એમણે કહ્યું કે ગામ જમે છે તો તમે પણ ‘કાયમ આવો છો એ રીતે’ જમવા આવજો. હવે કાયમની જેમ એટલે?

અયોધ્યામાં રામ મંદિરના કથિત પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમને એક પક્ષના લાભાર્થે રાજકીય ઈવેન્ટમાં પરિવર્તિત કરી દેવાઈ છે ત્યારે અહીં બહુજન યુવાન પ્રદ્યોત પ્રિયદર્શી તેમના ગામ ‘રામપુર’માં ચાલી રહેલા વર્ષો જૂના મુદ્દાને આપણી સમક્ષ લઈ આવ્યા છે. આમ તો ગુજરાત સહિત દેશભરના દલિતો માટે આ જરાય નવી વાત નથી, પરંતુ કથિત રામરાજ્યને લઈને જ્યાં ચોતરફ ધાર્મિક-રાજકીય ઉન્માદ પેદા કરીને અન્યાયની મૂળ વાતને ભૂલાવી દેવા પ્રયત્નો થઈ રહ્યાં છે ત્યારે એ બાબતે સમાજનું ધ્યાન ચોક્કસ દોરવું રહ્યું.

એમણે કહ્યું કે ગામ જમે છે તો તમે પણ ‘કાયમ આવો છો એ રીતે’ જમવા આવજો. હવે કાયમની જેમ એટલે?

પ્રદ્યોત પ્રિયદર્શી

અન્ય ગામોની સાપેક્ષે અમારું ગામ શાંત. જ્ઞાતિઓ વચ્ચે ઝઘડા ને વેરઝેર પણ ઓછાં, અસ્પૃશ્યતાનું પ્રમાણ પણ ઓછું. વરરાજાને ઘોડી પર બેસવા સામે પણ કોઈ વાંધો ન લે ને સૌ કોઈ મૂછો રાખી શકે. જુદી જુદી જ્ઞાતિના લોકોની વ્યક્તિગત મૈત્રીનાં પણ ઘણા દાખલા મળે.

પણ, હું નાનો હતો ત્યારનો જોઉં છું કે અમારા ગામની ગૉમહાયણી(સામૂહિક જમણવાર)માં પહેલાં કથિત સવર્ણો જમી લે પછી રાવળોનો વારો આવે ને પછી અમારો(દલિતોનો). સૌથી છેલ્લા હોવાને કારણે ભોજનનો યોગ્ય સમય તો વીતી જ જાય અને ક્યારેક અમુક વાનગી પતી ગઈ હોય એમ પણ બને. મેં પણ આ પ્રકારે છેલ્લી પંગતમાં ભાગ લીધેલો છે. વર્ષો સુધી આવું ચાલ્યું. પણ હવે અનુસૂચિત જાતિના લોકો આવી અન્યાયી વ્યવસ્થા સ્વીકારવા તૈયાર નથી. છેલ્લા બે-ત્રણ વર્ષથી અમારા ગામના દલિતો ગૉમહાયણીમાં ભાગ લેતા નથી. માંગણી એવી છે કે અમને પણ બધાની જેમ રાખવામાં આવે. મતલબ કે અમારા માટે કોઈ અલગ વ્યવસ્થા ના હોય.

વચ્ચે અમારા ગામના પણ વર્ષોથી શહેરમાં રહેતા એક પટેલ ભાઈએ એમની માતાની જીવતચર્યા કરવાનું ગોઠવ્યું. ગામ જમાડનાર દરેકના મનમાં હોય કે ગામની એક પણ વ્યક્તિ રહી જવી ન જોઈએ. ઘણા વખતથી દલિતો ગૉમહાયણીમાં ભાગ લેતા નથી એની એમને જાણ હતી પણ એમણે એક પ્રયત્ન કરી જોવાનું નક્કી કર્યું અને અમારા વાસમાં આવીને પ્રસ્તાવ મુક્યો કે હું ગામ જમાડું છું, તમે બધા આવશો ને?

સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ગામ જમાડે એના પહેલાં આખા ગામની બેઠક બોલાવી સૌની આગળ પ્રસ્તાવ મૂકે, ગામ મોટાભાગે સંમતિ દાખવે અને જમણવાર થાય, આ પરંપરા છે. અમારા વાસના લોકોએ તો તરત પોતાની માંગણી આગળ ધરીને કહ્યું કે, સમાનતા હશે તો આવીશું. થોડી ચર્ચાના અંતે પેલા શહેરી ભાઈ તો સંમત થયા પણ તોય એમ કહ્યું કે ગામને પૂછવું પડે. અમારા વાસની મીટિંગ પૂરી થયા પછી ગામના કથિત સવર્ણોની મીટિંગ મળી. પણ એમાં આ મુદ્દે સર્વસંમતિ સધાઈ નહીં. અમુક લોકોએ એમ કહ્યું કે એ લોકો પણ સાથે જમવાના હોય તો અમે નહિ જમીએ. આ સાંભળી યજમાન ફસાયા અને અંતે અમને પડતા મુકાયા. એના પછી પણ ગામ બે-ત્રણ વાર જમ્યું અને અમારામાંના મોટાભાગના લોકો સ્વમાનભેર એનાથી દૂર રહ્યાં.

પણ 22 જાન્યુઆરી 2024(રામ મંદિરના કથિત પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે) એ ફરી ગામ જમવાનું છે ત્યારે આ પ્રસંગે બધાં જમે એવો વિચાર ગામના કથિત સવર્ણોને આવ્યો હશે તેથી તેમાંના કેટલાક અમારા વાસમાં બેઠક કરવા, આમંત્રણ આપવા આવ્યા. હું તો મીટિંગમાં હાજર નહોતો પણ મારા દાદાએ કહ્યું તે પ્રમાણે, પહેલાં રામના અવસર નિમિત્તે પ્રસાદ લેવા આવવાની વાત મુકાઈ પછી ખાસ્સો સમય બંને પક્ષ મૌન રહ્યાં. એટલામાં અમારા વાસનો એક યુવાન બોલ્યો કે “શું રામ ભગવાન અસ્પૃશ્યતા પાળતા હતા?”  આ સવાલ સાંભળતા જ ગામમાંથી આવેલ એક જણ છંછેડાઈ ગયો હોય એમ ઊભો થઈ ગયો ને બીજા બધાં પણ એને અનુસર્યા. એમણે કહ્યું કે ગામ જમે છે તો તમે પણ કાયમ આવો છો એ રીતે જમવા આવજો. હવે કાયમની જેમ એટલે? અમુક વાતો ઈશારામાં કહેવાતી હોય છે. કાયમ તો અસમાન વ્યવહાર કરવામાં આવતો હતો અને એ મુદ્દે તો જવાનું બંધ કરેલ છે. તો હવે? બેઠક શરૂ થતાં જ પૂરી થઈ ગઈ અને પ્રશ્ન ઠેરનો ઠેર રહ્યો.

પણ ગામમાં પાછા ગયા બાદ કદાચ એ લોકોએ પુનર્વિચાર કર્યો હશે એટલે ત્યાંથી વાસમાં ફોન આવ્યો કે હજુ પણ વિચાર કરીને નિર્ણય આપો. બીજા દિવસે વાસમાં ઘણી ચર્ચાઓ થઈ. રાત્રે ફરી વાસના લોકો ભેગા થયા. ગામમાંથી એવો પ્રસ્તાવ આવ્યો હતો કે તમે તમારો નિર્ણય કરી થોડાક પ્રતિનિધિઓ સાથે ગામમાં આવો પછી નિર્ણય કરીએ. મોટાભાગના યુવાનોનો મત એવો હતો કે અસમાનતા હોય તો સ્વમાનના ભોગે જમવા ન જવું જોઈએ. કેટલાક પરંપરાગત માનસ ધરાવતા વડીલો જવાના મતના હતા પણ આટલા પ્રબળ વિરોધમાં ખોંખારીને પોતાનો મત વ્યક્ત કરી શકતા નહોતા. અમુક લોકોએ એવું કહ્યું કે આ તો આખા દેશનો અવસર છે તો આ વખત પૂરતું જવું જોઈએ. ગામલોકો જોડે ઘનિષ્ટ સંબંધ ધરાવતા વ્યક્તિઓએ એમ કહ્યું કે આ રીતે અલગ પડીએ તો પછી ગામમાં રહેવામાં મુશ્કેલી પડે. સામે એવા જવાબ મળ્યા કે હવે ક્યાં પહેલાંની જેમ એમના પર આધારિત છીએ, કોઈ મુશ્કેલી નહિ પડે. અને ખરેખર ખાસ પડે એમ પણ નથી કારણ કે, મોટાભાગના ગ્રામજનોના વ્યક્તિગત રીતે એકબીજા જોડેના સંબંધો સારા છે.

જમણવારમાં ના જવા તરફ વધુ મત હતા. અમારો નિર્ણય લઈને અમને ગામમાં આવવા જણાવાયું હતું પણ કેટલાકે એવો વિચાર કર્યો કે સમાનતાવાળા જમણવારની વાત કરીએ અને ગામ ના પાડી દે તો? વિલે મોઢે પાછા આવવા કોઈ રાજી નહોતું આથી એમ વિચાર કર્યો કે ખરેખર ગામના લોકોની ઈચ્છા હોય કે સૌ જમે તો એમણે જ ફરીથી આમંત્રણ આપવા આવવું જોઈએ. મારા જેવા કેટલાકે કહ્યું કે આમંત્રણ લેવા સામેથી તો ના જ જવાય ને! અને એમાંય આપણી સમાનતાવાળી શરત ના સ્વીકારાય તો ભોંઠા પડવાનું થાય.

ગામમાં ફોન કર્યો પણ ગામના પ્રતિનિધિઓ ફરી અમારા વાસમાં આવવા તૈયાર નહોતા, આથી અમારા તરફથી જણાવવામાં આવ્યું કે "અમે જમણવારમાં ભાગ નહિ લઈએ અને ભવિષ્યમાં પણ આમંત્રણ આપવા આવતા નહીં."

સામા પક્ષે આ વાત તરત સ્વીકારી લીધી જાણે માત્ર ઔપચારિકતા ખાતર જ આમંત્રણ ના આપ્યું હોય! વાસનો નિર્ણય ગામમાં જણાવી દીધા પછી પણ વાસમાં અંદરોઅંદર ઘણી ચર્ચા થઈ, ભિન્ન મત ધરાવતા લોકો વચ્ચે ઉગ્ર માહોલ પણ બન્યો. પણ હવે નિર્ણય લેવાઈ ગયો હતો. એક જણે એમ કહ્યું કે આપણે ભૂલ કરી રહ્યા છીએ, આપણે આપણો મત ગામમાં જઈને મૂકવાની જરૂર હતી, કદાચ એ લોકો એ તરફનો જ નિર્ણય લઈને બેઠા હોય અને માત્ર આપણા પ્રસ્તાવની રાહ જોતા હોય. પણ જો ખરેખર એવું હોત તો આપણી ના એ લોકો આટલી સહજ રીતે સ્વીકારી લે ખરા? આવું કોઈકે કહ્યું. અને અસ્પૃશ્યતા પાળીને ભૂલ તો સદીઓથી કથિત સવર્ણોએ જ કરી છે એટલે નમીને પણ એમણે એ સુધારવી રહી. કેટલાકે શંકા વ્યક્ત કરી કે જેમને સ્વમાન જેવું કશું નથી એવા અમુક લોકો કાયમની જેમ આ વખતે પણ જશે અને એકના જવાથી આખો વાસ આવ્યો એવું ગણાશે. કોઈકે એમ પણ કહ્યું કે જેને જવું હોય એ જાય. કેટલાકે કહ્યું કે હું તો આટલા વર્ષોથી જતો જ નથી. મારા દાદા સ્વેચ્છાએ છેલ્લા 40-50 વર્ષથી અસમાનતાભરી ગૉમહાયણીમાં નથી જતા અને ઉદાહરણરૂપ બની પોતાનો મત વ્યક્ત કરે છે. વાસમાં દિવસે દિવસે આવા લોકો વધતા ગયા છે. હવે એ જમાનો પણ નથી રહ્યો કે કોઈને લાડુની નવાઈ હોય એટલે માત્ર ભોજનના હેતુથી જનાર તો નહિવત હોવાના.

મૂળે દલિતોની વાત એમ છે કે સદીઓથી જે વેઠતા આવ્યા છીએ એ હવે નથી વેઠવું. સહનશક્તિની પણ એક હદ હોય ને! અને અન્યાય તો શું કામ વેઠવો? હા, સુધારો થયો છે-થઈ રહ્યો છે ખરો, પણ એની આટલી બધી ધીમી ગતિ હવે મંજૂર નથી. ચર્ચામાં એક જણે એમ પણ કહ્યું કે શું રામ આ લોકોને એટલું પણ નહીં સમજાવી શકતા હોય કે અસ્પૃશ્યતા પાળવી એ બરાબર નહીં? કોઈકે ‘શબરીવાળો’ પ્રસંગ પણ ટાંક્યો. આટઆટલી ચર્ચામાં શંબુક વધની વાત ક્યાંય ન આવી એ સારું કહેવાય કે ખરાબ એનો નિર્ણય હું નથી કરી શકતો.

ગામના રામજી મંદિરમાં 29 વર્ષમાં હું બે-ચાર વાર ગયો હોઈશ અને એ પણ લગ્નમાં વરરાજા પગે લાગવા જાય એમની સાથે. મતલબ કે પ્રવેશબંધી છે એવું નહિ પરંતુ નિઃસંકોચ જવાય એવું પણ નહીં. ક્યારેક કોઈક ઠપકો આપી દેશે એવી બીક રહે. જોકે  મંદિરપ્રવેશ એ મહત્ત્વનો મુદ્દો નથી, મૂળે વાત તો પોતાના જેવા જ માણસના સ્વીકારની છે.

ઉપરની ચર્ચા થતી હતી ત્યારે મેં નવરાત્રીનો મુદ્દો પણ ઉમેરેલો. છેલ્લે એવી ચર્ચા પણ થઈ કે આ બધું તો છે જ પણ આપણે એકબીજાના દુશ્મન નથી. સામાન્ય દિવસોમાં સૌ સારી રીતે જ બોલાવે-ચલાવે છે. આ પ્રશ્નો ગામે-ગામ છે, અમુક ગામોમાં જ્ઞાતિવાર પાટિયાં મારીને વિભાગો પાડીને પણ જમણવાર થતા હોય છે, એ પણ બરાબર ન કહેવાય. ઘણા સવર્ણો વ્યક્તિગત જીવનમાં અસ્પૃશ્યતા નહિ પાળતા હોય પણ જાહેરમાં ખૂલીને તેનો વિરોધ કરી શકતા નથી. જાહેરમાં અસ્પૃશ્યતાનો વિરોધ કરનારા સવર્ણોની સંખ્યા વધે તો ચિત્ર ઝડપથી બદલાય. સારપવાળા તો ઘણાં હશે પણ આ માટે સાહસ પણ જોઈએ. અને અસ્પૃશ્યતા નિવારણનું કામ કોઈક કથિત સવર્ણ કરે તો કથિત અવર્ણ કરતાં વધુ પરિણામ મળે એ તો છે જ. અમારા ગામને પણ આવા સાહસિક-સુધારાવાદી સવર્ણોની ખપ છે.

શિક્ષણ, નોકરી, ધંધા, રોજગાર, પ્રેમલગ્નો, શહેરીકરણ વગેરે થકી અસ્પૃશ્યતા ઘટી તો છે જ પણ સહજ રોટી-બેટી વ્યવહાર એ સમાનતા માટેની આદર્શ અપેક્ષા ગણાય છે અને સમજુ સવર્ણોના પ્રયાસો વધે તો ત્યાં ઝડપથી પહોંચાય. આંબેડકરે એમની રીતે ખૂબ પ્રયત્નો કર્યા છે ત્યારે સૌએ આ બાબતે વિચારવું રહ્યું. સ્વામી સચ્ચિદાનંદને આ અંગે એક પુસ્તક પણ લખેલું 'આ છેલ્લી ટ્રેઈન છે'  જેને વિસ્તારીને એમણે જે પુસ્તક કર્યું એનું નામ 'અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા'.
આ મુદ્દો કરોડો ભારતીયોને અસર કરે છે ત્યારે આઝાદીના 76 વર્ષ બાદ તો સમાનતા અને બંધુતા આણીએ. નવું જન્મેલ બાળક તો કંઈ આ બધું શીખીને આવતું નથી, મૂળે પોતાનાં સંતાનોને વારસામાં અસ્પૃશ્યતા ન આપીએ તોય અમુક વર્ષોમાં એ નાબૂદ થઈ જાય.

સદનસીબે મને અસ્પૃશ્યતાના બહુ જ ઓછા અનુભવો થયા છે ને મિત્રો, સાથીઓ પણ બહુ મજાના મળ્યા છે, ધીમે ધીમે સુધારો આવી તો રહ્યો જ છે પણ Accelerator આપવાની જરૂર છે. રામના નામે ભારતમાં 3000 થી વધુ ગામો છે. એમાંનું એક ગામ એટલે અમારું રામપુરા. અયોધ્યા-રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ-ચૂંટણીલક્ષી/વ્યક્તિકેન્દ્રી પ્રાણપ્રતિષ્ઠા-ધાર્મિક ઉન્માદના પ્રશ્નો તો છે જ, પણ હાલ તો ઉપરનો પ્રશ્ન અમારે ત્યાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે વાલ્મિકીના રામ, મીરાના રામ, કબીરના રામ, તુલસીના રામ આપણને બીજા માણસ સાથે કેમ વર્તવું એ શીખવે એ આશા.

આ પણ વાંચો : ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.