કુછ બોલતા હું તો કહેતે હૈ નક્સલી, હક માંગતા હું તો કહેતે હૈ નક્સલી

‘નકસલી’ શબ્દ આવતાની સાથે જ આપણા મનમાં દેશવિરોધી ચિત્ર ઉપસી આવે છે, પણ આ શબ્દ સાથે જોડાયેલું આ ગીત કંઈક જુદી જ વાત કરે છે.

કુછ બોલતા હું તો કહેતે હૈ નક્સલી, હક માંગતા હું તો કહેતે હૈ નક્સલી

કુછ બોલતા હૂં તો કહતે હેં નક્સલી
હક માંગતા હૂં તો કહતે હેં નક્સલી
સાંસ લેતા હૂં તો કહતે હેં નક્સલી
જાન લેકર કે કહતે હેં યે નક્સલી

આ લાઈનો કોઈ આંદોલન કે વિરોધ પ્રદર્શનમાં પોકારાયેલા સૂત્રો નથી પરંતુ એક રેપ સોંગ છે, જે રાંચીના અમન કચ્છપે ગાયું છે. અમના રૅપ ગીતો કોઈ ક્રાંતિના ગીતો નથી પરંતુ તેના મતે તેણે પોતે આદિવાસી હોવાના કારણે પોતાની આજુબાજુ જે જોયું, સાંભળ્યું અને જેમાંથી પસાર થયો તેનો આ રેપ ગીતમાં ઢાળ્યું છે.

‘નકસલી’ શબ્દ આવતાની સાથે જ આપણા મનમાં દેશવિરોધી ચિત્ર ઉપસી આવે છે, પણ આ શબ્દ સાથે જોડાયેલું આ ગીત કંઈક જુદી જ વાત કરે છે. આ ગીત કહેવા માંગે છે કે દરેક આદિવાસી અથવા આદિવાસી જેવો લાગતો માણસ ‘નકસલી’ નથી હોતો, પોતાની માતા સમાન જળ, જંગલ અને જમીનની વાત કરવાનો મતલબ નક્સલી નથી હોતો.

25 વર્ષનો અમન કચ્છપ વિદ્યાર્થી છે. વિદ્યાર્થી હોવાની સાથે જ તે એક કલાકાર અને યુટ્યૂબર પણ છે. આદિવાસી સમાજમાં આવતો હોવાથી અને પોતાના સમાજ પર જે વીતી રહ્યું છે તે અમન સારી રીતે સમજે છે અને એટલે જ પોતાના ગીતોમાં તે આદિવાસી સમાજની સમસ્યાને વણી લે છે. 

અમન કહે છે, આમ તો હું સંયુક્ત કુટુંબમાંથી નથી આવતો, પણ મારો પરિવાર બહુ મોટો છે. એમ કહું કે રાંચીના દરેક ટોળઆમાં મારો પરિવારવાળા છે, દરેક વ્યક્તિ ઓળખીતો છે. ઝારખંડમાં કુલ 32 પ્રકારના આદિવાસીઓ વસે છે અને હું ઉરાંવ આદિવાસી સમાજમાંથી આવું છું.

.

અમનનું એક રૅંપ ગીત નક્સલી વાયરલ થઈ રહ્યું છે, આ ગીત નાગપુરી ભાષામાં છે. અમન કહે છે, જે રીતે એક પ્રત્રકારનું કામ હોય છે સમાજમાં જે પણ થઈ રહ્યું છે તેને નિષ્પક્ષ રીતે બતાવવું, લોકો સુધી પહોંચાડવું, એ જ રીતે અમે પણ કળાના સહારે લોકો સુધી અમારા સમાજની વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.

અમન ફેમસ નાગપુરી લોકગાયક પદ્મશ્રી મધુ મંસૂરી અને ડૉ. રામ દયાળ મુંડાથી પ્રેરણા લઈને આદિવાસી સમાજની સમસ્યાઓને કળાના માધ્યમથી સામે લાવવા માંગે છે અને તેના માટે તેણે રૅપ સોંગ પર પસંદગી ઉતારી છે. પરંતુ તે ગીતોને હિન્દી કે અંગ્રેજીની જગ્યાએ નાગપુરી ભાષામાં જ ગાય છે, તેની પાછળનું કારણ સ્પષ્ટ કરતા અમન કહે છે, “ઝારખંડમાં 32 પ્રકારના આદિવાસીઓ વસે છે, એટલે અહીં અલગ અલગ બોલી-ભાષા પણ છે, કોઈ મુંડારીમાં વાત કરે છે, તો કોઈ સંથાલીમાં. પણ એક કોમન ભાષા છે જે અહીંનો દરેક આદિવાસી સમજી શકે છે અને તે છે નાગપુરી. અહીંયા જેટલા પણ આદિવાસી સમાજ છે તેઓ હિંદી ભલે ન જાણતા હોય પરંતુ સાદરી નાગપુરી જાણે છે.”

અમને લોકડાઉન દરમિયાન રેપ ગીતો લખવાનું શરૂ કર્યું અને લોકડાઉનમાં થોડી રાહત મળતાં જ તેણે તરત જ ગીતોનું શૂટિંગ કર્યું અને તેને સોશિયલ મીડિયા પર રિલીઝ કરી દીધુ હતું. તેનું બીજું એક આલ્બમ આવી રહ્યું છે જેનું નામ છે 'ધરતી હોન', અહીં હોનનો અર્થ પુત્ર થાય છે. એ રીતે આ આલ્બમના નામનો અર્થ થયો ‘ધરતી પુત્ર’. જેમાં ગીતો છે 'નકસલવાદી', 'ધરતી એન્થમ' અને 'જામુન ફરે' છે. આ સિવાય પણ કેટલાક ગીતો છે જેમ કે, ‘જત્રા લગાઓ’, જેમાં તે સરના કોડ લાગુ કરવાનો મુદ્દો ઉઠાવે છે.

અમન ‘નક્સલી’ ગીત વિશે જણાવે છે કે, શહેરમાં એટલી અસર નથી દેખાતી પણ રાંચીની બહાર જો કોઈ આદિવાસી ધરણાં કરે છે અથવા કોઈ સમસ્યા સામે અવાજ ઉઠાવે છે તો તેને ગોળી મારી દેવામાં આવે છે અને તેની સામે પણ કોઈ અવાજ ઉઠાવનારું રહેતું નથી. નક્સલી કહીને તેને ગોળી મારી દીધી તો તેની મદદ કરવા માટે કોઈ નહીં આવે અને તે ગુમનામીમાં ધકેલાઈ જશે. મેં તેની ઉપર પણ એક ગીત લખ્યું છે.

બાળપણના દિવસો યાદ કરતા અમન કહે છે, “સ્કૂલમાં કેટલાક મોટા છોકરાઓ હતા જે અમારી સાથે બસમાં શાળાએ આવતા-જતા હતા. તેઓ અમને નક્સલી કહીને બોલાવતા હતા. ત્યારે તો મને એટલી સમજ નહોતી પડતી એટલે હું કશું બોલતો નહોતો. ઘરે પૂછ્યું તો કહેવામાં આવ્યું કે એમાં ધ્યાન ન આપ.”

અમન કહે છે, એ વખતે મારો પરિવાર ઈચ્છતો હતો કે અમે માત્ર ભણવામાં ધ્યાન આપીએ, એટલે અમને તેના વિશે વધુ કશું જણાવવામાં આવ્યું નહોતું. પણ જેમ જેમ અમે મોટા થતા ગયા તેમ તેમ નક્સલી શું છે તે સમજાતું ગયું. ત્યારે મેં વિચાર્યું કે, જો તેઓ અમને નક્સલી કહીને બોલાવે છે તો ભલે બોલાવે, પણ હું અમારી વાત બધાંની સામે ચોક્કસ રાખીશ. અને મેં તે કર્યું. તેના માટે એક લાઈન લખી, ‘નક્સલી નક્સલી.. કુછ બોલો તો કહો ના નક્સલી, હક માંગો તો કહો ના નક્સલી..’ મતલબ અમે કંઈપણ અમારા હકની વાત કરીએ છીએ તો અમને નક્સલી કહેવામાં આવે છે. કશું નથી કરતા અને માત્ર શ્વાસ લઈએ તો પણ અમને નક્સલી કહેવામાં આવે છે. મારો હેતુ કોઈને પ્રમોટ કરવાનો નથી, મેં જે જોયું છે તે લખ્યું છે.

સામાન્ય રીતે આપણે ત્યાં રૅપ સોંગના નામે હનીસિંહ કે પછી બાદશાહના ગીતોનો ઉલ્લેખ થાય છે, જેમાં મોંઘી ગાડીઓ, અર્ધનગ્ન છોકરીઓ સાથે વિદેશના કોઈ સ્થળનું શુટિંગ હોય છે. પણ ઝારખંડના રેપર અમન કચ્છપના ગીતોમાં આવી ઝાકઝમાળ નથી. તે પોતાના ગીતોમાં આદિવાસી સમાજની વાત કરે છે, જળ, જંગલ અને જમીન આસપાસના ગીતો બનાવે છે. નાગપુરીમાં ગવાયેલા આ ગીતો ભલે ખૂબ ઓછા લોકોને સમજમાં આવતા હોય. પણ એક વાત ચોક્કસ છે કે, આ ગીતોમાં દેશના એ લોકોની વાત છે, જે આજે પણ પોતાના જંગલોને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.

અહીં એ યાદ રાખવું રહ્યું કે, છત્તીસગઢ અને ઝારખંડ આજે પણ નક્સલ પ્રભાવિત રાજ્યો માનવામાં આવે છે અને આજે પણ અહીં આદિવાસીઓને તેમના નામ અને ઓળખના આધારે ધરપકડ કરી નક્સલી જાહેર કરવા સરળ માનવામાં આવે છે. એવા અનેક મીડિયા રિપોર્ટ છે, જેના આધારે એમ કહી શકાય તેમ છે કે, નિર્દોષ આદિવાસીઓને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે. છત્તીસગઢના બુર્કાપલમાં વર્ષ 2017માં સીઆરપીએફ પર હુમલો થયો હતો જેમાં 25 જવાનોના મોત થયા હતા. આ કેસમાં માઓવાદીઓની મદદ કરવાની શંકામાં 121 આદિવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ 5 વર્ષ પછી વર્ષ 2022માં તમામને નિર્દોષ માનીને છોડી મૂકવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ ધરપકડ કરવામાં આવેલા લોકોમાં 5 સગીરો પણ હતા.

એક મીડિયા રિપોર્ટ મુજબ સીપીઆઈએમ ઝારખંડના સચિવ પ્રકાશ વિપ્લવે જણાવ્યું હતું કે, આરટીઆઈમાં મળેલી જાણકારી મુજબ વર્ષ 2009થી 2021 દરમિયાન ઝારખંડમાં UAPAની કલમો હેઠળ 704 કેસો નોંધવામાં આવ્યા હતા, જેમાંથી 52.3 ટકા કેસો આદિવાસીઓ સામે, 23.1 ટકા ઓબીસી વર્ગ સામે અને 6.7 ટકા દલિતો સામે નોંધવામાં આવ્યા હતા. UAPA અંતર્ગત માઓવાદીઓના નામે સૌથી વધુ 187 કેસો પશ્ચિમી સિંહભૂમ જિલ્લાના ચાઈબાસામાં નોંધવામાં આવ્યા છે, એ પછી દુમકામાં 57 અને ગુમલામાં 42 કેસો છે.

સામાજિક કાર્યકરોના મતે નક્સલવાદનો સંબંધ ઝારખંડ અને છત્તીસગઢના એ આદિવાસી વિસ્તારો સાથે વધુ જોડવામાં આવે છે જ્યાં કોલસા અને ખનીજ મળી આવે છે.

આ પણ વાંચો : કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.