RSSની બંધારણ બદલવાની વાતે ચૂંટણીનું પાસું પલટી નાખ્યું?
શું દેશના દલિત-બહુજનોમાં એ ચિંતા ઘર કરી ગઈ છે કે ભાજપ ફરી સત્તામાં આવશે તો બાબાસાહેબનું લખેલું બંધારણ બદલી નાખશે?
2024ની લોકસભા ચૂંટણીના ચાર તબક્કામાં બે તૃતીયાંશથી વધુ એટલે કે 381 બેઠકો પર મતદાન થયું છે. મોટાભાગના ચૂંટણી વિશ્લેષકો અને નિરીક્ષકો માને છે કે આ ચૂંટણીમાં મતદારો ખૂબ જ શાંત છે. રાજકીય પક્ષોના કાર્યકરો અને સમર્થકો પણ અવાજ ઉઠાવતા જોવા મળતા નથી. સામાન્ય રીતે ભાજપના સમર્થકો માત્ર અવાજ જ નથી ઉઠાવતા પરંતુ વિપક્ષો પ્રત્યે આક્રમક પણ હોય છે. આ બધી પરિસ્થિત જોઈને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા પત્રકારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમનું કહેવું છે કે આટલી શાંત ચૂંટણી તેમણે પહેલા ક્યારેય જોઈ નથી. પરંતુ તેમનું માનવું છે કે ભીતરમાં એક પ્રવાહ વહી રહ્યો છે જે ચૂંટણીને નિર્ણાયક બનાવી રહ્યો છે. પરંતુ આ પ્રવાહ શું છે? શું આ પ્રવાહે ચૂંટણીની દશા અને દિશા બદલી નાખી છે?
આ વર્ષના જાન્યુઆરી મહિનામાં રામ મંદિરના ઉદ્ઘાટન અથવા રામની પ્રતિમામાં કથિત પ્રાણ પ્રતિષ્ઠાથી વાતની શરૂઆત કરીએ. એ પછી જનનાયક કર્પૂરી ઠાકુર (બિહારના ભૂતપૂર્વ સીએમ) અને ચૌધરી ચરણ સિંહ(ભૂતપૂર્વ વડા પ્રધાન) જેવા અતિ પછાત અને ખેડૂત સમુદાયોના નેતાઓને મોદી સરકાર દ્વારા ભારત રત્ન આપવામાં આવ્યો હતો. ત્યારે ભાજપ અને નરેન્દ્ર મોદીની તરફેણમાં વાતાવરણ સર્જાઈ રહ્યું હતું. વિપક્ષી ગઠબંધનની એકતા તૂટવા લાગી હતી. નીતિશ કુમારે ફરીથી સાથી બદલ્યા અને મમતા બેનર્જીએ જાહેરાત કરી કે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ(TMC) પશ્ચિમ બંગાળમાં 'ઈન્ડિયા' ગઠબંધનનો ભાગ બનશે નહીં. આનાથી વિપક્ષી એકતા પર ફટકો પડ્યો. કેન્દ્ર સરકારે ટેક્નોલોજી વડે ક્રાઉડ ફંડિંગ થકી કોંગ્રેસ દ્વારા એકત્ર કરાયેલા દાનને પણ તાળા મારવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના ખાતા સીલ કરવામાં આવ્યા હતા. આનાથી એવું લાગવા માંડ્યું હતું કે એક તરફ ભાજપ પાસે વિપુલ પ્રમાણમાં સંસાધનો છે તો બીજી તરફ વિપક્ષો લગભગ ખાલી હાથ છે.
આ પણ વાંચો: 'અબકી બાર ચારસો પાર' નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી
વિપક્ષી નેતાઓ પર એક પછી એક ED અને CBIના દરોડા શરૂ થયા. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી નેતાઓને ડરાવી ધમકાવીને ભાજપમાં જોડાવાની ફરજ પાડવામાં આવી. એટલું જ નહીં, હેમંત સોરેન જેવા ચૂંટાયેલા આદિવાસી મુખ્યમંત્રીને EDની સ્પેશ્યિલ કોર્ટે જેલમાં મોકલી દીધા હતા. એ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ તિહાર જેલમાં ધકેલી દેવામાં આવ્યા. વિપક્ષને ખતમ કરી નાખવા માટે એક પ્રકારનું ગેરિલા યુદ્ધ ચાલી રહ્યું હતું.
આ તમામ કારણોસર વિપક્ષમાં બહુ આશા દેખાતી નહોતી. સામે મોદી અને સત્તાધારી પક્ષનો ઉત્સાહ ચરમસીમાએ હતો. તેથી જ નરેન્દ્ર મોદીએ “અબ કી બાર 400 પાર”નું સૂત્ર આપ્યું હતું. પરંતુ જ્યારે પ્રશ્ન ઉભો થયો કે આટલી મોટી બહુમતી શા માટે જરૂરી છે, ત્યારે ભાજપના ઘણાં સાંસદો અને ઉમેદવારોએ જાહેર કર્યું કે બંધારણ બદલવા માટે બે તૃતીયાંશથી વધુ બહુમતી જરૂરી છે.
"ભાજપ બંધારણ બદલવા માંગે છે" - આ જાહેરાતની દલિત, આદિવાસી અને OBC સમાજ પર તેજાબી અસર થઈ છે. ડો. આંબેડકરે લખેલા બંધારણે દલિતો અને આદિવાસીઓને રાજકીય અને સરકારી વિભાગોમાં તેમનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે અનામતનો અધિકાર આપ્યો અને ભવિષ્યમાં ઓબીસીની ઓળખ કરીને તેમના માટે અનામતની જોગવાઈઓ પણ કરી. બાબાસાહેબે દલિતોની ગુલામી અને વંચિતતાને નાબૂદ કરવા માટે જીવનભર સંઘર્ષ કર્યો. સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કરનાર કોંગ્રેસ સાથે ઘણાં મતભેદો હોવા છતાં ડૉ. આંબેડકર ગાંધી અને નેહરુના આમંત્રણને માન આપીને બંધારણ સભામાં પહોંચ્યાં. ડૉ. આંબેડકરે સ્વીકાર્યું કે તેઓ દલિતોના હિતોની રક્ષા માટે બંધારણ સભામાં આવવા માગે છે. પરંતુ સભાએ તેમને ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ બનાવીને સૌથી મોટી જવાબદારી આપી. આ રીતે તેઓ બંધારણના નિર્માતા બન્યા અને બંધારણમાં દલિતો, લઘુમતીઓ અને પછાત લોકો માટે તમામ મૂળભૂત અને કાયદાકીય જોગવાઈઓ સુનિશ્ચિત કરી.
આ પણ વાંચો: મોદી ફરી સત્તામાં આવશે તો બંધારણ બદલી નાખશે- પ્રકાશ આંબેડકર
દેખીતી રીતે, ભાજપની દેશનું બંધારણ બદલી નાખવાની જાહેરાત બાદ દેશનો જાગૃત દલિત અને આદિવાસી સમાજ સંગઠિત થઈ તેની સામે ઊભો થયો. ઘણાં પત્રકારો સમજી શકતા નથી કે અચાનક દલિત-બહુજન સમાજે પ્રચંડ રીતે ભાજપનો વિરોધ શા માટે શરૂ કર્યો? વાસ્તવમાં તેમના માટે બંધારણ બદલવાની વાત માત્ર અનામત પુરતી સીમિત નથી, પરંતુ તેઓ સદીઓ પછી મળેલા માણસ હોવાના અહેસાસને ગુમાવવા નથી માંગતા. દલિત-આદિવાસી સમાજને બંધારણ અને ડૉ. આંબેડકર પ્રત્યે જબરજસ્ત ભાવનાત્મક લગાવ છે, જેના કારણે તેઓ કોઈપણ કિંમતે બંધારણ પર ઉની આંચ પણ આવવા દેતો નથી. વંચિત અને શોષિત લોકોનો આ સમાજ તેની ભાવિ પેઢીઓને સ્મૃતિકાળ અને પેશવાઈ કાળની જેમ ગુલામ તરીકે જોઈ શકતો નથી.
શું આ ચેતના દલિત-બહુજનોના મનમાં અચાનક આવી ગઈ? એવું બિલકુલ નથી. છેલ્લા 5 વર્ષથી સામાજિક જાગૃતિના કાર્યક્રમો અને સેમિનારોમાં સતત ચર્ચા થઈ રહી છે કે ભાજપ અને આરએસએસનો છુપો એજન્ડા ડો.આંબેડકરના બંધારણને બદલવાનો અને મનુસ્મૃતિમાં દર્શાવેલા કાયદાઓનો અમલ કરવાનો છે. સંઘ સાથે જોડાયેલા તમામ હિંદુત્વવાદી સંગઠનો ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની અને મનુસ્મૃતિના આધારે બંધારણને લાગુ કરવાની વાત સતત કરતા રહ્યા છે. તેથી જ બહુજન નાયકો પર યોજાતા સેમિનારોમાં બંધારણ બચાવવાના શપથ લેવાતા રહ્યાં. જે લોકોને લાગે છે કે, અચાનક બંધારણ કેવી રીતે મુદ્દો બની ગયું, તેઓ વાસ્તવમાં આ ચેતનાની પ્રક્રિયાથી અજાણ છે. આ જ કારણ છે કે દેશભરમાં લગભગ 70 ટકા દલિત-બહુજન સમુદાય આજે અચાનક વિપક્ષ સાથે આવેલો દેખાય છે. તે બંધારણ બદલનારાઓને જ બદલી નાખવા માટે વિપક્ષની સાથે આવી ગયો છે.
આ પણ વાંચો: ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી
બંધારણ બચાવવાના મુદ્દા ઉપરાંત આ ચૂંટણીનો બીજો ટર્નિગ પોઈન્ટ કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો રહ્યો. જેની શરૂઆતમાં જ સામાજિક ન્યાયને સ્થાન આપવામાં આવ્યું હતું. હકીકતમાં, નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસન દરમિયાન ટોચના ચૂનંદા અમીરો અને મૂડીવાદીઓ સિવાય દેશના દરેક વર્ગને આર્થિક નુકસાન થયું છે. પહેલા નોટબંધીએ નાના દુકાનદારો અને ગરીબ પરિવારોને બરબાદ કર્યા. કાળાં નાણાંને ખતમ કરવાના નામે કરવામાં આવેલી નોટબંધીથી દેશની અર્થવ્યવસ્થા ઠપ થઈ ગઈ. એ પછી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) એ નાના વેપારીઓને બરબાદ કરી દીધા. બાકીનું કામ કોરોનાના રોગચાળાએ પુરું કર્યું. લોકડાઉનને કારણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો બંધ થઈ ગયા હતા. અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા તમામ મજૂરો તેમના વતનમાં પરત ફર્યા. તેમને 5 કિલો અનાજ આપીને ભિખારી બનાવી દેવાયા. પણ તેને રોજગારી મળી નહોતી. આનાથી આ મજૂરોના સ્વાભિમાનને તો ઠેસ પહોંચી જ, પરંતુ તેમના બાળકોના શિક્ષણ અને ઉછેર પર પણ વિપરીત અસર પડી હતી. ડીઝલ, ખાતર અને બિયારણના ભાવમાં થયેલા કમરતોડ ભાવ વધારાએ ખેડૂતોને ગરીબીમાં હોમી દીધાં. દેવાના બોજથી દબાયેલા ખેડૂતોને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. જ્યારે તેમણે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની માગણી કરી ત્યારે કેન્દ્ર સરકારે તેમના પર લાઠીચાર્જ કર્યો. અદાણી જેવા મૂડીવાદીઓની નજર ખેડૂતોની જમીનો પર છે. મોદીનો ઉદ્દેશ્ય ખેડૂતોને તેમની જમીનમાંથી હાંકી કાઢી અદાણીનું સામ્રાજ્ય સ્થાપવાનો છે અને તેથી તેઓ તેમના મૂડીવાદી મિત્રો માટે ખેડૂતોને માત્ર ખેતમજૂર બનાવવા માંગે છે.
આ પણ વાંચો: દેશના અંતિમ જન સુધી બંધારણીય જોગવાઈઓ અને તેનો અમલ પહોંચે તે જ સાચું પ્રજાસત્તાક
આજે માત્ર ખેડૂતો અને મજૂરો જ નહીં પરંતુ દેશના યુવાનો પણ મોદી સરકારથી ખૂબ નારાજ છે. છેલ્લા દસ વર્ષમાં લગભગ કોઈ સરકારી નોકરી આપવામાં આવી નથી. 'અગ્નવીર' જેવી ચાર વર્ષની યોજના લાવીને નરેન્દ્ર મોદીએ યુવાનોનું સૈનિક બનવાનું સપનું છીનવી લીધું. સરકારી ભરતીની રાહ જોતા યુવાનોની આંખો આંસુથી ભરાઈ આવી હતી. તેમનું મનોબળ તૂટતું રહ્યું. આ સમયગાળા દરમિયાન સેંકડો યુવાનોએ આત્મહત્યા કરી લીધી. આ વાતની પુષ્ટિ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો દ્વારા બહાર પાડવામાં આવેલ 'ક્રાઈમ ઈન ઈન્ડિયા-2022'માં થઈ. જે અંતર્ગત વર્ષ 2022માં કુલ 1 લાખ 71 હજાર લોકોએ આત્મહત્યા કરી હતી, તેમાંથી 26 ટકા દહાડિયા મજૂરો હતા. એ પણ નોંધવું જોઈએ કે છેલ્લા પાંચ વર્ષમાં દર વર્ષે દહાડિયા મજૂરો દ્વારા આત્મહત્યાના કેસમાં વધારો થયો છે.
આ રીતે પ્રતીત થાય છે કે, જમીની લેવલે મોંઘવારી અને બેરોજગારી સામે લોકોનો ગુસ્સો અને બંધારણ બદલવાની ભાજપની જાહેરાતે તેની વિરુદ્ધ વાતાવરણ સર્જ્યું છે. ભાજપ અને હિન્દુત્વવાદીઓએ દસ વર્ષમાં જે ભયનો માહોલ પેદા કર્યો છે તેના કારણે લોકો ચૂપ છે. પરંતુ તેઓ પરિવર્તન માટે વોટ આપવા નીકળી રહ્યાં છે. સામે ભાજપનો કોર વોટર મોંઘવારી અને બેરોજગારીથી એટલો ત્રસ્ત છે કે મોદી વારંવાર મુસ્લિમોનો ડર બતાવતા હોવા છતાં તે નિષ્ક્રિય અને ચૂપ છે. તેથી જ આ વખતની ચૂંટણી એકદમ શાંત દેખાઈ રહી છે. પરંતુ આ આંતરિક વિરોધને કારણે ભાજપ સત્તામાંથી બહાર જતો જોવા મળી રહ્યો છે કે કેમ તે તો પરિણામો જ કહેશે.
આ પણ વાંચો: શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
ભરતભાઈ રાજગોરતમારી વાત હાસ્યાસ્પદ અને નરી બકવાસ જેવી છે. આટલી લાંબી કોલમ લખી એમાં જાતિવાદને ભડકાવવા શિવાય કાંઇ લખ્યું નથી. ડો બાબા સાહેબે જે બંધારણ માટે ટેમપરી શબ્દનો ઉપયોગ કર્યો હતો એને તમારા જેવા નકારાત્મક ઉર્જા વાળા લોકોની સલાહથી કોંગ્રેસ સરકારે પરમાનેટ માં ફેરવી નાખ્યું. ચાર તારીખે તમે ગોતયા નહીં જડો
-
જયેશ ચાવડાતમેં ભાઈ બંધારણ નાં હિમાયતી લાગતા નથી... એમને સાચું કહ્યું છે. મને લાગે છે કે હજી તમને આ દેશ નાં મૂળનિવાસી લોકો ને આઝાદી મેળવી જોઈએ..જે અમુક હજી શરૂઆત થઈ છે 78 વર્ષ પછી, એ તમને પચતી નથી લાગતી. એવું લાગે છે.
-
-
Narendrasinh GohilYes