ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા શિક્ષણ વિભાગે સમિતિઓ રચી

ગુજરાતની ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર ઝોન માટે ફી નિયમન  સમિતિની રચના કરવામાં આવી છે.

ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા શિક્ષણ વિભાગે સમિતિઓ રચી
image credit - Google images

ગુજરાતની ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર ઝોન માટે ફી નિયમન  સમિતિની રચના કરવામાં આવી છે. આ ચાર ઝોન સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ નિયુક્તિ કરાઇ છે. જ્યારે દરેક સમિતિમાં અધ્યક્ષ ઉપરાંત અન્ય ચાર સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ) એક્ટ-૨૦૧૭ તથા તે હેઠળ બનાવેલ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ) રૂલ્સ-૨૦૧૭ અનુક્રમે શિક્ષણ વિભાગના તા.૨૦.૦૪.૨૦૧૭ અને તા.૨૫.૦૪.૨૦૧૭ના રોજના જાહેરનામાથી અમલમાં આવેલ છે. રાજ્ય સરકારે શિક્ષણ વિભાગની અધિસૂચના ક્રમાંક:GH/SH/16/BMS/1117/83/Chh તા.૨૫.૦૪.૨૦૧૭થી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર ઝોન ખાતે “ફી નિયમન સમિતિ”ની રચના કરેલ છે.

ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ) એક્ટ-૨૦૧૭ની કલમ-૩(૨)ની જોગવાઇ તથા ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ) રૂલ્સ-૨૦૧૭ના નિયમ-૪(૩)ની જોગવાઇ તેમજ વંચાણે લીધા ક્રમાંક-(૨)ના સુપ્રિમકોર્ટના આદેશો અનુસાર વંચાણે લીધા ઠરાવ ક્રમાંક: (૪), (૫),(૬) અનુસાર ફી નિયમન સમિતિ- અમદાવાદ ઝોન, વડોદરા ઝોન, સુરત ઝોન અને રાજકોટ ઝોન ખાતે અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરાયેલી હતી. આ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂકનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેમના સ્થાને નવી નિમણૂકની બાબત સરકારના વિચારણા હેઠળ હતી.

રાજ્ય સરકાર દ્વારા પુખ્ત વિચારણાને અંતે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઝોનની ફી નિયમન સમિતિઓના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરાઈ છે. આ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક આ ઠરાવની તારીખથી ૩ વર્ષ સુધી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભાજપ-RSS શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપે છે: ખડગે

આ ચારેય ઝોન સમિતિના અધ્યક્ષ અને સભ્યોને મળવાપાત્ર માનદ વેતન તથા નિમણૂંકની અન્ય બોલીઓ અને શરતો અગાઉ નક્કી કર્યા પ્રમાણે યથાવત રહેશે.

રાજ્ય સરકાર દ્વારા ચાર ઝોન માટે ફી નિયમન સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમાં અમદાવાદ ઝોન સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હર્ષિત ચંદુલાલ વોરાની નિયુક્તિ કરાઈ છે. જ્યારે અન્ય ચાર સભ્યોમાં જીગર ઈશ્વરભાઈ દેસાઈ (શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ), યોગેશ મફતલાલ રાવલ (શિક્ષણ શાસ્ત્રી), જીમી મુકેશભાઈ પટેલ (સિવિલ એન્જિનિયર) તેમજ દિવ્યાંગ નરેન્દ્રભાઈ પઢિયા (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)નો સમાવેશ કરાયો છે.

વડોદરા ઝોન ફી નિયમન સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ મહંમદ હનીફ સવાઇ ખાન સિંધીની નિયુક્તિ કરી છે. તો અન્ય ચાર સભ્યોમાં ધર્મેન્દ્રસિંહ નારસિંહ રાજપૂત (શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ), જયેશ બંસીલાલ પટેલ (શિક્ષણ શાસ્ત્રી), પ્રો.ડૉ. ઈન્દ્રજીત પટેલ(સિવિલ એન્જિનિયર) અને કૃણાલ બ્રહ્મભટ્ટ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)નો સમાવેશ કરાયો છે.

સુરત ઝોન ફી નિયમન સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અતુલ ઇચ્છાશંકર રાવલની નિયુક્તિ કરાઈ છે. જ્યારે અન્ય ચાર સભ્યોમાં અમિત કૈલાશભાઈ અગ્રવાલ (શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ), શાંતિલાલ પુન્જીયાભાઈ પટેલ (શિક્ષણ શાસ્ત્રી), અભિજિતસિંહ હરિસિંહ સોલંકી (સિવિલ એન્જિનિયર) અને અતુલ જયંતીલાલ સોજીત્રા (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)નો સમાવેશ કરાયો છે.

રાજકોટ ઝોન ફી નિયમન સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમતી પી. જે. અગ્રાવતની નિયુક્તિ કરાઈ છે. જ્યારે સમિતિના અન્ય ચાર સભ્યોમાં પ્રભુભાઈ કરશનભાઈ સિંધવ (શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ), મુકુંદરાય ચંદુલાલ મહેતા (શિક્ષણ શાસ્ત્રી), પ્રવિણ એલ.વસાનીયા (સિવિલ એન્જિનિયર) અને હાર્દિક હર્ષદભાઈ વ્યાસ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)નો સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો: જય ભીમ ડોનર્સ ક્લબે અમદાવાદની દલિત દીકરીની શિક્ષણ ફી ભરી આપી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.