24 નવેમ્બર 1930ના રોજ ‘જનતા’ અખબારનો પ્રથમ અંક પ્રકાશિત થયો હતો

24 નવેમ્બર 1930ના રોજ ‘જનતા’ અખબારનો પ્રથમ અંક પ્રકાશિત થયો હતો

24 નવેમ્બર ઇતિહાસમાં આગવું સ્થાન છે. આજના જ દિવસે બાબાસાહેબ પ્રેરિત ‘જનતા’ સમાચારપત્રનો પહેલો અંક પ્રકાશિત થયો હતો. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ડો. બાબાસાહેબ આંબેડકર બ્રિટન ગયા તે પહેલા પોતાના સમાચાર તેમજ વિદેશમાં ગોળમેજીમાં થયેલી પ્રવૃત્તિ વિશે પ્રકાશ પાડવા અખબાર શરૂ કરવા માટે નિર્ધાર કર્યો હતો. પુના કરારની સચોટ માહિતી 'જનતા' અખબારનો અભ્યાસ કરવાથી સંશોધકને મળી રહે છે. ‘જનતા’ ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા શરૂ કરાયેલું પહેલું અખબાર હતું. તેનો પ્રથમ અંક 24 નવેમ્બર 1930ના રોજ પ્રકાશિત થયો હતો. તેના સંપાદક દેવરાવ વિષ્ણુ નાઈક હતા. પ્રકાશક અને વ્યવસ્થાપન ભાસ્કરરાવ રઘુનાથ કદરેકર સંભાળ્યું હતું. ‘જનતા’નું વાર્ષિક લવાજમ બે રૂપિયા દસ આના હતું.

શરૂઆતમાં પાક્ષિક રહ્યાં બાદ 31મી ઓક્ટોબર ઈ.સ. 1930માં તે સાપ્તાહિક બન્યું.

આ અખબારમાંથી ડૉ. બાબાસાહેબ આંબેડકરે તમામ તાકીદના મુદ્દાઓની ચર્ચા કરી અને લોકોના પત્રો, ખાસ કરીને વિલાયતથી તેમના દ્વારા મોકલવામાં આવેલા પત્રો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ અખબારના તંત્રીઓ સમયાંતરે બદલાતા રહ્યાં હતાં. જેમાં અનંતરાવ વિનાયક ચિત્રે, બાપુસાહેબ સહસ્ત્રબુદ્ધેએ જવાબદારી સુપેરે પાર પાડી હતી. નોંધવા જેવી બાબત એ છે કે સંપાદકો અને વ્યવસ્થાપકો સવર્ણ જ્ઞાતિના હતા. 4 ફેબ્રુઆરી ઈ.સ 1956માં 'જનતા'નું નામ બદલીને ‘પ્રબુદ્ધ ભારત’ કરવામાં આવ્યું હતું. જેનું લવાજમ રૂ. 7 હતું. પ્રથમ અંકના મથાળા ઉપર ‘જનતા’ સમાચાર પત્રનું નામ બદલી ‘પ્રબુદ્ધ ભારત’ રાખ્યું છે તેની નોંધ મૂકેલી હતી.

ડૉ. બાબાસાહેબ આંબેડકરના તમામ અખબારો મરાઠી ભાષામાં પ્રકાશિત થતા હતા કારણ કે મરાઠી તે સમયની સામાન્ય ભાષા હતી. વળી બાબાસાહેબનું કાર્યક્ષેત્ર (કર્મભૂમિ) મહારાષ્ટ્ર હતું અને ત્યાંની સ્થાનિક ભાષા મરાઠી છે. બાબાસાહેબ અંગ્રેજી ભાષાના મહાન વિદ્વાન હતા પરંતુ તેઓ પ્રજાની નાડ પારખતા હતા. એટલે તેમના અખબારો મરાઠી ભાષામાં પ્રકાશિત કર્યા કારણ કે તે સમયે મહારાષ્ટ્રની દલિત જનતા બહુ શિક્ષિત નહોતી, તેઓ માત્ર મરાઠીમાં જ સમજી શકતા હતા. સમાજ સુધી સમાજની વેદના સાચી રીતે પહોંચી શકવા માટે માતૃભાષા જ સેતુ બનશે તે તેમને ખબર હતી. પરંતુ તે જ સમયે ગાંધીજી પોતાને દલિતોના હિતચિંતક તરીકે પ્રસ્થાપિત કરવા માટે અંગ્રેજી ભાષામાં તેમનું અખબાર 'હરિજન' પ્રકાશિત કરી રહ્યાં હતાં. સમસ્યા એ હતી કે તે સમયે દલિતોને શિક્ષણથી વંચિત રાખવામાં આવતા હતા, એટલે તેમના માટે અંગ્રેજી ભાષા સમજવી અઘરી હતી. આથી જ ‘જનતા’નું મહત્વ આપોઆપ વધી જાય છે.

  • અમિત પી. જ્યોતિકર (લેખક ડો. આંબેડકરના જીવનકાર્યના અભ્યાસુ છે.)

આ પણ વાંચો :સુપ્રીમ કોર્ટ પરિસરમાં બંધારણ દિવસે લાગશે ડો. બાબાસાહેબ આંબેડકરની 7 ફૂટ ઊંચી પ્રતિમા

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.

અહીં કલિક કરો:


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.