"સાડી ઉતાર અને શોર્ટ્સ પહેરી લે..." દલિત મહિલાના પોલીસ પર આરોપ

પોલીસે એક દલિત મહિલાને એક કેસમાં પોલીસ સ્ટેશન બોલાવ્યા બાદ તેની સાથે ખરાબ વર્તન કર્યું, તેને સાડી પહેરી શોર્ટ્સ પહેરવા કહી પુત્રની હાજરીમાં માર માર્યો હતો.

"સાડી ઉતાર અને શોર્ટ્સ પહેરી લે..." દલિત મહિલાના પોલીસ પર આરોપ
image credit - Google images

અનુસૂચિત જાતિ સમાજની અનામતને લઈને હાલ મોટા જંગના એંધાણ વર્તાઈ રહ્યાં છે ત્યાં દેશમાં તેમના પર અત્યાચાર બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. એક ઘટનામાં પોલીસે દલિત મહિલાને પોલીસ સ્ટેશને બોલાવ્યા બાદ તેને સાડી ઉતારીને શોર્ટ્સ પહેરવા માટે મજબૂર કરી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. મહિલાના જણાવ્યા પ્રમાણે પોલીસે તેને તેના દીકરા સામે જ માર માર્યો હતો અને તેના હાથપગ બાંધી દીધા હતા.

ઘટના કોંગ્રેસ શાસિત તેલંગાણાની છે, જ્યાંની રેવંત રેડ્ડી સરકારે હાલમાં જ એસસી, એસટી અનામતમાં ભાગલા પાડવાના સુપ્રીમ કોર્ટના ચૂકાદાને સૌથી પહેલા પોતાના રાજ્યમાં લાગુ કરવાનું જાહેર કર્યું છે.

અહીંના શાદનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક દલિત મહિલાએ પોલીસકર્મીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાનું કહેવું છે કે, પોલીસે તેની સાથે પોલીસ સ્ટેશનમાં જ મારપીટ કરી હતી, એટલું જ નહીં તેને સાડી ઉતારીને શોર્ટ્સ પહેરવા માટે મજબૂર કરવામાં આવી હતી. પોલીસ આટલેથી જ અટકી નહોતી, તેણે મહિલાના હાથપગ બાંધી દઈને તેના દીકરા સામે જ તેને માર માર્યો હતો.

આ પણ વાંચો: જાહેર પાણીની પરબ પરથી પાણી પીધું તો જાતિવાદીઓએ દલિત યુવકને માર્યો

મહિલાના આરોપો બાદ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે અને શાદનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જની પણ આ મામલામાં સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, દલિત મહિલા પર સોનાની ચોરીનો કોઈએ આક્ષેપ કર્યો હતો અને તેના કારણે પોલીસે તેને બોલાવી હતી. મહિલાનો આરોપ છે કે, તેના સગીર દીકરાની સામે જ તેને મારવામાં આવી. એ પહેલા તેના પતિને પણ પોલીસ સ્ટેશન બોલાવીને માર મારવામાં આવ્યા બાદ છોડી દેવામાં આવ્યો હતો.

મહિલાએ દાવો કર્યો હતો કે, પોલીસે તેને સાડી કઢાવીને શોર્ટ્સ પહેરવા માટે મજબૂર કરી હતી. એટલું જ નહીં પોલીસકર્મીઓએ તેના હાથપગ બાંધીને તેના સગીર વયના દીકરા સામે માર માર્યો હતો.

દલિત મહિલાના આરોપ સામે પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, શાદનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને આ મામલાની તપાસ ચાલે ત્યાં સુધી લાઈન અટેચ કરી દેવામાં આવ્યા છે. બનાવ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શાદનગરના સહાયક પોલીસ આયુક્ત આ મામલાની તપાસ કરી રહ્યાં છે. તેમનો તપાસ રિપોર્ટ આવી જાય તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: દલિત દંપતિ પોલીસ સાથે વાવણી કરવા ગયું, જાતિવાદીઓએ બધાંને માર્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.