પા. રંજિથે આર્મસ્ટ્રોંગની હત્યા બાદ દલિત નેતાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો

કાલા, કબાલી, સરપટ્ટા પરંબરાઈ જેવી દલિત સમાજ કેન્દ્રી સુપરહિટ ફિલ્મોના નિર્માતા-નિર્દેશક પા. રંજિથે તમિલનાડુમાં દલિત નેતાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.

પા. રંજિથે આર્મસ્ટ્રોંગની હત્યા બાદ દલિત નેતાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો
image credit - Google images

કાલા, કબાલી, પેરિયારમ પેરૂલમ, સરપટ્ટા પરંબરાઈ જેવી દલિત સમાજને કેન્દ્રમાં રાખીને બનેલી દક્ષિણ ભારતની સુપરહિટ ફિલ્મોના નિર્માતા-નિર્દેશક પા. રંજિથે તમિલનાડુ બીએસપી અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની હત્યા બાદ રાજ્યમાં દલિત નેતાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. પા. રંજિથ હાલ તેમની આગામી બહુચર્ચિત ફિલ્મ 'થંગાલાન'ને લઈને ચર્ચામાં છે.

પા. રંજિથે તમિલનાડુ બહુજન સમાજ પાર્ટી (BSP) ના પ્રમુખ કે આર્મસ્ટ્રોંગની હત્યા બાદ દલિત નેતાઓને પર્યાપ્ત રીતે સુરક્ષા આપવામાં નિષ્ફળ રહેવા બદલ સત્તાધારી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સરકારની ટીકા કરી હતી. રંજિથે કે. આર્મસ્ટ્રોંગની હત્યાના અસલી ગુનેગારોને પકડવા માટે સરકાર પર દબાણ લાવવા 20 જુલાઈના રોજ એક વિશાળ રેલી પણ યોજી હતી.

પા. રંજિથે દલિત નેતાઓની યોગ્ય સુરક્ષાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને દલિત નેતાઓને મળતી સતત ધમકીઓ તરફ લોકોનું ધ્યાન દોર્યું હતું. રણજીતે કહ્યું હતું કે, “રાજકીય નેતાઓ, ખાસ કરીને દલિત નેતાઓને રાજ્યમાં પૂરતી સુરક્ષા આપવામાં આવતી નથી. જ્યારે મેં વિદુથલાઈ ચિરુથૈંગલ કાચી (VCK)ના વડા થોલ થિરુમાવલવન સાથે વાત કરી ત્યારે તેમણે તેમને અનેક ધમકીઓ મળી હોવાનું જણાવ્યું હતું. તેમના જેવી વ્યક્તિ, જે મુખ્યધારાના રાજકારણમાં છે, જો તમે મને પૂછો કે શું તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવી રહી છે - તો તે બાબતે મને હજુ પણ શંકા છે. પોલીસે તેમના જેવા દલિત નેતાઓને મળતી ધમકીઓથી વાકેફ રહેવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તેઓ તેમની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લે."

આ પણ વાંચોઃ Kaala: સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહ ગર્જના

ઉલ્લેખનીય છે કે, ગત 5 જુલાઈના રોજ ચેન્નઈના પેરામ્બુર વિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગ પર તેમના ઘર પાસે જ 6 અજાણ્યા હુમલાખોરો દ્વારા ઘાતક હથિયારોથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું મોત થઈ ગયું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજુ પણ ત્રણ લોકો ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે. હાલમાં આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ-ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CB-CID) દ્વારા કરવામાં આવી રહી છે. 

પા. રંજિથે કહ્યું કે "અમે યોજેલી રેલીનો હેતુ આર્મસ્ટ્રોંગની હત્યા પાછળનું સત્ય જાહેર કરવા માટે રાજ્ય સરકાર પર દબાણ લાવવાનો હતો. પોલીસે દલિત નેતાઓ પર નજર રાખવી જોઈએ અને તેમને પુરતી સુરક્ષા પ્રદાન કરવી જોઈએ."

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, "રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય આર્મસ્ટ્રોંગની હત્યાની નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવાનો હતો. આ હત્યાના અસલી ગુનેગારોની ધરપકડ થવી જોઈએ. હત્યા પાછળ કોઈ રાજકીય હાથ કે મોટું માથું સામેલ છે કે કેમ, એ એંગલની પણ તપાસ થવી જોઈએ. અમે રાજ્ય સરકાર પર દબાણ લાવવા માંગીએ છીએ કે આ કેસની તપાસ નિષ્પક્ષ અને સંપૂર્ણ રીતે હાથ ધરવામાં આવે. જો અમને વર્તમાન તપાસથી સંતોષ નહીં થાય તો અમે સીબીઆઈ તપાસની માંગ કરીશું."

આ પણ વાંચોઃ 12th Fail - વાત સંઘર્ષની નહીં, બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે

BSP સુપ્રીમો માયાવતીએ આર્મસ્ટ્રોંગને શ્રદ્ધાંજલિ આપવા માટે ચેન્નાઈની મુલાકાત લીધી ત્યારે તેમણે કહ્યું હતું કે, "અસલી ગુનેગારો હજુ સુધી પકડાયા નથી. તેમણે તમિલનાડુની સ્ટાલિન સરકારને આ કેસ સીબીઆઈને સોંપવા વિનંતી કરી હતી."

ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) અને ભારતીય જનતા પાર્ટી (BJP) સહિતના વિપક્ષોએ પણ આ હત્યાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.

પા. રંજિથે ડીએમકે સરકારની પરિસ્થિતિને સંભાળવાની રીતની ટીકા કરતા જણાવ્યું હતું કે, "તમિલનાડુ સરકાર આ મામલાને વધુ સારી રીતે હેન્ડલ કરી શકી હોત. જે રીતે મૃતદેહને સોંપવામાં આવ્યો, દફન કરવા માટે જગ્યા ફાળવવાનો ઈનકાર કરવામાં આવ્યો અને અંતિમયાત્રા કાઢવામાં આવી તેને સરકારે યોગ્ય રીતે હેન્ડલ કરી નહીં. અમે તેનાથી ખુશ નથી."
પા.રંજિથે જણાવ્યું કે "તેઓ આગળની કાર્યવાહી પર નિર્ણય લેતા પહેલા તપાસના તારણોની રાહ જોશે."

આ પણ વાંચોઃ મેં ભૂખા તો નહીં મરુંગા, ચમાર હું....

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુમાં જાતિવાદ જેવા મુદ્દાઓ પર ત્યાંના ફિલ્મમેકરો ખૂલીને બોલે છે. બોલીવૂડના હિન્દી ફિલ્મ નિર્માતાઓ મોટાભાગે કથિત સવર્ણ સમાજમાંથી આવતા હોવાથી તેઓ દલિતોને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બનાવતા નથી. જો ફિલ્મમાં દલિત પાત્ર બતાવે પણ છે, તો તે નિઃસહાય, લાચાર, ગરીબ અને નબળું જ બતાવાય છે. જ્યારે પા. રંજિથની 'કાલા', 'કબાલી', 'સરપટ્ટા પરંબરાઈ' જેવી ફિલ્મોમાં દલિત પાત્રો અત્યંત મજબૂતીથી જાતિવાદ અને જાતિવાદી તત્વોનો સામનો કરતા દેખાય છે. સાઉથની ફિલ્મોમાં આ કલ્ચર ઉભું કરવામાં પા. રંજિથનો મોટો ફાળો છે. અને એટલે જ તેમના દ્વારા બોલવામાં શબ્દોનું રાજકીય અને સાામાજિક બંને સ્તરે વજન પડે છે.

આગળ વાંચોઃ એક ચમાર ગાયક, જેના અવાજ પર આખું પંજાબ ઝૂમી ઉઠતું હતું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.