રખડતી ગાયે મહિલાના ગળામાં શિંગડાં ખોસી મોતને ઘાટ ઉતારી દીધી
ગાયમાં માતાના દર્શન કરતા લોકોની આંખ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધા પર ગાયે એવો હુમલો કર્યો કે જોઈને કંપારી છુટી જાય.

ગાયને માતા માનીને તેનું રક્ષણ કરવાનો ઠેકો લઈને ફરતા લોકોની આંખ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 65 વર્ષની મહિલાના ગળામાં શીંગડા ભરાવીને એક રખડતી ગાયે તેને પછાડી પછાડીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો રખડતા ઢોરની સમસ્યાને લઈને તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યાં છે.
ઘટના હરિયાણાના કુરુક્ષેત્રની છે. અહીં એક રખડતી ગાયે 65 વર્ષીય ગુરદીપ કૌર પર હુમલો કરીને અરેરાટી છુટી જાય તે રીતે તેમને મોતને ઘાટ ઉતારી દીધાં હતા. ઘટના શહેરના પટેલ નગર વિસ્તારની છે, ગુરદીપ કૌર ઘૂંટણની તકલીફને કારણે લાકડીના ટેકે તેના ઘરના ગેટ પર આવી રહી હતી. ત્યારે અચાનક જ એક કાળી ગાયે તેમના પર હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચોઃ આરોપીઓના ડરથી ગેંગરેપ પીડિતા દલિત યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો
આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે ગાય મહિલા પર ત્રાટકી હતી અને મહિલાના ગળામાં શિંગડા ભરાવી દીધા હતા. ગાયના આ ભયાનક હુમલામાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગુરમીત કૌરના મોત પછી પણ ગાયે શિંગડાથી તેમને મારવાનું ચાલુ રાખ્યું હતું. સોસાયટીની આસપાસના લોકોએ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ડરના કારણે લાંબા સમય સુધી કોઈ ગાયની નજીક જઈ શક્યું નહોતું અને તેમાં જ ગાયે મહિલાનો જીવ લઈ લીધો હતો.
આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ સાંજે શહેરના બ્રહ્મા ચોકને બ્લોક કરી દીધો હતો. પોલીસ અને વહીવટીતંત્રના આશ્વાસન પર લગભગ અડધા કલાક બાદ જામ હટાવી શકાયો હતો. ગામલોકોએ ચેતવણી આપી હતી કે, જો રખડતા ઢોરની સમસ્યાનું જલ્દી નિરાકરણ નહીં આવે તો તેઓ મુખ્યમંત્રી આવાસ પર લઈ જઈને બધાં ઢોરને બાંધી દેશે.
આ પણ વાંચોઃ પોલીસ, અધિકારીઓ અને સરકારે મળી એટ્રોસિટી એક્ટને પાંગળો બનાવી દીધો
આ ઘટના હરિયાણામાં રખડતા ઢોરની વધતી જતી સમસ્યાને ઉજાગર કરે છે, જે લોકો માટે મોટો ખતરો બનતી જઈ રહી છે. આ દુ:ખદ ઘટના સરકાર અને વહીવટીતંત્ર માટે ગંભીર ચેતવણી છે કે આ મુદ્દે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ પ્રકારની સેંકડો ઘટનાઓ ઘટે છે. અમદાવાદ જેવા શહેરમાં પ્રતિબંધ હોવા છતાં સેંકડો ગાયો સહિતના ઢોર રસ્તા પર રઝળતા રહે છે જેના કારણે અનેક અકસ્માતો થાય છે અને લોકો મોતને ભેટે છે. હાઈકોર્ટે આ મામલે અનેક વખત ફટકાર લગાવી હોવા છતાં વોટબેંકની ચિંતાને કારણે સરકાર ગાયોને રસ્તે રખડતી મૂકી દેનાર તેના માલિક સામે કોઈ કાર્યવાહી કરતી નથી.
આગળ વાંચોઃ લોકોમાં અસુરક્ષાની ભાવના જેટલી તીવ્ર, એટલો જ બાબાઓનો ધંધો જામે