એક આદિવાસી મહિલા, જેણે દશરથ માંઝી જેવું કામ કરી બતાવ્યું

Women's Day Special: આજે વિશ્વ મહિલા દિવસે એક એવી મહિલાની વાત કરીએ જેણે દશરથ માંઝીની જેમ પોતાના ગામથી મુખ્ય માર્ગ સુધીનો રસ્તો બનાવી આપ્યો. વાંચો આ અહેવાલ.

એક આદિવાસી મહિલા, જેણે દશરથ માંઝી જેવું કામ કરી બતાવ્યું
Photo By Google Images

Women's Day Special: વિશ્વ મહિલા દિવસે કથિત સવર્ણ જાતિની, માત્ર પોતાની જાતિના કારણે અમુક સ્થાન પહોંચેલી મહિલાઓની જ વાતો મુખ્યધારાના મીડિયામાં ચર્ચાતી હોય છે. તેમના માટે દલિત, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજની મહિલાઓ કે તેમના સંઘર્ષનું જાણે કોઈ અસ્તિત્વ જ નથી. આવી સ્થિતિમાં આપણે અહીં એક એવી આદિવાસી મહિલાની વાત કરવી છે, જેણે ગર્ભવતી મહિલાઓને પડતી સમસ્યાઓના નિરાકરણ માટે દશરથ માંઝી જેવું કામ કરી બતાવ્યું છે.


આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના થોટાગોડીપુટ ગામની 28 વર્ષની આદિવાસી મહિલા બુરીડી જેમ્માની આ કહાની સાંભળીને તમારી છાતી ગર્વથી ભરાઈ જશે. જેમ્માની કહાની દશરથ માંઝી જેવી જ છે. જ્યારે જેમ્મા ગર્ભવતી હતી, ત્યારે તેણે હોસ્પિટલ સુધી પહોંચવામાં ઘણાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તેના ગામથી મુખ્ય માર્ગ સુધી કોઈ રસ્તો નહોતો. કાંટાળી ઝાડીઓ અને અવરોધોથી ભરેલા ખતરનાક રસ્તાઓમાંથી પસાર થઈને હોસ્પિટલ સુધીની તેની મુસાફરી જોખમોથી ભરેલી હતી. જેમ તેમ કરીને તેને દવાખાને પહોંચાડવામાં આવી અને તેણે બાળકને જન્મ આપ્યો.

આ પણ વાંચોઃ નારી ગુંજન સરગમ બેન્ડઃ પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને પડકાર ફેંકતું બિહારની દલિત મહિલાઓનું બેન્ડ

જો કે એ પછી તેણે વિચાર્યું કે, આ તો કાયમી સમસ્યા છે અને તેનો ઉકેલ લાવવો જ રહ્યો. આમ પોતાને પડી તેવી મુશ્કેલી અન્ય લોકોને ન પડે તે માટે તેણે એક નિર્ણય લીધો અને તેમના ગામથી મુખ્યમાર્ગ સુધીનો રસ્તો બનાવવાનું નક્કી કર્યું. ગામને નજીકના મુખ્ય માર્ગ સાથે જોડવા માટે 3 કિમીનો કાચો રોડ બનાવવા માટે પોતાની મહેનતની કમાણી વાપરી નાખી. જે કામ સરકારી તંત્રએ કરવાનું હોય તે કામ જેમ્માએ હાથ પર લીધું અને બે લાખ રૂપિયા ખર્ચીને કાચો રસ્તો બનાવ્યો.


જેમ્માના આ પ્રયત્નોના કારણે હવે થોટાગોડિપુટ સુધી બાઈક અને ઑટોરિક્ષા દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. જેમ્માએ બનાવેલા રસ્તાને કારણે હવે મેડિકલ ઈમરજન્સી, તબીબી સુવિધાઓ સુધી પહોંચવા માટે પગપાળા કે કામચલાઉ સ્ટ્રેચર પરની મુશ્કેલ મુસાફરીઓમાંથી ગામલોકોને છુટકારો મળ્યો છે. સ્થાનિક લોકોનું માનવું છે કે કપચી-ડામરથી રસ્તો બનાવવાથી એમ્બ્યુલન્સ 10 પરિવારોના આ ગામ સુધી પહોંચી શકશે.

આ પણ વાંચોઃ ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો


અધિકારીઓએ ન સાંભળી વાત
બે બાળકોની માતા જેમ્મા તેના સંઘર્ષ વિશે વાત કરતા જણાવે છે કે, “મારો જન્મ અને ઉછેર અરાકૂ નજીકના નાના ગામ અંજોડામાં થયો હતો. ડોરા વેંકટ રાવ સાથે લગ્ન પછી હું થોટાગોડીપુટ ગામમાં આવી. અહીં કોઈ રસ્તા નહોતા અને અમારે સાંકડા રસ્તાઓમાંથી પસાર થવું પડતું હતું. પાકા રસ્તા માટે સત્તાવાળાઓને અરજી સાથે અનેકવાર રજૂઆતો કરી પણ કોઈએ ધ્યાન આપ્યું નહીં. રસ્તો ન હોવાથી સૌથી વધુ મુશ્કેલી મહિલાઓ અને વૃદ્ધોને પડતી હતી. ખાસ કરીને ડિલિવરી કે અન્ય મેડિકલ ઈમરજન્સીમાં રસ્તો ન હોવાથી ગામલોકો કામચલાઉ સ્ટ્રેચર બનાવી વ્યક્તિને ઉચકીને ઝાડી-ઝાંખરા વચ્ચેથી ચાલીને મુખ્ય રસ્તે પહોંચતા અને ત્યાંથી વાહનમાં બેસતા. ઈમરજન્સી ગમે ત્યારે આવી શકે છે, ક્યારેક અંધારું હોય, ક્યારેક વરસાદ વરસતો હોય ત્યારે પરિસ્થિતિ વિકટ બની જતી. આ બધી સમસ્યાનો ઉકેલ એક જ હતો, અમારા ગામ સુધી કમ સે કમ એક રસ્તો બની જાય. હું આશાવર્કર તરીકે કામ કરું છું. મહિને 4000 કમાઉ છું. સતત 4 વર્ષ સુધી બચત કરીને પૈસા બચાવ્યા અને તેમાંથી રૂ. 2 લાખ જેટલી રકમ ખર્ચીને આ રસ્તો બનાવડાવ્યો. આ બચત મેં ઘર બનાવવા માટે જમા કરી હતી, પણ પછી લાગ્યું કે ઘર તો હું પછી પણ બનાવી લઈશ, પણ રસ્તો નહીં હોય તો કાયમની ઝંઝટ રહેશે. થોડા મહિના પહેલા અમે રોડ બનાવવાનું શરૂ કરવા માટે એક જેસીબી મશીન ભાડે રાખ્યું હતું. મારા પતિ, ખેડૂત અને ગામલોકોએ મજૂરી કરીને ટેકો આપ્યો જેના કારણે આ રોડ બની શક્યો.”
જેમ્મા કહે છે, અમે બનાવેલો કાચો રસ્તો લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો કામચલાઉ ઉકેલ છે.વરસાદમાં આ કાચા રોડને નુકસાન થવાની સંભાવના છે. મારી અંતિમ ઈચ્છા ગામ સુધી આવતો કોંક્રિટનો પાકો રસ્તો જોવાની છે. અત્યાર સુધીમાં આસપાસના અનેક ગામોના લોકો રસ્તો ન હોવાને કારણે ગામ છોડીને અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા હતા. પણ જેમ્માએ પરિસ્થિતિથી ભાગવાને બદલે તેમનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો અને આજે પરિણામ સૌની સામે છે. જેમ્મા જેવી મહિલાઓ જ વિશ્વ મહિલા દિવસની ઉજવણીને સાર્થક કરે છે.

આગળ વાંચોઃ કલ્પના સરોજ - દેશની પ્રથમ દલિત મહિલા આંત્રપ્રિન્યોર, જેણે બિઝનેસમાં સવર્ણોની મોનોપોલીને તોડી બતાવી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.