ઝારખંડની આદિવાસી દીકરી સલીમા ટેટે બની ભારતીય હૉકી ટીમની કેપ્ટન
આદિવાસી સમાજ માટે લાપશીના આંધણ મૂકવા જેવા સમાચાર આવ્યા છે. આદિવાસી પરિવારની એક દીકરી ભારતીય હોકી ટીમની કેપ્ટન બની છે
થોડા દિવસ પહેલા વર્ષ 2023 માટે પ્લેયર ઓફ ધ યર માટે પ્રતિષ્ઠિત હોકી ઈન્ડિયા બલબીર સિંહ સીનિયર પુરસ્કાર મેળવનારી ઝારખંડની આદિવાસી સમાજની દીકરી સલીમા ટેટેને ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. એપઆઈ પ્રો લીગ માટે 24 સભ્યોની ભારતીય મહિલા હોકી ટીમની જાહેરાત કરવાની સાથે જ તેની કમાન સલીમા ટેટેના હાથમાં સોંપી દેવામાં આવી છે.
સલીમા આદિવાસી સમાજમાંથી આવે છે અને તેણે અહીં સુધી પહોંચવા માટે ભારે સંઘર્ષ કર્યો છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ઝારખંડમાંથી મહિલા હોકીમાં સતત આ રાજ્યના ખેલાડીઓને દબદબો બનેલો છે. આ વખતે પણ ભારતીય મહિલા હોકી ટીમમાં ઝારખંડમાંથી ચાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં સલીમા ટેટે ઉપરાંત સંગીતાકુમારી, દીપિકા સોરેંગ અને નિક્કી પ્રધાનનું નામ સામેલ છે.
આ પણ વાંચો: એક આદિવાસી મહિલા, જેણે દશરથ માંઝી જેવું કામ કરી બતાવ્યું
ભારતીય મહિલા હોકી ટીમ બેલ્જિયમ અને ઈંગ્લેન્ડ સામે 22 મેથી 9 જૂન વચ્ચે મેર રમશે. ટીમ પહેલા 22 થી 26 મે સુધી બેલ્જિયમનો પ્રવાસ કરશે, અને પછી 1 જૂનથી 9 જૂન વચ્ચે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ઉલ્લેખનીય છે કે, મહિલા હોકી ટીમની નવી કેપ્ટન સલીમા ટેટે ઝારખંડના સિમડેગા જિલ્લાની રહેવાસી છે.
કોણ છે સલીમા ટેટે?
22 વર્ષી સલીમા ટેટેનો જન્મ ઝારખંડના સિમડેગા જિલ્લાના નાનકડા ગામ બડકી છાપરમાં થયો હતો. તેના પિતા એક ખેતમજૂર છે. એક સમયે તેના પિતા પણ સ્થાનિક હોકી ખેલાડી હતા. એટલે સલીમાએ પિતાના પગલે ચાલીને હોકીમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું. સલીમા તેના ગામમાં વાંસના લાકડામાંથી બનેલી લાકડાની હોકીથી રમતી હતી. તેની માતા લોકોના ઘરે ઘરકામ કરતી હતી અને તેની મોટી બહેન લોકોના વાસણ માંજીને ગુજરાન ચલાવતી હતી.
આ પણ વાંચો: ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો
સલીમાની મોટી બહેન અનિમા પણ હોકી રમતી હતી. પરંતુ નાની બહેન માટે તેણે પોતાનું સપનું છોડી દીધું હતું અને ઘરકામ કરવા લાગી હતી. અનિમા સિમડેગાથી બેગ્લુરુ સુધી ઘરકામ માટે જઈ ચૂકી છે. સલિમાની નાની બહેન મહિમા ટેટે પણ ઝારખંડની જૂનિયર મહિલા હોકી ટીમમાં રમે છે.
અંતરિયાળ ગામથી આતરષ્ટ્રીય સ્તર સુધીની સફર
વર્ષ 2013માં સલીમા ટેટેની પ્રતિભાનો લોકોને પરિચય થયો હતો. એ વખતે સિમડેગામાં ઝારખંડ સરકારના દ્વારા સંચાલિત રેસિડેન્શિયલ હોકી સેન્ટર માટે તેની પસંદગી કરવામાં આવી હતી. એ પછી તેને રાજ્યની ટીમમાં રમવાની તક મળી હતી અને પછી તેણે નેશનલ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.
.આ પણ વાંચો: 23 વર્ષની વી. શ્રીપતિએ ઈતિહાસ રચ્યો, તમિલનાડુની પહેલી આદિવાસી મહિલા સિવિલ જજ બની
વર્ષ 2016માં સલીમાને જુનિયર ભારતીય મહિલા ટીમમાં પસંદ કરવામાં આવી હતી. જે તેની ઈન્ટરનેશનલ ડેબ્યૂ મેચ હતી. એ પછી તે ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં શાનદાર દેખાવ કરતી જોવા મળી છે. સલિમા અત્યાર સુધીમાં ટોક્યો ઓલિમ્પિક, વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સમાં રમી ચૂકી છે. હવે જ્યારે તે ટીમ ઈન્ડિયાની કેપ્ટન બની છે ત્યારે દેશભરની મહિલાઓ માટે તે આદર્શ બની ચૂકી છે. આદિવાસી સમાજની સેંકડો યુવતીઓ માટે તેણે પ્રેરણારૂપ ઉદાહરણ પુરું પાડ્યું છે.
આ પણ વાંચો: આદિવાસી સમાજનું ગૌરવઃ National Gamesમાં ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે 5 હજાર મીટર દોડમાં Silver મેડલ મેળવ્યો