સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બિલ્કીસ બાનો કેસના 11 આરોપીઓએ આત્મસમર્પણ કર્યું, જેલમાં ધકેલાયા

ચકચાકી બિલ્કીસ બાનો કેસના 11 આરોપીઓને ફરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ તમામ આરોપીઓને આત્મસમર્પણ માટે વધુ સમય આપવા માટે કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. વાંચો સમગ્ર અહેવાલ.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બિલ્કીસ બાનો કેસના 11 આરોપીઓએ આત્મસમર્પણ કર્યું, જેલમાં ધકેલાયા
all images by Google images

ગોધરા હત્યાકાંડ બાદ સર્જાયેલા કોમી રમખાણોમાં બળાત્કારનો ભોગ બનેલી બિલ્કીસ બાનોના કેસમાં સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની અરજીને ફગાવી દીધી હતી. આથી આ કેસના 11 આરોપીઓએ ગોધરા સબ જેલમાં ગત મોડી રાતે આત્મસમર્પણ કર્યું હતું. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આ 11 દોષિતોએ આત્મસમર્પણ કરતા પહેલા વધુ સમય આપવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. એ પછી આરોપીઓ પાસે આત્મસમર્પણ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.


બિલ્કિસ કેસના દોષિતોએ ગુરુવારે 18 જાન્યુઆરી 2024ના રોજ વ્યક્તિગત કારણોને ટાંકીને આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાનો ઇનકાર કરીને એમની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ‘તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે.’ સુપ્રીમ કોર્ટે કહેલું કે 11 દોષિતોએ આત્મસમર્પણ માટેનો સમય લંબાવવા માટે જે કારણો આપ્યા છે તેમાં કોઈ તથ્ય લાગ્યું નહતું. આ પહેલા તમામ દોષિતોએ કૌટુંબિક જવાબદારીઓ અને સ્વાસ્થ્યના કારણોને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. જેમાં કેટલાક દોષિતોએ 4 અઠવાડિયાનો જ્યારે કેટલાક દોષિતોએ 6 અઠવાડિયાનો સમય માંગ્યો હતો.

અગાઉ આ તમામ દોષિતો 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા, પરંતુ ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે તેમની સજા માફ કરી તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા. ગુજરાત સરકારના આ નિર્ણયને પડકારતા બિલ્કિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. જેને પગલે સુપ્રીમ કોર્ટે 08 જાન્યુઆરી 2024ના રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બી.વી. નાગરત્ના (B. V. Nagarathna)ની બેંચે આ કેસમાં તમામ 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવા પણ કહ્યું હતું.

શું છે બિલકિસ બાનો કેસ?
27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા નજીક ‘કાર સેવકો’થી ભરેલી સાબરમતી એક્સપ્રેસના કેટલાક કોચમાં આગ લગાવવામાં આવી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. તેના પરિણામે ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. તોફાનીઓથી બચવા માટે બિલ્કિસ બાનો તેની સાડા ત્રણ વર્ષની પુત્રી સાલેહા અને 15 લોકો સાથે ગામમાંથી ભાગી ગઈ હતી. તે સમયે તે 5 મહિનાની ગર્ભવતી પણ હતી.


03 માર્ચ, 2002ના રોજ બિલ્કીસનો પરિવાર છાપરવાડ ગામ પહોંચ્યો હતો. ત્યાં તે ખેતરોમાં સંતાઈ ગયા હતા, પરંતુ તેઓને શોધી કાઢવામાં આવ્યા હતા. દાખલ કરાયેલી ચાર્જશીટ મુજબ 12 અન્ય લોકો સહિત લગભગ 30 લોકોએ બિલ્કીસ અને તેના પરિવાર પર લાકડીઓ અને સાંકળોથી હુમલો કર્યો હતો. બિલકિસ બાનો સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારના 7 સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના સમયે બિલ્કિસની ઉંમર 21 વર્ષ હતી. 21 જાન્યુઆરી 2008ના રોજ CBIની વિશેષ અદાલતે 11 લોકોને દોષી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી હતી. ગયા વર્ષે 15 ઓગષ્ટના રોજ ગુજરાત સરકારે તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા. 

11 દોષિતોના નામ
મિતેશ ભટ્ટ
શૈલેષ ભટ્ટ
બિપીનચંદ્ર જોષી
રાધેશ્યામ શાહ
બકા વહોનિયા
કેસર વહોનિયા
પ્રદિપ મોરડિયા
રમેશ ચંદાના
ગોવિંદ નાઈ
જશવંત નાઈ
રાજુ સોની

આગળ વાંચોઃ દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.