બસપા પ્રદેશ અધ્યક્ષની હત્યા આઘાતજનક અને દુઃખદ: એમ.કે. સ્ટાલિન

તમિલનાડુમાં બીએસપી અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની અજાણ્યા હુમલાખોરોએ ઘાતકી હત્યા કરી નાખી છે ત્યારે સીએમ સ્ટાલિનને પ્રતિક્રિયા આપી છે.

બસપા પ્રદેશ અધ્યક્ષની હત્યા આઘાતજનક અને દુઃખદ: એમ.કે. સ્ટાલિન
image credit - Google images

તમિલનાડુમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની ઝોમેટો કંપનીનું ટિશર્ટ પહેરીને આવેલા અજાણ્યા શખ્સોએ તેમના ઘરે જ તલવારો સહિતના ઘાતક હથિયારોથી હત્યા કરી નાખતા તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યાં છે. ત્યારે હવે આ મામલે તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિને પ્રતિક્રિયા આપી છે.  સ્ટાલિને આર્મસ્ટ્રોંગની હત્યાને આઘાતજનક અને અત્યંત દુ:ખદ ગણાવીને ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

બીજી તરફ આર્મસ્ટ્રોંગની હત્યા બાદ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બસપાએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. ગઈકાલે આર્મસ્ટ્રોંગની તેમના ઘરની બહાર નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી હતી. જ્યારે તેઓ તેમના ઘરની સામે પાર્ટીના કાર્યકરો સાથે બેઠાં હતા ત્યારે બે બાઇક પર છ લોકો સવાર થઈને આવ્યા હતા અને આર્મસ્ટ્રોંગ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા બસપાના કાર્યકરોએ ચેન્નાઈમાં રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલની બહાર રોડ બ્લોક કરી દીધો હતો. પોલીસે વિરોધ કરી રહેલા બસપાના કાર્યકરોની અટકાયત કરી હતી. આ મામલે સીબીઆઇ તપાસની માગણી સાથે હોસ્પિટલની બહાર ચાલી રહેલા વિરોધને કારણે પૂનમલી હાઈ રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

આર્મસ્ટ્રોંગની હત્યાને અંગે સીએમ સ્ટાલિને કહ્યું હતું કે, "બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની હત્યા આઘાતજનક અને અત્યંત દુઃખદ છે. પોલીસે હત્યામાં સંડોવાયેલા આરોપીઓની રાતોરાત ધરપકડ કરી લીધી છે. હું આર્મસ્ટ્રોંગના પક્ષ, પરિવાર, સંબંધીઓ અને મિત્રો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. પોલીસ અધિકારીઓ ગુનેગારોને કાયદા મુજબ સજા અપાવશે."

આ પણ વાંચો: દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આર્મસ્ટ્રોંગની હત્યા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શોક વ્યક્ત કરતા કહ્યું, બસપા તમિલનાડુના પ્રમુખ કે. આર્મસ્ટ્રોંગની ઘાતકી હત્યાથી ઊંડો આઘાત લાગ્યો છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના છે. તમિલનાડુમાં કોંગ્રેસના નેતાઓ રાજ્ય સરકારના સતત સંપર્કમાં છે. મને ખાતરી છે કે સરકાર સુનિશ્ચિત કરશે કે મૃતકના પરિવારને ઝડપથી ન્યાય મળે."

આ ઘટના પર કેન્દ્રીય મંત્રી એલ મુરુગને કહ્યું કે તમિલનાડુમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે એક રાષ્ટ્રીય પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની હત્યા થઈ ગઈ છે. તેમણે વધુમાં કહ્યું, "ડીએમકે સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. દસ દિવસ પહેલા અહીં ઝેરી દારૂ પીવાથી ૭૦ લોકોના મોત થયા હતા. આ રાજ્ય ક્યાં જઈ રહ્યું છે?”

બીજેપી નેતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, "તામિલનાડુમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાથમાંથી નીકળી ગઈ છે. આ માટે એમકે સ્ટાલિન જવાબદાર છે. જ્યારે છ લોકોએ સાંજે સાત વાગ્યે બસપા નેતા કે. આર્મસ્ટ્રોંગની હત્યા કરી નાખી, તો અહીં બીજું કોણ સુરક્ષિત છે?"

ઉલ્લેખનીય છે કે, કે. આર્મસ્ટ્રોંગે વેંકટેશ્વર યુનિવર્સિટી, તિરુપતિમાંથી કાયદાની ડિગ્રી લીધી અને ચેન્નાઈ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી હતી. તેઓ વર્ષ ૨૦૦૬માં મ્યુનિસિપલ કાઉન્સિલરની ચૂંટણી જીત્યા અને તે જ વર્ષે તેમને તમિલનાડુ બીએસપીના વડા બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૧ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં આર્મસ્ટ્રોંગ કોલાથુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્રી છે. આર્મસ્ટ્રોંગ દલિતો અને વંચિતોના અધિકારોના સમર્થક હતા અને તેના વિશે ખૂબ અવાજ ઉઠાવતા હતા. ચેન્નાઈમાં બસપાનો ટેકો ખાસ નથી, પરંતુ કે આર્મસ્ટ્રોંગ દલિત વર્ગના રાજકારણમાં જાણીતું નામ હતું.

આ પણ વાંચો: તમિલનાડુમાં BSP અધ્યક્ષની ઘરમાં ઘૂસીને 6 લોકોએ હત્યા કરી 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.