વડાલીમાં ઝાડ નીચે ઉભેલા મજૂર પર વીજળી પડતા મોત, એક ઘાયલ
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ઝાડ નીચે ઉભેલા ખેતમજૂરો પર વીજળી પડતા એક યુવાનનું મોત થઈ ગયું છે. જ્યારે એક કિશોર ઘાયલ થયો છે.

હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં ચોમાસું જામ્યું છે. ધોધમાર વરસાદ વચ્ચે અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ પણ બનતી હોય છે. આવી જ એક ઘટના સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામે આવી છે. અહીં વડાલી તાલુકાના થુરાવાસમાં એક ખેતરમાં લીમડાના ઝાડ નીચે ઉભેલા ખેતમજૂરો પર વીજળી પડી હતી.
જેમાં એક મજૂરનું મોત થયું હતું જ્યારે બીજાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે વડાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વરસાદમાં 61 મોત, 535નું રેસ્ક્યૂ, 4238 લોકોનું સ્થળાંતર કરાયું
મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના થુરાવાસ ગામના પટેલ વિજય માધાભાઈના ખેતરોમાં ભાગીયા તરીકે કામ કરતા ચારથી પાંચ ખેતમજૂરો બપોરે વરસાદ ચાલુ હોવાથી ખેતરમાં આવેલા લીમડાના ઝાડ નીચે ઉભા હતા. એ દરમિયાન અચાનક વીજળી પડી હતી. જેમાં બે મજૂરો પર સીધી વીજળી પડી હતી જ્યારે અન્ય લોકો ઝાટકો લાગવાથી દૂર ફેંકાયા હતા.
આ ઘટનામાં ૧૪ વર્ષીય કિરણ હદાભાઈ ડાભી ગંભીર રીતે ઘાયલ થતાં વડાલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે પોશીના તાલુકાના સાલેરા ગામના ૨૧ વર્ષના કિરણભાઈ રાઈસાભાઈ નામના યુવકનું મોત થતા તેમને પીએમ માટે વડાલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે વડાલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: સુરક્ષા સાધનો વિના ગટરમાં ઉતરેલા ત્રણ કામદારોના ઝેરી ગેસથી મોત