ-એસડીપીઓ પણ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરાવી હતી.

આ પણ વાંચો: શા માટે ધર્મસ્થળો માણસોથી ઉભરાય છે? આ રહ્યો તર્કબદ્ધ જવાબ

અકસ્માતના સમાચાર ફેલાતા જ આ વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી ઘાયલ કાવડિયાઓને હોસ્પિટલે પહોંચાડ્યા હતા. લોકોનો આક્ષેપ છે કે વીજ વિભાગની બેદરકારીના કારણે આ અકસ્માત થયો છે. કાવડિયાનું ડીજે વાહન હાઈ ટેન્શન તારની પકડમાં આવી ગયું હતું. 

આ અંગેની જાણ કરવા એક સ્થાનિકે વીજ વિભાગને ફોન કર્યો હતો પણ કોઈએ ઉપાડવાની તસ્દી લીધી નહોતી. સ્થાનિકોનું કહેવું છે કે, વીજ કરંટ લાગ્યો હોવાથી હાઈ ટેન્શન વાયરમાં વીજ પ્રવાહ બંધ કરવા માટે વીજ કંપનીને ફોન કર્યો હતો પણ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો. જેના કારણે તેની ઝપટમાં આવનાર તમામ કાવડિયાઓના મોત થયા હતા. ડીજે વાહનમાં કરંટ દોડતો હોવાથી કોઈ મદદ કરી શક્યું નહોતું.

બીજી તરફ વીજકર્મીઓએ કહ્યું કે તેમણે પહેલા પોલીસને અકસ્માતની જાણ કરવી જોઈએ. પોલીસ કહે, તો અમે વીજ કનેક્શન અટકાવી દઈશું. પોલીસનું આવું વલણ જોઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. એસડીપીઓ ઓમપ્રકાશે જણાવ્યું હતું કે લોખંડનું વાહન ૧૧ હજાર વોલ્ટના વાયર સાથે સંપર્કમાં આવવાને કારણે આ દુર્ઘટના બની હતી.

મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માતમાં માર્યા ગયેલા કાવડિયાઓ એક જ ગામના રહેવાસી હતા અને તમામ અનુસૂચિત જાતિના હતા. તેમની ઓળખ અમરેશ કુમાર, રવિ પાસવાન, રાજા કુમાર લાલા દાસ, નવીન પાસવાન, કાલુ કુમાર પાસવાન, આશી કુમાર પાસવાન, અશોક કુમાર પાસવાન, ચંદન કુમાર પાસવાન અને અમોદ પાસવાન તરીકે થઈ છે. આ સિવાય 6 ઘાયલોને હાજીપુરની સદર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાના રૂટ પર નેમપ્લેટનો વિવાદ વધુ વકર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Harishkumar
    Harishkumar
    Mujhe yah Sarkar se anurodh hai ki jaati mat likho koi bhi news hai to jaati likhna jaruri hai kya
    12 months ago