ગિગ વર્કર્સની હાલત અસંગઠિત શ્રમિકો કરતાં બદતર છે
સ્માર્ટફોનની કોઈ એપ દ્વારા ઓર્ડર કરેલી વસ્તુ જ્યારે ગણતરીની મિનિટોમાં ડિલિવર થઈ જાય ત્યારે ખુશ થઈ જતા આપણે સૌએ આ લેખ ચોક્કસ વાંચવો રહ્યો.
૨૦૨૩માં રાજસ્થાનની કોંગ્રેસ સરકારે ગિગ વર્કર્સના કલ્યાણ અને રજિસ્ટ્રેશન અંગેનો કાયદો ઘડ્યો હતો. દેશના લાખો ગિગ વર્કર્સને લગતો કાયદો ઘડનારું રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય છે. હવે તેના પગલે કર્ણાટકની કોંગ્રેસ સરકારે ગિગ વર્કર્સ સંબંધી અધિનિયમનો મુસદ્દો તૈયાર કરી, જાહેર ચર્ચા માટે મુક્યો છે. તેલંગાણા સરકાર પણ આવો કાયદો ઘડવાની છે. કોંગ્રેસે તેની રાજવટના રાજ્યોમાં કાયદો ઘડી રાષ્ટ્રીય કક્ષાએ પણ ગિગ વર્કર્સ સંબંધી કાયદો બનાવવાની કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરી છે. તેને કારણે ગિગ ઈકોનોમી અને ગિગ વર્કર્સ ચર્ચામાં છે.
આપણે સ્માર્ટ ફોનથી કોઈ એપ મારફત ઓર્ડર કરીએ અને ગણતરીની મિનિટોમાં બહાર જવા કેબ ઘરના આંગણે આવી જાય કે કોઈ ઘરે જમવાનું અને બીજી ચીજો આપી જાય તો આ વ્યવસ્થા પર આપણે વારી જઈએ છીએ. પરંતુ આ વ્યવસ્થાની કરોડરજ્જુ સમા કામદારો-કર્મચારીઓની હાલત અંગે સાવ બેખબર હોઈએ છીએ. ગિગ ઈકોનોમી મુક્ત બજાર પ્રણાલી છે અને તે આર્થિક ઉદારીકરણની ઉપજ છે. કેબ ડ્રાઈવર, ડિલિવરી કરનારા વ્યક્તિઓ, સોફ્ટવેરની કામગીરી સાથે સંકળાયેલા લોકો, વ્યવસાયી સેવાઓ, સમૂહસેવાઓ, વકીલ, પત્રકાર, ફોટોગ્રાફર, લેખક, વેબ ડિઝાઈનર અને એવા બીજા કામો સાથે સંકળાયેલા લોકો ગિગ વર્કર્સના રૂપાળા નામે ઓળખાય છે.
ગિગ વર્કરની કોઈ ચોક્કસ વ્યાખ્યા હજુ ઘડાઈ નથી પરંતુ સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ના અધ્યાય ૧, ખંડ-૨(૩૫)માં તેની અધૂરી અને અસ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં ગિગ વર્કરને એક વ્યક્તિના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. તે એક એવી કાર્ય વ્યવસ્થાનો ભાગ છે જેમાં તે મજૂર-માલિક સંબંધોથી પર રહીને પોતાની રોજી મેળવે છે. એક અર્થમાં ગિગ શ્રમિકો અસંગઠિત શ્રમિકોનું વિસ્તરણ છે. અંશકાલીન, સ્વનિયોજિત કે એકાધિક કામ કે નોકરી કરનાર વ્યક્તિ ગિગ શ્રમિક ગણાય છે. તેના કામના કલાકો, કામનું પ્રમાણ અને રોજી સાવ અનિશ્ચિત હોય છે. તે કોઈ કંપની કે સંસ્થાના હાજરીપત્રક પર નથી હોતા અને પગારપત્રક પર પણ નથી હોતા. પરંતુ તે કંપની કે સંસ્થાનું કામ કરે છે. કહેવા ખાતર તો તેઓ પોતાના જ માલિક છે. મનમરજીનું કામ મન પસંદ સમયે કરે છે અને રિસેષ કે રજા માટે કોઈની પરવાનગી લેવાની હોતી નથી પરંતુ વાસ્તવિકતા જુદી છે. કહેવાતા માલિક સાથેનો તેનો સંબંધ ટૂંકા ગાળાનો અને કામ પૂરતો જ હોય છે.
આ પણ વાંચો: ઘરઘાટી, ગૃહયોગી, હાઉસ હેલ્પર: ન ઉજળું નામ, વધુ કામ, કમ દામ
ગિગ વર્કર્સ માત્ર ભારત પૂરતા સીમિત નથી. આખી દુનિયામાં છે. મૂડીવાદી અમેરિકામાં લગભગ સાડા છ કરોડ ગિગ વર્કર્સ છે. હવે પછીના પાંચેક વરસોમાં અમેરિકામાં કામ કરનારાઓમાંથી અડધોઅડધ ગિગ વર્કર્સ હશે. ૨૦૨૩માં વિશ્વ આખાના અર્થતંત્રમાં ગિગ ઈકોનોમીનું પ્રદાન ૪૫.૫ કરોડ ડોલરનું હતું.
હાલમાં ભારતમાં અંદાજિત ૭૭ લાખથી ૧.૫ કરોડ ગિગ વર્કર્સ છે. આ દાયકાના અંતે તે વધીને ૨.૪ કરોડ થવાની ધારણા છે. સૌથી ઓછા ૧ લાખ ગિગ વર્કર્સ શિક્ષણમાં અને સૌથી વધુ ૨૬.૬ લાખ રિટેઈલ ટ્રેડ એન્ડ સેલ્સમાં કામ કરે છે. ૧૩ લાખ ટ્રાન્સપોર્ટેશન, ૬.૩ લાખ ફાયનાન્સ અને ઈન્સ્યુરન્સમાં અને ૬.૨ લાખ મેન્યુફેકચરિંગ ક્ષેત્રે કામ કરી રોજી મેળવે છે.
નીતિ આયોગના અહેવાલમાં ૨૦૧૯-૨૦માં ૪૭ ટકા ગિગ શ્રમિકો મધ્યમ કૌશલ્યના રોજગારમાં, ૩૧ ટકા નિમ્ન કૌશલ્યમાં અને માત્ર ૨૨ ટકા જ ઉચ્ચ કૌશલ્યની નોકરીઓમાં હતા. ૨૦૨૦-૨૧માં દેશના ટોટલ વર્કફોર્સમાં ૧.૫ ટકા અને બિનક્રુષિમાં ૨.૬ ટકા ગિગ વર્કર્સ હતા.
અસંગઠિત ક્ષેત્રનો વિસ્તાર મનાતા ગિગ વર્કર્સની હાલત અસંગઠિત શ્રમિકો કરતાં બદતર છે. માર્ચ ૨૦૨૪માં જાહેર થયેલા ગિગવર્કર્સ અંગેના બે સર્વેક્ષણોમાં પણ આ બાબત ઉજાગર થઈ છે. ‘ જનપહેલ’ નામક સ્વૈચ્છિક સંસ્થાએ ૩૨ શહેરોના પાંચ હજાર ગિગવર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સનો અભ્યાસ કર્યો હતો. ઈન્ડિયન ફેડરેશન ઓફ એપબેસ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સે દેશના આઠ મોટા શહેરોના ૫૩૦૨ કેબ ડ્રાયવરો અને ૫૦૨૮ ડિલિવરી મેનનું સર્વેક્ષણ કર્યું હતું. પ્રથમ સર્વેક્ષણ હેઠળના કામદારોમાંથી ૮૫ ટકા, ૩૦ થી ૫૦ વરસના જ્યારે બીજા સર્વેક્ષણના ૭૮ ટકા, ૨૧ થી ૪૦ વરસના હતા.
બંને સર્વેક્ષણના તારણોમાં કામના કલાકો, કામનો પ્રકાર અને માસિક આવકની વિગતો ચિંતાજનક છે. ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સના ૫૭ ટકા ૨ થી ૫ વરસથી અને ૧૬ ટકા ૫ કરતાં વધુ વરસોથી કામ કરતા હતા. મતલબ કે કામની કોઈ ખાતરી કે સલામતી નહોતી. નોકરીની અસાલમતીનું કારણ ૮૭ ટકાના મતે ઓછા સમયમાં સેવા પૂરી પાડવી તે છે. અગાઉની તુલનામાં હવે તેમની સંખ્યા વધી છે પણ આવક ઘટી છે. ૧/૩ કેબ ડ્રાઈવર ૧૪ કલાક, ૬૦ ટકા ૧૨ કલાક અને ૮૩ ટકા ૧૦ કલાકથી વધુ કામ કરે છે.
અહીં પણ જ્ઞાતિગત અસમાનતા જોવા મળી છે. બિનઅનામત વર્ગના માત્ર ૧૬ ટકાની સરખામણીએ દલિત-આદિવાસી ૬૦ ટકા કેબ ડ્રાઈવરો ૧૪ કલાકથી વધુ કામ કરે છે. ૪૩ ટકાને રોજના રૂ.૫૦૦ અને મહિને રૂ.૧૫,૦૦૦ રોજી મળે છે. ૩૪ ટકા માસિક ૧૦ હજારથી ઓછું કમાય છે. કંપનીઓ અનુચિત, મનફાવતું અને અસ્પષ્ટ કમિશન લેતી હોવાની અને ગ્રાહકો દુર્વ્યવહાર કરતા હોવાની ફરિયાદ લગભગ બધાની હતી.
ગિગ વર્કસને અસંગઠિત ક્ષેત્રના કામદારોને મળતું કાયદાકીય રક્ષણ મળતું નથી. કેમકે શ્રમિક કાયદાઓમાં તેમનો સમાવેશા કરવામાં આવ્યો નથી. ગિગ વર્કર્સને લઘુતમ વેતન, પેન્શનરી લાભો, આરોગ્યની સેવાઓ, સવેતન અઠવાડિક કે અન્ય રજાઓ મળતી નથી. રાજસ્થાન અને અન્ય કોંગ્રેસશાસિત રાજ્યોના ગિગ વર્કસને લગતા કાયદા પણ તેમના અધિકારોના બદલે કલ્યાણને લગતા વધુ છે.
રાજસ્થાન અને કર્ણાટકના કાયદામાં પ્લેટફોર્મ આધારિત ગિગ વર્કર્સનો જ સમાવેશ થાય છે. જે લોકો ઓનલાઈન અલ્ગોરિથમ મેચિંગ પ્લેટફોર્મ કે એપનો ઉપયોગ કરે છે તે પ્લેટ આધારિત ગિગ વર્કર્સ છે પરંતુ તેનો ઉપયોગ ન કરનાર કે તેની બહાર રહીને કામ કરતા ગિગ વર્કર્સની સંખ્યા ઘણી મોટી છે. તેમનો સમાવેશ કાયદામાં થયો નથી. ગિગ વર્કર્સને કર્ણાટકનો પ્રસ્તાવિત કાયદો નબળો લાગે છે તો તેમના માલિકોના સંગઠનને કાયદો જરાય સ્વીકાર્ય નથી.
જ્યારે દેશ અને દુનિયામાં ગિગ ઈકોનોમી અને ગિગ વર્કર્સમાં વૃધ્ધિ થઈ રહી છે ત્યારે ગિગ વર્કર્સને અસંગઠિત શ્રમિકોને મળતા હક અને લાભ મળવા જોઈએ. લઘુતમ વેતન, કામના નિર્ધારિત કલાકો, પારદર્શી અને નિષ્પક્ષ ચુકવણાની વ્યવસ્થા, કલ્યાણ બોર્ડ અને કલ્યાણ કોષની રચના જેવા પગલાં લેવા જોઈએ.
આગામી યુનિયન બજેટને માત્ર આવકવેરાની મુક્તિ મર્યાદાની સંકુચિત નજરે સારા કે નરસા તરીકે મુલવવાને બદલે ગિગ સહિતના અસંગઠિત શ્રમિકોના હિતની દ્રષ્ટિએ મુલવવું જોઈએ. જેમની પાસે. સ્માર્ટ ફોન કે ઈન્ટરનેટની સુવિધા નથી તેમના માટે તો ગિગ વર્કર્સ બનવું પણ મુશ્કેલ છે. એટલે ડિજિટલ ડિવાઈડના દ્રષ્ટિકોણથી પણ આ બાબતને ચકાસવી જોઈએ
maheriyachandu@gmail.com (લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)
આ પણ વાંચો: May દિન પૂછે છે: કામદારોની હાલત બહેતર કે બદતર?