મધ્યપ્રદેશ સરકારે SC-ST ના હકના કરોડો રૂપિયા ગાયો માટે ફાળવી દીધાં

મધ્યપ્રદેશની મોહન યાદવે સરકારે રાજ્યના દલિતો અને આદિવાસીઓના હકના કરોડો રૂપિયા ગાયોના કલ્યાણ માટે ફાળવીને એસસી, એસટી સમાજ સાથે મોટી છેતરપિંડી આચરી છે.

મધ્યપ્રદેશ સરકારે SC-ST ના હકના કરોડો રૂપિયા ગાયો માટે ફાળવી દીધાં
image credit - Google images

મધ્યપ્રદેશની ડો. મોહન યાદવ સરકારે 'ગાય માતા'ના કલ્યાણ માટે 252 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. 'હિન્દુસ્તાન ટાઈમ્સ'ના એક રિપોર્ટ મુજબ તેને 'ગાય અને અન્ય પશુ સંવર્ધન યોજના' નામ આપવામાં આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, આ યોજના પાછળ જે રકમ ખર્ચવામાં આવનાર છે તેમાંની લગભગ 40 ટકા એટલે કે રૂ. 95.76 કરોડની રકમ કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ (SC-ST)ના કલ્યાણ અને સશક્તિકરણ માટે મળેલા ભંડોળમાંથી ફાળવી દેવામાં આવી છે. જે સ્પષ્ટ કરે છે કે ભાજપ સરકારની પહેલી પ્રાથમિકતા એસસી-એસટી સમાજના લોકોની ગરીબી અને દુઃખ દૂર કરવાને બદલે ગાય માતા છે. 

આ યોજના અંતર્ગત મોહન યાદવ સરકારે એસસી-એસટીના અધિકારોના પૈસા હડપવાની સાથે ગાય માતાના કલ્યાણ માટેનો ખર્ચ પણ વધારી દીધો છે. ગત વર્ષે આ માટે 90 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું હતું. પણ આ વર્ષના બજેટમાં સરકારે તેને વધારીને 252 કરોડ રૂપિયા કરી દીધું છે. આ વધેલા બજેટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ વિશેષ પેટા-યોજના હેઠળ ફાળવવામાં આવેલા નાણાંમાંથી રૂ. 95.76 કરોડ હડપી લીધાં છે.  સ્પષ્ટ છે કે દલિતો અને આદિવાસીઓના કલ્યાણની તુલનામાં ગાય માતાનું કલ્યાણ મોહન યાદવની સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. એમાં આમ જોઈએ તો કોઈ આશ્ચર્ય ન હોવું જોઈએ, કેમ કે આરએસએસની જે પાઠશાળામાં તેઓ મોટા થયા છે તેમાં દલિતો, આદિવાસીઓની સરખામણીએ ગાયને પ્રાથમિકતા અપાઈ છે.

ગાય માતા માટે દલિતો અને આદિવાસીઓના માત્ર 95.76 કરોડ રૂપિયા જ નથી છીનવાયા પરંતુ હિંદુ મંદિરો અને મ્યુઝિયમ બનાવવા માટે તેમના અધિકારોનો બીજો મોટો હિસ્સો પણ છીનવી લેવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, 6 ધાર્મિક સ્થળોના વિકાસ માટે પણ દલિતો અને આદિવાસીઓના બજેટના નાણાં ફાળવી દેવાયા છે. જેમાં અટલ બિહારી વાજપેયીના નામે ગ્વાલિયરમાં બનનારા સ્મારક માટે પણ એસસી-એસટી પેટા-યોજના હેઠળ ફાળવવામાં આવેલા નાણાંની ફાળવણી કરી દેવામાં આવી છે. આ માટે 109 કરોડ રૂપિયા ખર્ચવાની યોજના છે અને તેનો મોટો હિસ્સો દલિતો અને આદિવાસીઓના હકનો છે.

આ પણ વાંચો: 44 હજાર દલિત-આદિવાસીઓના હકના 1140 કરોડ ક્યાં ખવાઈ ગયા?

જરા વિચારો, જે પૈસા ગાયો પાછળ ખર્ચવામાં આવે છે, જો તે દલિતો અને આદિવાસીઓ માટે જમીન ખરીદવામાં, તેમના માટે નાના ઉદ્યોગો સ્થાપવામાં અને તેમના બાળકો માટે સારી સ્કૂલો અને હોસ્ટેલો બનાવવામાં ખર્ચવામાં આવે તો શું થયું હોત? આ માત્ર કલ્પના નથી. તેલંગાણાની બીઆરએસની સરકારે પોતાના રાજ્યમાં આવું કર્યું હતું. તેણે દલિતો અને આદિવાસીઓ માટે ફાળવવામાં આવેલા આ વિશેષ નાણાંનો ઉપયોગ ભૂમિહીન દલિતો માટે ખેતીલાયક જમીન ખરીદી તેમને એ જમીન ફાળવવા માટે કર્યો હતો. એટલું જ નહીં, બાકીની રકમ આ યોજના હેઠળ ખરીદાયેલી જમીન પર દલિત, આદિવાસી ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા પાછળ વાપરવામાં આવ્યા હતા. દલિતો અને આદિવાસીઓના હકના રૂ. 95.76 કરોડ, જે મધ્યપ્રદેશની સરકારે ગાય માતા પાછળ ખર્ચવાનું નક્કી કર્યું છે, તે પૈસાથી હજારો ભૂમિહીન દલિતો-આદિવાસીઓએ ખેતીના માલિક ખેડૂતમાં પરિવર્તિત થઈ શક્યા હોત.

મોહન યાદવની આગેવાની હેઠળની મધ્યપ્રદેશની ભાજપ સરકારે ગાય અને મંદિરો પાછળ 361 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. આ નાણાંનો મોટો હિસ્સો દલિત-આદિવાસી સમાજના આર્થિક, શૈક્ષણિક, સામાજિક કલ્યાણ અને સશક્તિકરણ માટે ખર્ચવાનો હતો, જે હવે ગાય અને મંદિર માટે ખર્ચવામાં આવશે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દલિતો અને આદિવાસીઓ માટે વિશેષ પેટા યોજનાઓની જોગવાઈઓ કરે છે. જે અનુસૂચિત જાતિ વિશેષ સબપ્લાન (SC સબપ્લાન) અને અનુસૂચિત જનજાતિ વિશેષ સબપ્લાન (આદિજાતિ સબપ્લાન) તરીકે ઓળખાય છે. આ બે વિશેષ પેટા યોજનાઓ અનુક્રમે 1979-80 અને 1974માં બનાવવામાં આવી હતી. તે બંધારણની કલમ 46 ની જોગવાઈઓ હેઠળ બનાવવામાં આવી છે, જે નબળા વર્ગોના આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણ માટે વિશેષ જોગવાઈઓ પ્રદાન કરે છે. પરંતુ હવે તેના સ્વરૂપમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. પરંતુ મધ્યપ્રદેશની સરકારે આ યોજનાઓ હેઠળ કેન્દ્ર પાસેથી મળેલા 95.76 કરોડ રૂપિયા ગાય માતાને આપી દીધાં છે. 

એસસી, એસટી વિશેષ પેટા-યોજનાનો ઉદ્દેશ્ય માત્ર દલિતો-આદિવાસીઓનું સશક્તિકરણ કરવાનો જ નહોતો, તેનો બીજો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી-દલિતો અને સમાજના અન્ય વર્ગો વચ્ચેની અસમાનતાની ખાઈને ઘટાડવાનો હતો.

આ પણ વાંચો: કુછ બોલતા હું તો કહેતે હૈ નક્સલી, હક માંગતા હું તો કહેતે હૈ નક્સલી

જો આ નાણાં આ બંને સમાજ પર ખર્ચવામાં આવ્યા હોત તો તેઓ આર્થિક અને શૈક્ષણિક રીતે સશક્ત બની શક્યા હોત. પરિણામે, તેઓ સામાજિક-રાજકીય રીતે પણ શક્તિશાળી બનત અને તેના  અંતિમ પરિણામ મુજબ સમાજ પર ઉચ્ચ જ્ઞાતિઓ અને અન્ય શાસક જાતિઓનું વર્ચસ્વ તૂટી જાત, જે વર્ણ-જાતિ આધારિત વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણવાદને નબળી પાડત. 

પરંતુ અહીં તો ઉલટું, દલિતો-આદિવાસીઓના હકના પૈસા તેમની પાસેથી છીનવીને ગાય અને મંદિરો પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે. ગાય અને મંદિરને પ્રાથમિકતા આપવાનો સીધો મતલબ હિન્દુત્વની વિચારધારા અને હિંદુત્વની રાજનીતિને મજબૂત કરવી, વર્ણ-જાતિ આધારિત વ્યવસ્થાને મજબૂત કરવી, દલિતો અને આદિવાસીઓ પર ઉચ્ચ જાતિઓ અને અન્ય શાસક જાતિઓના વર્ચસ્વને મજબૂત કરવી એવો થાય. ટૂંકમાં, બધું મળીને એકંદરે  બ્રાહ્મણવાદનું મજબૂતીકરણ કરે. આમ જે પૈસો બ્રાહ્મણવાદને નબળો પાડવા માટે ફાળવાયો હતો તેનો ઉપયોગ બ્રાહ્મણવાદને મજબૂત કરવા માટે થઈ રહ્યો છે.

જો કે, આરએસએસના સ્વયંસેવક અને ભાજપના મુખ્યમંત્રી મોહન યાદવ પાસેથી વધુ શું અપેક્ષા રાખી શકાય? ડૉ. મોહન યાદવ જેવા નેતાઓને ભાજપ SC-ST અને OBC સમાજને પ્રતિનિધિત્વ આપવાના બહાને પસંદ કરે છે. અને આગળ જતા તેમનો ઉપયોગ તેમના જ સમાજના હકો પર તરાપ મારવા માટે કરે છે. મધ્યપ્રદેશના મોહન યાદવ તેનું સૌથી મોટું ઉદાહરણ છે.

આ પણ વાંચો: દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?



Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.