વકફ બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં

કેન્દ્ર સરકાર વકફ બિલ લઈને આવી એ સાથે જ ગોદી મીડિયા અને સત્તાપક્ષના આઈટી સેલે વકફ વિશે ભ્રમ ફેલાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે અહીં વકફની હકીકત સમજીએ.

વકફ બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં
image credit - Google images

લોકસભામાં ગઈકાલે વકફ સુધારા બિલ માટે માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) રચવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. આ સમિતિમાં 31 સભ્ય હશે. લોકસભામાંથી 21 અને રાજ્યસભામાંથી 10. સમિતિ સંસદના આગામી સત્રના પ્રથમ સપ્તાહમાં પોતાનો અહેવાલ સુપરત કરવાનો રહેશે.
સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ બિલને જેપીસીને મોકલવા માટે લોકસભામાં પ્રસ્તાવ મૂક્યો હતો. રિજિજુએ એક દિવસ પહેલાં એટલે કે ગુરુવાર, 8 ઓગસ્ટે લોકસભામાં વકફ બિલ 2024 રજૂ કર્યું હતું. જેને લઈને વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષે બિલને મુસ્લિમવિરોધી ગણાવીને તેનો વિરોધ કર્યો હતો. ભારે વિરોધ વચ્ચે આ બિલને લોકસભામાં કોઈપણ ચર્ચા વિના જેપીસીને મોકલી દેવામાં આવ્યું છે. ગોદી મીડિયા અને સોશિયલ મીડિયામાં સત્તાપક્ષની ટ્રોલસેના વકફ બોર્ડને લઈને વ્યાપક જુઠ્ઠાણાં ફેલાવી રહી છે. ત્યારે અહીં વકફ શું છે અને વિશે વિસ્તારથી સમજીએ.
- રમેશ સવાણી
કેટલાંક મિત્રોનો હઠાગ્રહ છે કે વક્ફ બોર્ડ અંગે કેમ લખતા નથી? દરમિયાન ‘દિવ્યભાસ્કર’ના સંપાદકે કહ્યું કે ‘ભારતમાં રેલ્વે, આર્મી પછી જ ત્રીજા નંબરે વકફ બૉર્ડ પાસે મિલ્કતો છે.’ 
જુનાગઢ જિલ્લાના માણાવદરમાં રહેતા નિવૃત નાયબ મામલતદાર હુસેન દલ સાથે 9 ઓગસ્ટ 2024 ના રોજ ફોન પર વાત કરી વક્ફ બોર્ડ વિશે જાણકારી મેળવી. હુસેન દલ લખે છે:

[1] આ દુષ્પ્રચાર છે. વક્ફ બોર્ડ પાસે એક ચોરસ મીટર જમીન નથી કે એક રૂપિયાની મિલ્કત નથી. જે  મિલ્કતો છે તે સંબંધિત ટ્રસ્ટને વકફ થયેલી છે અથવા જે તે ટ્રસ્ટે વેચાણથી લીધેલી છે. ધાર્મિક, પવિત્ર અને સખાવતી હેતુ માટે કોઈ એ પોતાની માલીકીની મિલ્કત કાયમી અર્પણ કરી હોય એટલે કે વકફ કરી હોય એ મિલ્કતો વકફ મિલ્કતો છે અને એ જે તે મુસ્લીમ સંસ્થા કે ટ્રસ્ટને આપવામાં આવી છે. વકફ બૉર્ડને નહીં. મિલ્કત વકફ છે પણ વકફ બૉર્ડની નથી. ખેડૂતોની જમીનનું રેકર્ડ મામલતદાર રાખે છે, હક્કપત્રકમાં એન્ટ્રીઓ મામલતદાર પાડે છે એટલે શું ખેડૂતોની જમીનો મામલતદારની થઈ જાય? ખેડૂતોની જમીનો ખેડૂતોની જ રહે છે પરંતુ જમીનોના વ્યવહારો પ્રવર્તમાન કાયદા મુજબ થાય એની તકેદારી મામલતદાર રાખે છે. બસ આવી જ ભુમીકા વકફ મિલ્કતો અંગે વકફ બૉર્ડની છે.

આ પણ વાંચોઃ દલિત અત્યાચાર મામલે સ્વામિનારાયણના 'પ્રગટ બ્રહ્મસ્વરૂપો' ચૂપ કેમ રહે છે?

[2] એ જૂઠ છે કે ‘પાકિસ્તાન હિજરત કરી ગયેલાઓની મિલ્કતો વકફ બૉર્ડને આપી દેવામાં આવી છે.’ વાસ્તવમાં, પાકિસ્તાન હિજરત કરી ગયેલા મુસ્લિમોની મિલ્કતો ‘હિજરતી જાહેર’ કરીને પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા નિરાશ્રિતોને આપી દેવામાં આવી છે. રાજા-મહારાજા કે નવાબ-નિઝામના મહેલો, મિલ્કતો સરકારના હસ્તક છે જેમાં આજ પણ સરકારી કચેરીઓ આવેલી છે. એકપણ હિજરતી મિલ્કત વકફ બૉર્ડ હસ્તક નથી. તેથી વકફ બૉર્ડ પાસે લાખો એકર જમીન છે અને કરોડોની મિલ્કત છે એ વાત હવામાં ગોળીબાર જેવી છે. જે તે વકફ ટ્રસ્ટ પાસે આ મિલકતો છે. એમાં મોટા ભાગની મિલ્કતો મસ્જિદો, દરગાહો, ઈદગાહો, કબ્રસ્તાન, મદ્રેસા છે અને અમુક મિલ્કતો મસ્જિદો, દરગાહો, મદ્રેસાના નિભાવ માટે આપવામાં આવેલી છે જેમાં મકાનો, દુકાનો છે જે ભાડૂતોના કબ્જામાં છે. ક્યાંક ખેતીની જમીનો છે. જેના ઉપર દરગાહના મુંજાવરોનો કબજો છે.

[3] એ જૂઠ છે કે ‘કોઈપણ મિલ્કતને વકફ મિલ્કત જાહેર કરવાની સત્તા વકફ બૉર્ડને છે.’ 1947 પહેલાંની મસ્જિદો, દરગાહો, ઈદગાહો, કબ્રસ્તાન જેવા ધાર્મિક સ્થળો અને એને નિભાવવા માટે વકફ કરવામાં આવેલી. 1947 પહેલાંની મિલ્કતો મૂળ વકફ મિલ્કતો છે. પ્રથમથી જ આવી વકફ મિલ્કતો ચેરીટિ કમિશનરની કચેરીમાં અને મહેસુલી રેકર્ડમાં જે તે વકફ ટ્રસ્ટના નામે નોંધાયેલી છે. આવી મુળ વકફ મિલ્કતોના વકફ ટ્રસ્ટોનો વહીવટ 1995થી વકફ બૉર્ડ હસ્તક છે. 1947 પહેલાંની મુળ વકફ મિલ્કતો સિવાય કોઈ ખાનગી કે સરકારી મિલ્કતોને વકફ મિલ્કતો જાહેર કરવાની વકફ બૉર્ડને કોઈ સત્તા નથી.

[4]1947 પછી કોઈ વ્યક્તિ પોતાની મિલ્કત કોઈ વકફ ટ્રસ્ટને વકફ કરે ત્યારે અને કોઈ વકફ ટ્રસ્ટ પોતે મિલ્કત ખરીદે ત્યારે પ્રવર્તમાન કાયદાનુસાર સ્ટેમ્પ ડ્યુટી ભરીને રજિસ્ટર દસ્તાવેજથી મિલ્કતો વકફ કરવામાં કે ખરીદવામાં આવે છે.

આ પણ વાંચોઃ સ્વામિનારાયણ સાહિત્યમાં તદ્દન વાહિયાત અને જુઠ્ઠાં પરચાઓ છે

[5] વકફ બૉર્ડ શું છે ? વકફ એકટ-1954 અમલમાં હતો ત્યાં સુધી વકફ મિલ્કતો વાળા વકફ ટ્રસ્ટો ચેરીટિ કમિશ્નરમાં B વર્ગના ટ્રસ્ટો તરીકે નોંધાયેલાં હતા અને આવા ટ્રસ્ટો ઉપર દેખરેખ અને નિયંત્રણ ચેરીટિ કમિશ્નરનું હતું. વકફ એક્ટ-1995 અમલમાં આવ્યો ત્યારથી એટલે કે 1 જાન્યુઆરી 1996 થી આવા B-વર્ગના ટ્રસ્ટો રાજ્ય વકફ બૉર્ડ હસ્તક આવી ગયા છે. હવે આવા વકફ ટ્રસ્ટો ઉપર દેખરેખ અને નિયંત્રણ રાજ્ય વકફ બૉર્ડ રાખે છે. રાજ્ય વકફ બૉર્ડ રાજ્યના લીગલ ડીપાર્ટમેન્ટની એક શાખા છે. રાજ્ય વકફ બૉર્ડ ઉપર વહીવટી બાબતો માટે સેન્ટ્રલ વકફ કાઉન્સિલ છે અને ન્યાયિક બાબતો માટે વકફ ટ્રિબ્યુનલ છે. વકફ મિલ્કતો અને વકફ કમિટીઓને લગતા લીગલ કેસ સિવિલ કોર્ટમાં ચાલતા હતા તે હવે વકફ ટ્રિબ્યૂનલમાં ચાલે છે. વકફ ટ્રિબ્યૂનલ જીલ્લા કોર્ટ સમકક્ષ છે એના ઉપર હાઈકોર્ટ છે.

[6] વકફ મિલ્કતો વકફ બૉર્ડના નામે નથી. વકફ બૉર્ડ સુપરવાઈઝરી ઓથોરીટિ છે કે જે વકફ મિલ્કતોનો વકફ એકટની જોગવાઈ મુજબ ઉપયોગ થાય એની તકેદારી રાખે છે. વકફ બૉર્ડની ભૂમિકા ચેરીટિ કમિશનર જેવી જ છે. એથી વિશેષ નથી. સ્વામી નારાયણ સંપ્રદાય ટ્રસ્ટની મિલ્કતો, કોઈ મંદિર ટ્રસ્ટની મિલ્કતો, કોઈ શૈક્ષણિક ટ્રસ્ટની મિલ્કતો, કોઈ હોસ્પિટલ ટ્રસ્ટની મિલ્કતો કે કોઈપણ ટ્રસ્ટની મિલ્કતો ઉપર જેમ ચેરીટિ કમિશ્નરનો માલિકી હક્ક નથી એવી જ રીતે વકફ ટ્રસ્ટની મિલ્કતો ઉપર વકફ બૉર્ડનો કોઈ હક્ક નથી. ચેરીટી કમિશ્નરની જેમ જ વકફ બૉર્ડ પણ ફકત સુપરવાઈઝરી ઓથોરીટી છે. 

[7] વકફ એક્ટ-1995માં 2013માં સુધારો કરી, વકફ મિલ્કતો વેચાણ કરવાની મંજૂરી આપવાની સત્તા વકફ બૉર્ડને હતી તે સમાપ્ત કરવામાં આવી છે. 2013 ના સુધારાથી વકફ મિલ્કતો વેચાણ કરવા ઉપર પ્રતિબંધ આવેલ છે.

આ પણ વાંચોઃ શા માટે ધર્મસ્થળો માણસોથી ઉભરાય છે? આ રહ્યો તર્કબદ્ધ જવાબ

[8] ટૂંકમાં, વકફ બૉર્ડ પાસે અઢળક મિલ્કતો હોવાની વાત તદ્દન ખોટી છે. વકફ બોર્ડ પાસે હિજરતી મિલ્કતો હોવાની વાત પણ તદ્દન વાહિયાત છે. વકફ બૉર્ડને કોઈપણ મિલ્કત વકફ મિલ્કત જાહેર કરવાની સત્તા, વકફ એકટમાં હોવાની વાત પણ તદ્દન ખોટી છે.
જેમ ગાંધીનગરમાં અક્ષરધામને 1 રુપિયામાં આપેલી જમીનનો ઉપયોગ વેપારી પ્રવૃતિ માટે થઈ શકે નહીં, તે રીતે ધાર્મિક હેતુ માટે જે મિલકત વકફ કરવામાં આવી છે તેનો ઉપયોગ ધંધા માટે થઈ ન શકે. સવાલ એ છે કે The Waqf (Amendment) Bill, 2024 શા માટે? કદાચ, કાયદામાં સુધારો કરીને ‘હેતુ ફેર’ કરવાનો ઈરાદો હોઈ શકે.

(લેખક પૂર્વ આઈપીએસ અને રેશનલ વિચારધારાના પક્ષધર છે)

આગળ વાંચોઃ હજુ તો લોકશાહીનો માત્ર બચાવ થયો છે, પુનર્વસન-પુનઃસ્થાપન બાકી છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Navin
    Navin
    ભાજપ સરકાર ને પુરી ખબર છે કે તેની સતા જઇ રહી છે સતા ને ટકાવી રાખવા માટે કોઈ ખાસ મુદા રહ્યા નથી, કોઇ દેશ હિત જન હિત કે વિકાસ ના ખાસ કામો કર્યા નથી માટે હવે હિંદુ મુસ્લિમ કર્યા વગર બીજો કોઇ મુદો સતા ટકાવી રાખવા બચ્યો નથી,
    2 months ago