ભાજપ-RSS શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપે છે: ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને આરએસએસ પર સમગ્ર એજ્યુકેશન સિસ્ટમ પર નિયંત્રણ મેળવી શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને આરએસએસ પર સમગ્ર દેશની એજ્યુકેશન સિસ્ટમ પર નિયંત્રણ મેળવીને તેને શિક્ષણ માફિયાઓના હવાલે કરી દેવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે નીટ યુજી પ્રવેશ પરીક્ષાને લઈને પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ખડગેએ દાવો કર્યો હતો કે ભાજપ-આરએસએસે શિક્ષણ પ્રણાલી પર અંકુશ લગાવીને શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપ્યું છે. ખડગેએ સોશિયલ મીડિયા સાઇટ એકસ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, “મોદી સરકારે માનનીય સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે નીટ યુજીમાં કોઈ પેપર લીક થયું નથી. લાખો યુવાનોને આ સફેદ જૂઠાણું કહેવામાં આવી રહ્યું છે. તેમનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે.”
ખડગેએ કેન્દ્રની ટીકા કરી દાવો કર્યો કે ભાજપ-આરએસએસે સમગ્ર એજ્યુકેશન સિસ્ટમ પર કંટ્રોલ મેળવી લઈને શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપ્યું છે. આ સાથે ખડગેએ નીટ યુજીની પુનઃપરીક્ષાની માંગનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
આ પણ વાંચો: મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?
તેમણે કહ્યું કે, શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે કેટલીક જગ્યાએ જ ગેરરીતિઓ થઈ છે. આ બાબત વધુ ગૂંચવણમાં મૂકે તેવી છે. નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર આપણી શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરવા તત્પર છે.
કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે અમે અમારી માંગને પુનરાવર્તિત કરીએ છીએ કે નીટ યુજીની પરીક્ષા ફરીથી યોજાવી જોઈએ અને તે પારદર્શક રીતે ઓનલાઈન થવી જોઈએ. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તમામ પેપર લીક કૌભાંડોની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નીટ યુજી પરીક્ષામાં પેપર લીક થવાની ઘટના સામે આવી હતી. આ કેસમાં તપાસ ચાલી રહી છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં આ પરીક્ષા રદ કરવાની સતત માંગ ઉઠી હતી. પરંતુ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પરીક્ષા રદ કરવામાં આવશે નહીં. જો કે, બાળકોના ભવિષ્યનું ધ્યાન રાખવામાં આવશે અને ભારત સરકાર એ સુનિશ્ચિત કરશે કે કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય. તેમણે વધુમાં કહ્યું હતું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં સુધારાની જરૂર છે. આવી ઘટનાઓમાં સંડોવાયેલા એનટીએ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: મલ્લિકાર્જુન ખડગેની વ્યૂહરચનાએ કૉંગ્રેસનું નસીબ બદલ્યું!