ગાંધીનગરમાં ભાજપના નેતા નકલી SC સર્ટિફિકેટ પર કોર્પોરેટર બની ગયા?
ગાંધીનગરમાં ભાજપના એક નેતા નકલી એસટી સર્ટિફિકેટના આધારે કોર્પોરેટર બની ગયાના આક્ષેપો લાગતા હોબાળો મચી ગયો છે.
ગાંધીનગર નગરપાલિકાનાં વોર્ડ નંબર 3 ની બેઠકના ભાજપના કોર્પોરેટર નકલી એસટી સર્ટિફિકેટના આધારે કોર્પોરેટર બની ગયા હોવાનો આક્ષેપ લાગતા હોબાળો મચી ગયો છે.
ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગાંધીનગર મહાપાલિકાનાં વોર્ડ નંબર 3 (સેક્ટર ૨૪,૨૭,૨૮)ની અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત બેઠક પર ચૂંટાયેલા કોર્પોરેટરની ચૂંટણીને લઈ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.
તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાપાલિકાના વોર્ડ નં. 3 ની બેઠકનાં ભાજપ તરફી ઉમેદવાર અનુસૂચિત જનજાતિનાં ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને ચૂંટણી જીત્યા હતા. આ મામલે યોગ્ય તપાસ અને મેન્ડેટ આપનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાપાલિકાનાં વોર્ડ નંબર 3 ની બેઠક અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. આ બેઠક પર ભાજપનાં ઉમેદવાર ભરત ગોહિલ જે રાજસ્થાની છે અને વર્ષ 2016 માં તેમણે ગુજરાતમાંથી અનુસૂચિત જનજાતિ માટેનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. તેની સાથે અન્ય ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને મહાપાલિકાની વોર્ડ નં. 3 ની ચૂંટણીમાં જીત્યા હતા. જો કે, જે તે સમયે કોંગ્રેસનાં ઉમેદવાર મેહુલ ગામિત દ્વારા આ ચૂંટણીનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો: ગીર સોમનાથના DDO બોગસ વિકલાંગતા પ્રમાણપત્ર પર IAS બન્યાં?
તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2018 માં સરકારે એક કાયદો બહાર પાડ્યો હતો. ચૂંટણીમાં રજૂ કરાયેલા પ્રમાણપત્રની ચકાસણી કરવાનું કામ સરકારનાં વિભાગનું છે. કલેક્ટર ગાંધીનગર અને રાજ્ય ચૂંટણી પંચની આ જવાબદારી હોય છે.
ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારને માહિતી ન આપવા માટે ઘણા કાવાદાવા કરવામાં આવ્યા હતા. જેથી નકલી અનુસૂચિત જનજાતિનાં પ્રમાણપત્ર સાથે ભાજપનાં ભરત ગોહિલ કોર્પોરેટર બન્યા હતા. સરકારનાં દબાણ હેઠળ કમિટીએ તમામ રિપોર્ટ તૈયાર કર્યા છે. પરંતુ, આ રિપોર્ટની જાહેરાત કરવામાં આવતી નથી.
મનીષ દોશીએ સવાલ કર્યા છે કે, તંત્ર દ્વારા કોંગ્રેસનાં ઉમેદવારને કેમ માહિતીઓ આપવામાં આવતી નથી? ગાંધીનગર મહાપાલિકાના વોર્ડ નં. ૩ ના ભાજપના ઉમેદવારના અનુસૂચિત જનજાતિના જાતિના પ્રમાણપત્રની ખરાઈ અંગેના અહેવાલને તાત્કાલિક જાહેર કરવામાં આવે અને ખોટા પુરાવાથી સરકારી લાભો મેળવ્યા હોય તેની સામે કાર્યવાહી થાય. તેમજ ભરત ગોહિલને મેન્ડેટ આપનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગણી છે.
ઉલ્લેખનીય છે કે, આ જ પ્રકારના આરોપો અગાઉ અન્ય નેતાઓ પર પણ લાગી ચૂક્યા છે જેમાં તેમના અનુસૂચિત જાતિ કે જનજાતિના ખોટા સર્ટિફિકેટ મેળવીને ચૂંટણી જીતી મંત્રી સુદ્ધાં બની ગયા હોય. જો કે બહુ ઓછાં કેસોમાં આ આરોપો સાબિત થઈ શક્યા છે.
આ પણ વાંચો: નકલી દલિત - નકલી આદિવાસી બની SC-ST ની નોકરીઓ કોણ ખાય છે?