લોકોમાં અસુરક્ષાનો ભાવ જેટલો વધારે, એટલો બાબાઓનો ધંધો ચમકે
લોકોમાં અસલામતી જેટલી વધુ, એટલી બાબાઓ પ્રત્યેની શ્રદ્ધા વધુ. અને જેટલી વધુ શ્રદ્ધા એટલું જ વિવેક અને તર્કથી અંતર વધે. વાંચો આ ખાસ લેખ.

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિના સત્સંગમાં નાસભાગમાં ઓછામાં ઓછા 121 લોકોના મોત થયા હતા. આમાં મોટાભાગની ગરીબ દલિત પરિવારની મહિલાઓ હતી. ભોલે બાબા પહેલા પોલીસમાં નોકરી કરતા હતા. કહેવાય છે કે તેમના પર બળાત્કારનો પણ આરોપ હતો. લગભગ 28 વર્ષ પહેલા તેણે પોલીસમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને બાબા બની ગયા હતા. થોડા વર્ષો પહેલા તેણે દાવો કર્યો હતો કે તે કેન્સરથી મૃત્યુ પામેલી છોકરીને ફરીથી જીવિત કરી શકે છે. દેખીતી રીતે આવું કશું થયું નહીં. બાદમાં બાબાના ઘરમાંથી સડતી લાશની ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને ફરિયાદ કરી હતી. આખરે તે દીકરીની લાશની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ બધું થયું હોવા છતાં તેઓ એક સફળ બાબા બન્યાં, તેમના અનુયાયીઓ અને આશ્રમોની સંખ્યા વધવા લાગી અને તેમની સંપત્તિ પણ વધવા લાગી.
તાજેતરની ઘટના બાદ પોલીસે બાબાના કેટલાક શિષ્યોને આરોપી બનાવ્યા છે. પરંતુ બાબાનું નામ FIRમાં નથી. નાસભાગ એટલા માટે થઈ કારણ કે એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે બાબા જે માટી પર ચાલે છે તે અનેક બીમારીઓ દૂર કરી શકે છે. સત્સંગ પૂરો થયા બાદ બાબા જ્યારે પાછા જઈ રહ્યા હતા ત્યારે ભક્તો તેમના પગની ધૂળ લેવા દોડ્યા હતા, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા હતા. ભોલે બાબા કેટલા લોકપ્રિય છે તે એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે સત્સંગમાં 80,000 લોકોને એકઠા થવાની પરમિશન હતી પરંતુ લગભગ 1.5 લાખ લોકો ત્યાં પહોંચ્યા હતા.
ભારતમાં આ પ્રકારના બાબાઓ નવી વાત નથી. હા, એ વાત સાચી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની લોકપ્રિયતા ઝડપથી વધી છે. ભારતમાં સેંકડો બાબાઓ છે અને તેઓ દેશના લગભગ દરેક ભાગમાં જોવા મળે છે. કેટલાક બાબાઓ ચોક્કસ વિસ્તારોમાં પ્રખ્યાત છે. આસારામ અને ગુરમીત રામ રહીમ ઇન્સાન જેવા કેટલાક બાબાઓ બળાત્કાર અને હત્યાના કારણે જેલની સજા ભોગવી રહ્યા છે. અન્ય સફળ બાબાઓમાં એક બાબા રામદેવ છે, જેમને આધુનિક તબીબી વિજ્ઞાનની મજાક ઉડાવવા બદલ સુપ્રીમ કોર્ટે સખત ઠપકો આપ્યો હતો. શ્રી શ્રી રવિશંકર નામના બાબા પર યમુના નદીને પ્રદૂષિત કરવાનો આરોપ છે. સદગુરૂ જગ્ગી વાસુદેવના અનેક આશ્રમોમાં ગુનાહિત પ્રવૃતિઓ થતી હોવાની ચર્ચા છે.
બાબાના અલગ-અલગ પ્રકાર છે પરંતુ તમામ બાબાઓમાં કેટલીક બાબતો સામાન્ય છે. બધા બાબાઓ પાસે ઘણી બધી સંપત્તિ અને પૈસા છે. બધાં બાબાઓ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે છે અને બધાંનો આત્મવિશ્વાસ આશ્ચર્યમાં મૂકી દે તેવો છે.
આ પણ વાંચો: ભોલે બાબા દલિતોની 'જાટવ' જાતિના છે અને એટલું પુરતું છે...
જો કે આ વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ વ્યાપક રીતે એમ કહી શકાય કે છેલ્લાં કેટલાક દાયકાઓમાં બાબાઓની સંખ્યા અને તેમના પ્રભાવમાં ઝડપથી વધારો થયો છે. આ વૃદ્ધિનો ધર્મના રાજકારણના વધતા વર્ચસ્વ સાથે સંબંધ સ્થાપિત કરવો પણ સરળ નથી. એ વાત સાચી છે કે બીજા દેશોમાં પણ બાબા જેવા લોકો છે. અમેરિકામાં કરિશ્માઈ ખ્રિસ્તી ચળવળ છે અને કેટલાક મુસ્લિમ દેશોમાં ચમત્કાર કરનારા ફકીર છે. પરંતુ ભારતમાં બાબાઓનો જેટલો પ્રભાવ છે તેટલો અન્ય કોઈ દેશમાં નથી.
બધાં બાબાઓ ધર્મનો અંચળો ઓઢે છે. તેઓ સંસ્થાગત હિંદુ ધર્મના પુરોહિત વર્ગના નથી હોતા. તેમાંના મોટાભાગના પોતાના દમ પર સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ લોકોના મન વાંચવામાં અને તેમના અનુયાયીઓની નબળાઈઓનો લાભ લેવામાં માહિર હોય છે.
પરંતુ એક મહત્વનો પ્રશ્ન એ છે કે લોકો બાબાઓ તરફ કેમ આકર્ષાય છે? એમાં કોઈ શંકા નથી કે બાબાઓ તેમનું માર્કેટિંગ ખૂબ જ સારી રીતે કરે છે, પરંતુ સાથે એ પણ સાચું છે કે તેમના ભક્તોની પોતાની નબળાઈઓ છે, જેના કારણે તેઓ આ ઢોંગી બાબાઓની ચુંગાલમાં ફસાઈ જાય છે. બાબાના ભક્તોમાં ઘણા એવા હોય છે જે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય છે. તેમની પાસે તેમની સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી હોતો. તેમને જરૂર હોય છે આશ્વાસનના બે શબ્દોની, કોઈ એવી વ્યક્તિની જે તેમને સહારો આપે અને તેની ખાતરી આપી શકે કે બાબાની ચરણરજ કપાળ પર લગાવવાથી, તેમના પ્રત્યે પૂર્ણ સમર્પણભાવ દ્વારા અથવા તેમના દ્વારા સૂચવવામાં આવેલા ઉપાયોને અનુસરીને પોતાની સમસ્યાનો ઉકેલ લાવી શકાશે.
બાબાઓની આસપાસ ભેગી થતી ભીડમાં મોટાભાગે એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ અસુરક્ષા અનુભવતા હોય છે. રાજકારણીઓ સાથેની મિલીભગત પણ તેમની સફળતામાં ફાળો આપે છે. ગુરમીત રામ રહીમ મહિનાઓ સુધી પેરોલ ભોગવે છે, ખાસ કરીને ચૂંટણી દરમિયાન. હરિયાણાના તત્કાલિન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ગુરમીતના આશીર્વાદ લેવા તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે આવ્યા હતા.
આ પણ વાંચો: લંડનમાં 22 વર્ષમાં 1320 રેપ કરનાર ઢોંગી ભારતીય બાબા પર કેસ નોંધાયો
પરંતુ મુખ્યત્વે અનુયાયીઓમાં રહેલી અસુરક્ષાની ભાવના તેમને બાબાઓ તરફ ખેંચે છે. અસલામતી જેટલી વધુ એટલી બાબાઓ પ્રત્યેની શ્રદ્ધા વધારે. અને જેટલી વધુ શ્રદ્ધા એટલું જ વિવેક અને તાર્કિકતાથી અંતર વધે. અસુરક્ષાનું પરિબળ કેટલું મહત્ત્વનું છે એ આપણે આ વાત પરથી પણ સમજી શકીએ છીએ કે, જે દેશોમાં આર્થિક અને સામાજિક અસુરક્ષા ઓછી છે ત્યાં ધર્મનો પ્રભાવ પણ ઓછો થઈ રહ્યો છે. વૈશ્વિક સંશોધન સંસ્થા PEWનું તારણ છે કે, આ બાબતમાં અમેરિકા એકલું નથી.
પશ્ચિમી યુરોપિયન દેશોના નાગરિકો સામાન્ય રીતે અમેરિકનો કરતાં પણ ઓછા ધાર્મિક હોય છે, કારણ કે તેઓ અમેરિકા કરતા પણ દાયકાઓ પહેલાં તે માર્ગ પર ચાલવા માંડ્યા હતા. ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા અન્ય આર્થિક રીતે સદ્ધર દેશોમાં પણ ધર્મનો ઘટતો પ્રભાવ જોઈ શકાય છે.
મિશિગન યુનિવર્સિટીના સેન્ટર ફોર પોલિટિકલ સ્ટડીઝના પ્રોફેસર રોનાલ્ડ ઈંગોહાર્ટ તેમના પુસ્તક 'ગીવિંગ અપ ઓન ગોડ' (પૃષ્ઠ 110-111) માં લખે છે, "અમે વર્ષ 2007 થી 2019 દરમિયાન જે 49 દેશોનો અભ્યાસ કર્યો, તેમાંથી 43 દેશોમાં લોકોમાં ધાર્મિકતા ઘટી છે. ધાર્મિક શ્રદ્ધામાં ઉણપ માત્ર ઉંચી આવકવાળા દેશો સુધી જ મર્યાદિત નથી, આવું આખી દુનિયામાં થયું છે.
બાબાઓના સામ્રાજ્યનો સામનો કરવો સરળ નથી. આપણા બંધારણના ભાગ 4 ના અનુચ્છેદ 51A (મૂળભૂત ફરજો)માં કહેવાયું છે કે "ભારતના દરેક નાગરિકની એ ફરજ હશે કે તે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી માનવતાવાદ અને સુધારણાની ભાવનાનો વિકાસ કરે." બાબાઓ અને તેમના સમર્થકો આ જોગવાઈનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે.
દેશમાં એવા ઘણા સામાજિક જૂથો છે જે બાબાઓનો પર્દાફાશ કરી તેમનો વિરોધ કરી રહ્યા છે. આ જૂથો બાબાઓના હવામાંથી રાખ કાઢવા અને આગ પર ચાલવા જેવા 'ચમત્કારો'ની વાસ્તવિકતાથી લોકોને અવગત કરાવવા પ્રયત્ન કરે છે. મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ આવી જ એક સંસ્થા છે. તેની સાથે સંકળાયેલા ડો. નરેન્દ્ર દાભોલકરને સનાતન સંસ્થા જેવા રૂઢિચુસ્ત જૂથના કાર્યકરોએ નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ જ પ્રકારની તાકાતોએ કોમરેડ ગોવિંદ પાનસરે, ગૌરી લંકેશ અને પ્રોફેસર કલબુર્ગીની હત્યા કરી હતી. ડૉ. દાભોલકરની હત્યા પછી મહારાષ્ટ્ર વિધાનસભાએ અંધશ્રદ્ધા અને ચમત્કારિક ઉપચાર વિરુદ્ધ કાયદો પસાર કર્યો હતો.
આજે સમગ્ર દેશમાં આવા કાયદાની જરૂર છે. આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવું પડશે. સાથે જ એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે તમામ નાગરિકોને સામાજિક અને આર્થિક સુરક્ષા મળે. આપણે વર્તમાન વ્યવસ્થાને બદલવી પડશે, જેમાં અમીર વધુ અમીર થઈ રહ્યા છે અને ગરીબ વધુ ગરીબ થઈ રહ્યા છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે તમામ નીતિઓ છેવાડાના માણસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે. તો જ આપણે સમાજમાં સુરક્ષાની ભાવના સ્થાપિત કરી શકીશું અને ઢોંગી બાબાઓના વર્ચસ્વને તોડી શકીશું.
રામ પુનિયાની (લેખક આઈઆઈટી બોમ્બેમાં શિક્ષક છે. મૂળ લેખ અંગ્રેજીમાં હતો, જેનો આ ગુજરાતી અનુવાદ છે.)
આ પણ વાંચો: ભોલે બાબા સહિત 20 જેટલા નકલી બાબાઓને બ્લેકલિસ્ટ કરાશે