બ્રાહ્મણોની સાંસ્કૃતિક ગુલામીમાંથી બહુજનોને કેવી રીતે બચાવી શકાય?

બહુજન સમાજ ભૌતિક-આર્થિક-રાજકીય ગુલામીમાંથી અમુક અંશે મુક્ત થયો છે પરંતુ આજે પણ સંપૂર્ણ સાંસ્કૃતિક ગુલામીના કારણે માનસિક ગુલામીમાં જીવી રહ્યો છે.

બ્રાહ્મણોની સાંસ્કૃતિક ગુલામીમાંથી બહુજનોને કેવી રીતે બચાવી શકાય?

બ્રાહ્મણ વર્ગ કહે છે કે આપણે કોટ-પેન્ટ છોડીને ધોતી-કુર્તા પહેરવા જોઈએ. તે કહે છે કે આપણે અંગ્રેજી છોડીને હિન્દી અપનાવવી જોઈએ, વિજ્ઞાનને બદલે ધર્મ તરફ જવું જોઈએ. પરંતુ તે પોતે તેનાથી વિપરીત કરે છે.

ગુલામીના ઘણા પ્રકાર છે. જેમ કે - શારીરિક ગુલામી, માનસિક ગુલામી, આર્થિક ગુલામી, રાજકીય ગુલામી અને સાંસ્કૃતિક ગુલામી. હાલમાં બહુજન સમાજ ભૌતિક ગુલામી, આર્થિક ગુલામી અને રાજકીય ગુલામીમાંથી અમુક અંશે મુક્ત થયો છે. પરંતુ આજે પણ આપણે સંપૂર્ણ સાંસ્કૃતિક ગુલામી અને પરિણામે માનસિક ગુલામીમાં જીવી રહ્યા છીએ.

ડૉ. ભીમરાવ આંબેડકરે સાંસ્કૃતિક ગુલામીની એ પરિસ્થિતિનું વર્ણન કર્યું છે, જ્યારે કોઈ સમાજ અથવા સમૂહના લોકો પોતાની સ્વતંત્રતા અને સ્વાધીનતાને બદલે અન્ય સમાજ અથવા વ્યક્તિઓની સાંસ્કૃતિક માન્યતાઓ, મૂલ્યો અને નિયમોને અનુસરવા મજબૂર હોય છે. તેનો અર્થ એ છે કે તેઓ પોતાની સાંસ્કૃતિક વિવિધતા અને સ્વતંત્રતાને છોડીને અન્ય લોકોની સાંસ્કૃતિક માન્યતાઓને અનુસરે છે. ડૉ. આંબેડકરે તેને એક પ્રકારની ગુલામી અથવા જુલમ તરીકે જોયો, જે વ્યક્તિ અને સમાજની સ્વતંત્રતાને હાઇજેક કરે છે.

આ પણ વાંચો: બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - કૌશિક શરૂઆત

એ જાણીતું છે કે જ્યારે કોઈ શાસક સમાજ કોઈ સમાજને ગુલામ બનાવવાનો પ્રયાસ કરે છે ત્યારે તેનો પહેલો પ્રયાસ ધીમે ધીમે તેને સાંસ્કૃતિક ગુલામ બનાવવાનો હોય છે. તેથી જ તે ધાર્મિક પુસ્તકો લખે છે. મનુસ્મૃતિની જેમ વેદ, પુરાણ, રામાયણ, મહાભારત અને ગીતા લખાયા. બ્રાહ્મણ વર્ગ આ પુસ્તકોમાં બહુજન જાતિઓને હલકી કક્ષાની ગણાવે છે અને કહે છે કે આ પુસ્તકો ભગવાને લખ્યા છે. તે કહે છે કે તમે પગમાંથી જન્મ્યા છો એટલા માટે તમે શુદ્ર છો. આ પુસ્તકોમાં આવું એટલા માટે લાખવામાં આવ્યું છે જેથી એક મોટા સમાજને સાંસ્કૃતિક ગુલામ બનાવી શકાય. અને તેઓ આ કાર્યમાં લગભગ સફળ થયા છે. જો આવું ન થયું હોત તો એ કેવી રીતે શક્ય છે કે મહિલાઓ એ રામાયણના કાંડનું પઠન સ્વયં કરે છે, જેમાં કહેવાયું છે કે, "ઢોર, ગંવાર શુદ્ર પશુ ઔર નારી, યહ હૈ તાડન કે અધિકારી." આજે સાંસ્કૃતિક ગુલામીની સ્થિતિ એ છે કે દલિતો અને ઓબીસી પણ એ ભાગવત કથાનું આયોજન કરે છે જેમાં તેમને હલકી કક્ષાના ચીતરવામાં આવ્યા છે.

કહેવાની જરૂર નથી કે આજે બહુજન સમાજ કે કોઈપણ શ્રમજીવી સમાજ ભદ્ર સમાજની સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યો છે. જ્યારે પણ બહુજન સમાજનો કોઈ વ્યક્તિ બંધારણ દ્વારા આપવામાં આવેલ અનામતનો લાભ લઈને કોઈ મોટા હોદ્દા કે કોઈ મોટા વેપારમાં આવે છે ત્યારે તે પોતાની જાતને કથિત ઉચ્ચ વર્ણના બતાવવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં તે કથિત સવર્ણ વર્ગના તહેવારો અને દેખાવને પણ અપનાવવાનું શરૂ કરે છે. તે પોતાના મહાન પૂર્વજો અને તેમના યોગદાનને યાદ કરવામાં શરમ અનુભવે છે. પોતાની સંસ્કૃતિને હલકી ગણે છે. એક રીતે જોવામાં આવે તો આ શિક્ષિત વ્યક્તિ વાસ્તવમાં બ્રાહ્મણ વર્ગનો સાંસ્કૃતિક ગુલામ છે. ભલે તેને આ ગુલામીની જાણ ન હોય. 

આ પણ વાંચો: ફિલ્મ 12th Fail - વાત સંઘર્ષની નહીં બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે

ઘણી વખત બ્રાહ્મણ વર્ગ કે જે શાસક વર્ગ છે, તે બહુજન સમાજના તહેવારોને અપનાવે છે અને તેમાં ફેરફાર કરીને પીરસે છે. તેની પાછળ ભારતના પાક અને મોસમ આધારિત તહેવારોની જેમ મૂડી અને ગુલામીની વાર્તા જેવા કારણો છે. આ તહેવાર અહીંના બહુજન મૂળનિવાસીઓનો તહેવાર છે. તેને કાલ્પનિક, ધાર્મિક દેવતાઓના નામે વાર્તાઓ રચીને તેને પરિવર્તિત કરી દેવાયા છે. પાક અને ઋતુ આધારિત તહેવારો આજે ભેદભાવ અને ઊંચનીચના પ્રતિક બની ગયા છે. આ તહેવારો બ્રાહ્મણ વર્ગ માટે આવકનું સાધન બનીને રહી ગયા છે અને તેઓ તેના પર જ નિર્ભર છે. 

પ્રશ્ન એ છે કે સાંસ્કૃતિક આત્મનિર્ભરતા માટે કેવા પ્રકારના પ્રયત્નો જરૂરી છે? ઉદાહરણ તરીકે, સૌ પ્રથમ તેણે તેની ગુમાવેલી સંસ્કૃતિ પાછી મેળવવી જોઈએ. આ સમાજ પોતાના સાંસ્કૃતિક મૂલ્યોને ખુદ ઓળખે અને તેમાં બ્રાહ્મણ વર્ગ દ્વારા કરવામાં આવેલા ફેરફારોને ઉખાડી ફેંકે. જો બહુજન સમાજ આ કરી શકશે તો તે તેના ગુલામીવાળા દંભ, રીતિરિવાજો અને દેખાડાને જડમૂળથી ઉખાડીને ફેંકી શકશે. આ ઉપરાંત એવા તહેવારોનો બહિષ્કાર કરવો જોઈએ જેમાં બ્રાહ્મણો અથવા ચોક્કસ જાતિ વિશેષની જરૂર પડતી હોય. જોતિરાવ ફૂલે, ડૉ. આંબેડકર જેવા મહાપુરુષોએ જે નવા ઉત્સવોનું સૂચન કર્યું છે તે શરૂ કરો. અથવા એ મહાપુરુષો સાથે જોડાયેલી વિશેષ ઘટના જેમ કે તેમનો જન્મદિવસ, પરિનિર્વાણ દિવસ, મોટા આંદોલનના દિવસ વગેરે જેવી કોઈ વિશેષ ઘટનાની ઉજવણી કરો.

સાદા શબ્દોમાં કહીએ તો બ્રાહ્મણ વર્ગ આપણને કહે છે કે તમારે કોટ-પેન્ટ છોડીને ધોતી-કુર્તા પહેરવા જોઈએ, અંગ્રેજી છોડીને હિન્દી અપનાવવી જોઈએ, એલોપેથી અને આધુનિક દવાઓ છોડીને આયુર્વેદને અપાનવવું જોઈએ, વિજ્ઞાનને બદલે ધર્મ તરફ જવું જોઈએ. પરંતુ તેઓ પોતે તેનાથી વિપરીત કરે છે. તે આવું એટલા માટે કહે છે કારણ કે તે વિજ્ઞાન અને આધુનિકતાથી ડરે છે. તેને લાગે છે કે જો તેના ગુલામો વિજ્ઞાન અને આધુનિકતાથી સજ્જ હશે તો તેઓ તેમની ગુલામી છોડી દેશે અને તેમની સર્વોપરિતાને પડકારશે. 

આ પણ વાંચો: E. V. Ramasamy Periyar હિંદુ દેવી-દેવતાઓ અને ધર્મગ્રંથો વિશે શું માનતા હતા?

એક પ્રશ્ન એ પણ છે કે, બહુજન સમુદાયે સાંસ્કૃતિક સ્વાવલંબનનું લક્ષ્ય કેવી રીતે હાંસલ કરવું જોઈએ. તો બહુજન મહાપુરુષોએ આ વિશે પહેલેથી જ કહ્યું છે. ઉદાહરણ તરીકે, આંતરજાતિય, આંતર-ધાર્મિક લગ્નો કરીને આપણે સાંસ્કૃતિક ગુલામીને તોડી શકીએ છીએ. મૂડીવાદની પકડમાં આવી ગયેલા તહેવારોનો ત્યાગ કરીને આપણે આર્થિક ગુલામીની સાંકળ તોડી શકીએ છીએ. બ્રાહ્મણો પર આધારિત તહેવારોનો બહિષ્કાર કરીને આપણે સાંસ્કૃતિક ગુલામીની સાંકળો તોડી શકીએ છીએ. જો સરકારી સ્તરે વાત કરીએ તો અત્યંત પછાત જાતિઓને પ્રતિનિધિત્વનો અધિકાર (અનામત કે તક) આપીને એક નવી સંસ્કૃતિની શરૂઆત કરી શકાય છે. આપણે બહુજન સમાજમાં ઉંચા-નીચના તમામ ભેદને દૂર કરવા પડશે. આ સિવાય આપણા પૂર્વજોની શ્રમણ સંસ્કૃતિને અપનાવીને આપણે સાંસ્કૃતિક રીતે આત્મનિર્ભર બની શકીએ છીએ.

આ પણ વાંચો: બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં કેવી રીતે ઉપયોગી છે પેરિયારનું ‘સાચી રામાયણ’ પુસ્તક?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.