અનામતને સામાજિકને બદલે આર્થિક આધાર પર કરવાનો ખેલ ચાલી રહ્યો છે?
સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ એસસી,એસટી અનામતમાં ભાગલા પાડવાનો જે ચૂકાદો આપ્યો છે તેની પાછળનો અસલી હેતુ અનામતના મૂળ આધારને ખતમ કરી દેવાનો છે.

સુપ્રીમ કોર્ટે આ મહિનાની પહેલી તારીખે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા-વર્ગીકરણને સમર્થન આપતા EV ચિન્નાયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્યના 2004ના ચુકાદાને રદ કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડના નેતૃત્વમાં સાત ન્યાયાધીશોની બેન્ચે 6-1ની બહુમતી સાથે આ નિર્ણય આપ્યો હતો. સ્વાભાવિક છે કે આ નિર્ણયથી દેશના રાજકારણ પર મોટી અસર થવા જઈ રહી છે. એનું જ કારણ છે કે બહુજન રાજનીતિ કરતા રાજકીય પક્ષો બીએસપી, એલજેપી સિવાયના તમામ પક્ષોએ આ મામલે મૌન રહેવાનું પસંદ કર્યું હતું. જોકે, સોશિયલ મીડિયા પર દલિતો અને આદિવાસીઓમાં આ નિર્ણય સામે ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. શું 2 એપ્રિલ 2018 જેવું આંદોલન થવાનું છે? જ્યારે દલિતો અને આદિવાસીઓ એસસી/એસટી એક્ટના નબળા પડવાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ત્યારે સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે કાયદો બનાવવો પડ્યો હતો?
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી રોહિણી કમિશનના અહેવાલને લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે, જેમાં અન્ય પછાત વર્ગોમાં અતિ પછાત સમાજો માટે અલગ ક્વોટા નિર્ધારિત કરવાની વાત કરવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ભાજપની સરકારે હજુ સુધી તેનો અમલ કર્યો નથી. પરંતુ દલિતો અને આદિવાસીઓની અંદરના ભાગલાને યોગ્ય ઠેરવતા સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર ભાજપે ખુશી વ્યક્ત કરી હતી, આનો શું અર્થ છે? આ નિર્ણયને કેવી રીતે જોવો જોઈએ? શું આને ભાજપના વર્તમાન રાજકારણ સાથે કોઈ સંબંધ છે?
આ પણ વાંચોઃ RSS ની બંધારણ બદલવાની વાતે ચૂંટણીનું પાસું પલટી નાખ્યું?
ભારતીય જનતા પાર્ટી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર સત્તામાં આવી છે. BJP-RSSની વોટ બેંક માત્ર કથિત સવર્ણ જાતિઓ છે, જેમની વસ્તી દેશમાં 10-12 ટકાથી વધુ નથી. તેથી જ લઘુમતીઓ વિરુદ્ધનું રાજકારણ કરતી ભાજપ દલિતો અને પછાત વર્ગોમાં સ્થાન મેળવવા માટે તેમની વચ્ચેના આંતરિક સંઘર્ષનો ઉપયોગ કરે છે. એ વાત સાચી છે કે દલિત અને ઓબીસી સમાજ પણ જ્ઞાતિઓમાં વહેંચાયેલો છે, તેની અંદર પણ સામાજિક તફાવતો છે. પરંતુ આ સમગ્ર સમાજ વ્યવસ્થા એ બ્રાહ્મણવાદની દેન છે જેણે વર્ણ અને જાતિનું માળખું બનાવ્યું છે. સુપ્રીમ કોર્ટ કહે છે કે દલિતોની અંદર ભાગલા એટલે યોગ્ય છે કારણ કે તે એક સમાન સમાજ નથી. સર્વોચ્ચ અદાલતનું આ નિવેદન ડૉ.આંબેડકરના વિચારો અને બંધારણની એકદમ વિરુદ્ધ છે.
બાબા સાહેબ આંબેડકરે જાતિની સંરચનાને ધ્યાનમાં લેતી વખતે, ખાસ કરીને તેમના ગુરુ જ્યોતિબા ફુલે દ્વારા દલિતો માટે ઉપયોગમાં લેવાતા 'અતિશુદ્ર' શબ્દને નકારી કાઢ્યો હતો. જ્યોતિબા ફૂલેએ જે અસ્પૃશ્ય સમાજને અતિશુદ્ર કહ્યો, તેને આંબેડકરે દલિત ઓળખ સાથે સ્થાપિત કર્યો.
આ અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે દલિતો એક એવો સમાજ છે જે સદીઓથી બહિષ્કૃત જીવન જીવે છે. તેની સાથે અસ્પૃશ્યતા પાળવામાં આવે છે. તેમણે કહ્યું કે દલિતો હિંદુ નથી. અને તેમણે દલિત સમાજને પૂર્વ બૌદ્ધ અનુયાયીઓ સાથે જોડ્યો હતો. બાબાસાહેબનું કહેવું હતું કે, હિંદુત્વવાદી લોકોએ ગુપ્તકાળમાં બૌદ્ધોની કત્લેઆમ કરી હતી. જે બૌદ્ધો બચી ગયા હતા તેઓને સમાજમાં નિમ્ન સ્તરનું કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. તેમને અસ્પૃશ્ય ગણવામાં આવતા હતા.
આ પણ વાંચોઃ અબકી બાર 400 પારનો નારો અને ડૉ. આંબેડકરની ચેતવણી
'અસ્પૃશ્ય કોણ હતા?' નામના પુસ્તકમાં ડો.આંબેડકર કહે છે કે બૌદ્ધ અનુયાયીઓને નીચું દેખાડવા માટે હિંદુત્વવાદી લોકોએ ગાયને પવિત્ર બનાવી હતી. હકીકતે વૈદિક કાળમાં ગાયોની કતલ કરવામાં આવતી હતી અને તેનું માંસ પણ ખાવામાં આવતું હતું. બૌદ્ધ ધર્મ પ્રાણીઓ સામેની હિંસાને અયોગ્ય માને છે. પરંતુ મધ્યમ માર્ગને અનુસરીને બૌદ્ધો મૃત ગાયનું માંસ ખાઈ શકતા હતા.
આંબેડકર કહે છે કે હિંદુત્વવાદીઓએ પવિત્ર ગાયનો વિચાર લાગુ કરીને બૌદ્ધ અનુયાયીઓને નિશાન બનાવ્યા હતા. બૌદ્ધોએ મરેલી ગાયનું માંસ ખાવાનું બંધ ન કર્યું હોવાથી તેમને અસ્પૃશ્ય બનાવી દેવામાં આવ્યા. દલિતો વાસ્તવમાં અગાઉના બૌદ્ધ છે. એટલે આંબેડકરે હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો.
ડૉ. આંબેડકરના મંતવ્યો પરથી સ્પષ્ટ થાય છે કે દલિતો એક હોમોજેનિયસ સમાજ છે. એ સાચું કે દલિતોમાં પણ અસમાનતા છે, પણ તે હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. આ સમગ્ર સમાજ સામાજિક બહિષ્કારનો શિકાર બની રહ્યો છે. હિંદુઓ સદીઓથી દલિતો સાથે અસ્પૃશ્યતા પાળે છે. તેના આધારે બંધારણમાં અનામતની જોગવાઈ કરવામાં આવી છે. એટલા માટે સુપ્રીમ કોર્ટનો નિર્ણય બંધારણ અને ડૉ.આંબેડકરના વિચારોની વિરુદ્ધ છે.
હાલ ભલે પીએમ મોદીએ એસસી, એસટી અનામતમાં ભાગલા પાડવાનો કોઈ ઈરાદો ન હોવાનું જણાવ્યું હોય. પણ તેનાથી દલિતો, આદિવાસીઓના મનમાંથી ભાજપ-સંઘની અસલી છબિ ભૂંસાવાની નથી. વાસ્તવમાં, 2024ની લોકસભાની ચૂંટણીમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં, દલિતો અને આદિવાસીઓએ એક થઈને ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. 'અબકી બાર 400' પારનો નારો આપનાર ભાજપના ડઝનબંધ નેતાઓએ બંધારણ બદલવાની જાહેરાત કરી હતી. આ ધમકીઓએ દલિતો, આદિવાસીઓને એક કર્યા છે.
આ પણ વાંચોઃ ડૉ. બાબાસાહેબ આંબેડકરના આ સવાલનો RSS પાસે કોઈ જવાબ છે?
પરંતુ એસસી, એસટી સમાજ માટે આ માત્ર અનામતના અધિકારની વાત નહોતી, પરંતુ સદીઓની ગુલામીમાંથી મુક્તિ અને માણસ હોવાની ગેરંટીનો મામલો હતો. દલિતો માટે તે વધુ ભાવનાત્મક મુદ્દો એટલા માટે પણ છે કેમ કે ડો.આંબેડકર ભારતીય બંધારણના ઘડવૈયા છે. બાબા સાહેબ આંબેડકર દલિતો માટે મસીહા, તારણહાર અને ભગવાન સમાન છે. એનું જ કારણ છે કે જ્યારે ભાજપના નેતાઓ દ્વારા બંધારણ બદલવાની જાહેરાત કરવામાં આવી ત્યારે દલિતો એક થઈ ગયા. જેના કારણે ભાજપ ભૂંડી રીતે ચૂંટણી હારી ગયો. મોદી સરકારે વિપક્ષો સામે તમામ એજન્સીઓનો દુરુપયોગ કર્યો, કોર્પોરેટ મીડિયા અને ઈલેક્ટોરલ બોન્ડ જેવી ચાલાકીઓથી કોર્પોરેટો પાસેથી મેળવેલા કરોડોના દાનની મદદથી ભાજપ ચૂંટણી લડી રહ્યો હતો. ચૂંટણી પંચ તેમની આવી તમામ ગેરરીતિઓ સામે મૂંગું, બહેરું અને આંધળું બની રહ્યું હતું. પણ તેમ છતાં ભાજપ 240 બેઠકો પર આવી ગયો.
ભાજપને સૌથી મોટો આંચકો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં લાગ્યો છે, જે દલિત રાજકારણ, દલિત ચેતના અને દલિત આંદોલન માટે સૌથી મજબૂત રાજ્યો છે. રાજસ્થાનના તે વિસ્તારોમાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો જ્યાં આદિવાસી અને દલિત આંદોલન ચાલી રહ્યા હતા. દલિતો-આદિવાસીઓની એકતાના કારણે ભાજપની ગભરામણ સમજી શકાય તેમ છે. આ જ કારણ છે કે ભાજપ હવે દલિતો-આદિવાસીઓની એકતાને તોડવા માંગે છે. તેથી જ તેણે શરૂઆતમાં સુપ્રીમ કોર્ટના એસસી, એસટીમાં પેટા વર્ગીકરણના ચૂકાદાનું સ્વાગત કર્યું હતું. પણ પછી વિરોધનો જંગી જુવાળ પારખીને પારોઠના પગલાં લેવા પડ્યાં છે.
આ પણ વાંચોઃ કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?
એ જ રીતે આ દેશના પ્રથમ માલિક હોવાની આદિવાસી સમાજમાં જે ચેતના જાગી છે તેણે પણ ભાજપને ઘૂંટણિયે લાવી દીધો છે. વિપક્ષોએ આદિવાસીઓને 'વનવાસી' કહેવાનો એટલો વિરોધ કર્યો કે નરેન્દ્ર મોદી 'વનવાસી' શબ્દ જ ભૂલી ગયા અને 'આદિવાસી' શબ્દ વાપરવા લાગ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય થકી આદિવાસી અસ્મિતા અને ચેતનાના ઉદય અને આદિવાસી એકતાને ઠેસ પહોંચાડવાનો ઈરાદો હતો. જેનો સીધો ફાયદો ભાજપના હિન્દુત્વવાદી રાજકારણને થાય તેમ છે.
બીજી એક વાત. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કોઈપણ સર્વે અને કોઈ વિશેષ અભ્યાસ વિના આપવામાં આવ્યો છે. તેથી દલિતો અને આદિવાસીઓ તેને સ્વીકારવા તૈયાર નથી.
આ નિર્ણય RSS-BJP ના એ મનસૂબાઓને પૂર્ણ કરતો જણાય છે જે અનામત વ્યવસ્થાને સામાજિકને બદલે આર્થિક આધાર પર આપવા માંગે છે. સુપ્રીમ કોર્ટે EWS જેવી અનામતને બંધારણીય ગણાવીને તેને યોગ્ય ઠેરવી હતી. પરંતુ અનામત પર લાગેલી 50 ટકાની મર્યાદા હટાવવા તે તૈયાર નથી. પટના હાઈકોર્ટે બિહાર સરકાર દ્વારા અનામતની ટકાવારી વધારવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સુપ્રીમ કોર્ટે પણ આને યોગ્ય ગણાવ્યું છે. આ તમામ બાબતો પર બારીકાઈથી નજર કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય દ્વારા અનામતને સામાજિકને બદલે આર્થિક આધાર પર કરવાનો ખેલ ચાલી રહ્યો છે?
આગળ વાંચોઃ પોલીસ, અધિકારીઓ અને સરકારે મળી એટ્રોસિટી એક્ટને પાંગળો બનાવ્યો